Rekha Kachoriya

Inspirational

4  

Rekha Kachoriya

Inspirational

સ્વપ્નોનું આકાશ

સ્વપ્નોનું આકાશ

6 mins
6


આજે ટાઉનહોલનાં સન્માન સમારોહમાં સમાજનાં અગ્રણીએ શાલ ઓઢાડીને તમારું સન્માન કર્યું ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો. તમે પાંપણે બાઝેલ અશ્રુબિંદુને સંતાડતા એક નાનકડી સ્પીચ આપીને સ્ટેજ પરથી નીચે ઉતર્યા, ત્યાં જ ચારેબાજુથી કોન્ગ્રેચ્યુલેશનસનો અનરાધાર વરસાદ તમને ભીંજવી રહ્યો. કેટલાંય વર્ષોની તનતોડ મહેનત તમને ફળી હતી. આજે તમારું અધૂરું સ્વપ્ન સાકાર થયું હતું ! તમારાં નામની આગળ ડૉક્ટર લાગ્યું હતું ! ડૉ.અભિપ્સા ! આ સુખદ અનુભવને તમે દિલ-દિમાગમાં સુવર્ણ અક્ષરે કંડારતાં હોય એમ સ્પીચલેસ બની ગયા. સાચે જ લોકો ઊગતાં સૂર્યને પૂજે છે.

આ એ જ ટોળું હતું કે જે તમારી ઉપર હસતું, તમને સલાહ આપતું હતું કે, " લગ્ન પછી ભણવાનું શરૂ કર્યું છે તે શું સાબિત કરવા ઈચ્છે છે ? ભગવાને આપેલ બધું જ સુખ છે તો લાઈફને એન્જોય કરને, આવી ખોટી મગજમારી શું કામ ગળે વળગાડે છે..." આજે એ દરેકનાં મોં સિવાઈ ગયાં હતાં. લોકો તો ક્યારેય નહીં સમજે કે શા માટે તમે આટલું બધું ભણ્યા. શૂન્યમાંથી સર્જન કરીને બતાવ્યું હતું તમે. લગ્ન પછી બે સંતાનોની માતા બન્યા અને ઘરની તમામ જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં તમે પીએચ. ડી. કરીને બતાવ્યું. તમારાં નામની આગળ ડૉ. નું રૂપાળું છોગું ઉમેરાયું. આસાન તો નહોતી જ આ સફર. બટ યુ કેન ડુ ઈટ. યુ અચીવ યોર ગોલ ! 

ઘરે આવીને પણ તમે સન્માનપત્ર અને શાલને નિરખી જ રહ્યા. તમારાં માટે આ સિદ્ધિ નાની સૂની નહોતી. કેટ- કેટલું સહન કર્યું હતું આ મેળવવા માટે. સાચે જ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય..એ કહેવતનો ગૂઢાર્થ આજે સમજાયો. વિચારોના વમળમાં ખોવાયેલાં તમે અતીતની ગલીઓમાં ક્યારે પહોંચી ગયાં એ તમને પણ ખબર ન રહી.

 નાનપણથી જ તમે અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીની હતાં. માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ દરેક એક્ટિવિટીમાં તમે અવ્વલ આવતાં. તમારે ખૂબ ભણવું હતું પણ નાના એવાં ગામમાં બાર ધોરણ પછી આગળ ભણવા માટે કોઈ સગવડ નહોતી અને બહાર મોકલવાની વડીલોની ઈચ્છા પણ નહોતી ! દીકરીને કાગળ લખતાં આવડે એટલું જ ભણાવાય. દીકરી વધુ ભણે અને ન કરે નારાયણ કંઈ ઊંચ-નીચ થઈ જાય તો, સારું ઘર અને સારો વર શોધવામાં તકલીફ પડે, એવી સ્પષ્ટ માન્યતા હતી તમારાં દાદાજીની. ઘરમાં એમનો હુકમ કોઈ જ ઉથાપી શકતું નહીં. તમારાં માતા-પિતા પણ નહીં. તમે દાદાજીનાં સૌથી વહાલાં પૌત્રી હતાં. પરંતુ, તેમનાં સિદ્ધાંતો માટે તે ઘરનાં કોઈ પણ સભ્ય માટે બાંધછોડ કરતાં નહીં. સારા ઘરની વાત આવે એટલે દીકરીને પરણાવી જ દેવાય. ખરેખર દીકરી સાપનો ભારો જ હશે ! તેથી જ માત્ર સતર વર્ષની ઉંમરે જ તમારાં લગ્ન લેવાયાં હતાં. આપણાં સમાજમાં પુત્રીને વિદાય આપવાની ઉતાવળમાં તેની ઈચ્છા- અનિચ્છાનું કોઈ ખાસ મહત્વ નથી હોતું. એમાં તેનાં સપનાંની તો શું વિસાત ! તેને સપનાં જોવાનો અધિકાર મળે છે એય ઘણું છે.

