સ્વમાન
સ્વમાન
સવારમાં રામજી ભંગારવાળો શેરીઓમાં ફરી રહ્યો હતો. પરંતુ કોરોનાને કારણે શેરીઓમાં સૂનકાર વ્યાપેલો હતો. સમગ્ર દુનિયામાં કોરોનાના આંતકથી માણસ- માણસથી વધુ દૂર થઈ ગયો છે. એમાંય આવાં સમયે ભંગાર વાળાને જોઈને એક-બે ઘરોનાં અધખુલા દરવાજા પણ બિડાઈ ગયાં. પણ. . . રામજી લાચાર હતો. આજે ગમેતેમ બોણી કરીને ઘરે ખાવાનું લઈ જ જવું પડે એમ હતું. લોકડાઉનનાં કારણે ઘરમાં હાલ્લા કુસ્તી કરતાં હતાં. થોડી-ઘણી રાહત સામાજિક સંસ્થાઓ દ્વારા મળી હતી, જેનાથી માંડ માંડ પરિવારનો ગુજારો કર્યો હતો. પરંતુ હવે ઘરમાં બેસવું પોસાય એમ જ નહોતું. સંસ્થાઓ દ્વારા મળતી રાહત પણ હવે તો બંધ થઈ ગઈ હતી. છેલ્લાં બે દિવસથી છોકરાંઓનાં મોંઢામાં અન્નનો એક દાણો પણ નહોતો ગયો. એક લાચાર ને મજબૂર બાપ કરી પણ શું શકે ? કોરોનાની મહામારીએ રોજનું કમાઈને રોજ ખાનારા મજૂરવર્ગની હાલત ખૂબ જ કફોડી કરી નાંખી છે. મનમાં ચાલતી વિચારોની ગાડીને બ્રેક મારીને તે જોર-જોરથી રાડો પાડવા માંડ્યો. એ. . . પસ્તી. . . . ભંગાર. . . . .
તે બૂમો પાડતો શેરીમાંથી પસાર થતો હતો ત્યાં પૂજાબેનની નજર એની ઉપર પડી. ન જાણે કેમ આજે પૂજાબેનનાં હૃદયમાં રામ વસ્યા હોય ને એમને એ ભંગારવાળાની મદદ કરવાનું મન થયું. ને તરત જ એમણે બૂમ પાડીને રામજીને ઊભો રાખ્યો. કેટલાંય સમયથી એ
કઠો થયેલો ભંગાર કાઢીને રામજીને કહ્યું, "આ બધું લઈ જા. . " રામજીએ જોયું કે ઓછામાં ઓછો ચારસો-પાંચસો રુપિયાનો ભંગાર હતો ને એટલાં પૈસા પણ ખિસ્સામાં નહોતાં. પણ તેની સામે તેનાં ભૂખ્યાં છોકરાંઓનાં રડમસ ચહેરા તરવરવા લાગ્યાં. તેણે પૂછ્યું, " કેટલાંમાં આપવો છે ભંગાર ?" પૂજાબેને કહ્યું, "મારે કંઈ નથી જોઈતું, તું એમને એમ લઈ જા. . " પરંતુ સ્વમાની રામજીનું મન માનતું નહોતું. એ બોલ્યો," એમને એમ તો કેવી રીતે લઈ જાઉં. . . ઉપરવાળાને શું જવાબ આપવો ?"
એકને દાન કરીને પુણ્ય કમાવું' તું, ને બીજાને સ્વમાન નહોતું ગુમાવવું ! કોરોનાની મહામારીમાં પણ એક ગરીબનાં દિલની અમીરાત છલકાતી હતી. તે જાણતો હતો કે તેના ખિસ્સામાં માત્ર પચાસ રૂપિયા જ છે. છતાંય તે એની વાત પર અડગ રહ્યો. આખરે પૂજાબેને કહ્યું કે, " કેટલાં આપી શકીશ ?" તો એણે ધીમેથી કહ્યું,"પચાસ રૂપિયા". ને પૂજાબેને ખુશ થઈને બધો ભંગાર એને આપી દીધો.
પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય પણ માણસ પોતાના સંસ્કારોથી દીપી ઊઠે છે. સમય ભલે ખરાબ હોય તે તો વીતી જશે પણ માનવતાની મહેક હંમેશા રહે છે. દુનિયામાં કપટી ને લુચ્ચા માણસો ડગલે ને પગલે મળશે, પરંતુ ક્યાંક એકાદ કિનારે આવા માણસાઈનાં દીવડા પણ ટમટમતાં મળશે જ ! આજ છે સાચી માનવતા ને આપણી ભારતીય સંસ્કૃતિ !