Rekha Kachoriya

Tragedy Others

3  

Rekha Kachoriya

Tragedy Others

સાહિત્ય અને સમાજ

સાહિત્ય અને સમાજ

2 mins
192


સાહિત્ય એ સમાજનું દર્પણ છે. જે-તે સમયના, જે-તે બનાવો, રહેણી-કરણી, રીતિ-રિવાજોની અસરો સાહિત્યમાં ઝીલાય છે. શું સાહિત્ય કે શું સમાજ દરેક જગ્યાએ આપણને કડવાં-મીઠાં અનુભવો થતાં રહે છે. એ અનુભવોથી જ આપણે શીખીએ છીએ, ઘડાઈએ છીએ. સમાજમાં પારકાં તો ટાંટિયા ખેંચે પરંતુ પોતાનાં પણ પછાડવામાં કંઈ બાકી નથી રાખતાં. સાવ ક્ષુલ્લક બાબતમાં પણ ચડસા-ચડસી થતી હોય છે. 

સાહિત્ય જગતમાં પણ સતત આગળ વધવાની રેસ ચાલુ હોય છે. આજકાલ ઉઠાંતરી કરવી એ સામાન્ય બાબત બની ગઈ છે. ટૂંક સમયમાં જ પ્રસિદ્ધિ મેળવવાની લાલચ અને પોતાની ક્ષમતા ન હોય એટલે આવાં શોર્ટકટ અપનાવતાં હોય છે. વધુ આશ્ચર્ય તો ત્યારે થાય કે પકડાઈ જાય પછી પણ ગુનો કબૂલવાને બદલે ઉલટો ચોર કોતવાલને દંડે એવો ઘાટ થાય છે. ઘણીવાર તો નવોદિતની સારી કૃતિને પણ ઉતારી પાડવામાં આવે છે અને તેની ઉગતી લાગણીઓને એવી રીતે ભાંગી પાડવામાં આવે છે કે તે ફરી બીજીવાર કલમ ઉઠાવવાની હિંમત જ નથી કરી શકતાં. ખરેખર સમાજમાં પણ કોઈ માણસ પ્રગતિ કરે તો સહન નથી કરી શકતાં, પરંતુ તે જ માણસ નીચે પછડાય ત્યારે તેને ઊભો કરવા પણ આગળ કેટલાં લોકો આવે છે ? 

મનુષ્ય જેવો હોય એવો મોડો કે વહેલો સામે આવી જતો હોય છે. કોઈ ખરાબ વ્યક્તિ ગમે એટલો સારો દેખાવ કરે પણ તેના વર્તનથી ક્યારેક તો ઓળખાઈ જ જાય છે. માણસને માપવાનું કોઈ યંત્ર નથી બન્યું. 

બે મિત્રો હતા. એક મિત્રએ બીજાં સાથે દગો કર્યો. બીજાં મિત્રે દુઃખ સાથે કહ્યું કે, મને ખબર નહોતી કે તું આવો નીકળીશ. એણે કહ્યું કે, હું તો આવો જ છું. પેલાએ કહ્યું કે, સાચી વાત છે, મેં જ તને ઓળખવામાં થાપ ખાધી. તેં દગો ન કર્યો હોત તો મને એવો જ ભ્રમ રહેત કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. આ પીડાદાયક ઘટનાથી તે હલબલી ગયો. અને ફરી કોઈને મિત્ર ન બનાવી શક્યો. વિશ્વાસ એકવાર તૂટે પછી જલ્દીથી મેળવી શકાતો નથી. 

દરિયામાં અને નદીમાં આમ તો પાણી જ હોય છે પણ એક ખારું અને એક મીઠું. દરિયાનું પાણી આપણે ઉપયોગમાં નથી લઈ શકતાં જ્યારે નદીનાં પાણી વગર જીવન શક્ય નથી. આપણાં ઉપર આધાર રાખે છે કે આપણે કેવું બનવું !

ટહુકો: સારા વિચાર ધરાવવા એ આંતરિક સુંદરતાની નિશાની છે. - સ્વામી રામતીર્થ


Rate this content
Log in

Similar gujarati story from Tragedy