અનેક સપનાંઓ અને અરમાનો સાથે તમે શ્રીમંત શ્વસુર ગૃહમાં કુમકુમ પગલે પ્રવેશ કર્યો. નવા વાતાવરણમાં તુલસીની જેમ તમે પણ તમારી જાતને ગોઠવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરતાં હતાં. નવું ઘર અને નવાં નિયમો ! આ જ તો છે સ્ત્રીની નિયતિ ! સાસુ-સસરાનો કડક સ્વભાવ અને વાત-વાતમાં છલકાતો શ્રીમંતાઈનો પાવર, ધીમે-ધીમે ઘરની વહુને સહજ થઈ જાય છે. એક આદર્શ સંસ્કારી વહુની જેમ તમે પણ ઘરની દરેક જવાબદારીઓ સંભાળી લીધી હતી. તમારાં વેલ એજ્યુકેટેડ ગણાતાં સાસરીયામાં તમે એક જ ઓછું ભણેલા હતા. તમારી આ ખામીને કારણે તમારાં સર્વે ગુણો અવગુણોમાં ફેરવાઈ જતાં. કહેવત છે ને," વહુને અને વરસાદને જશ ન હોય." સંસારના કંસારને સ્વાદિષ્ટ બનાવવા તમે ગમે એટલી સાકર ઉમેરો પણ એમાં મીઠાશ ઓછી જ પડે. 

જીવનની ગાડી પૂરપાટ દોડી રહી હતી. પરંતુ, અંદરથી તે ત્યાં જ સ્થિર થઈ ગઈ હતી. ડગુમગુ કપાતો આ જીવનપંથ સાવ બંધિયાર લાગતો હતો. એમાંય વહુ નામનું યંત્ર સવારે સ્વિચ ઓન કરીને ચાલુ થાય અને રાત્રે સ્વિચ ઓફ કરીને બંધ થાય ! એક સ્ત્રી અને રોબોટમાં કંઈ ઝાઝો તફાવત નથી હોતો. આટલી જવાબદારીઓ છતાંય તમે તમારો વાંચનનો શોખ જાળવી રાખ્યો હતો. સાસરે પણ તમે અહીંની લાઈબ્રેરીનાં મેબ્મર બની ગયાં. રાતે ઉજાગરા કરીનેય તમે નવલકથા તો વાંચી જ લેતાં. મેઘાણી, પ્રેમચંદ, પન્નાલાલની ગ્રામ્ય નવલકથાઓ હોય કે કાજલ ઓઝા વૈદ્યની આધુનિક નવલ, તમે એ દુનિયામાં ખોવાઈ જતાં. તમને કુન્દનિકા કાપડિયાની 'સાત પગલાં આકાશમાં' આવતી વસુધાનું પાત્ર ખૂબ જ ગમતું. તમે તમારી સરખામણી એની સાથે કરતાં. શું દરેક સ્ત્રી આમ જ જીવતી હશે ! જીવનનાં કેટલાંય સવાલો એવાં વણઉકેલ્યા હોય છે, જેનાં જવાબો ક્યારેય જડતાં નથી.

તમામ ભૌતિક સુખ-સમૃદ્ધિમાંય જાણે કંઈક ખૂટતું હતું કે પછી તમારી અપેક્ષાઓ વધારે હતી ! લગ્નનાં આટલાં વર્ષો પછી પણ તમે તમારાં ભણવાનાં સ્વપ્નને ઈચ્છાઓનાં ખાતર વડે લીલુંછમ રાખ્યું હતું. કોણ જાણે ઊંડે-ઊંડે એક આશા હતી કે ક્યારેક તો મોકો મળશે ને... એનું એક કારણ હતું એ મ્હેણું...હા, એ એક બ્રહ્મ વાક્ય તમારાં દિલ અને દિમાગમાં અંકિત થઈ ગયું હતું. તમે લાખ કોશિશ કરતાં પણ એ અપમાનિત શબ્દો ભૂલી નહોતાં શકતાં.એ માત્ર શબ્દો નહોતાં પણ હૃદયભેદી બાણ હતાં તમારાં માટે, ડૉ. અભીપ્સા. એ શબ્દો....." તું ક્યાં ભણેલી છો ? તને કાંઈ ખબર ન પડે !" નાની-નાની વાતમાં પણ તમને એ અહેસાસ કરાવાતો ત્યારે તમારું કાળજું બળી જતું. તમને ગૂંગળામણ થતી. આખા ઘરને એક માળામાં પરોવીને રાખતી વહુ ઓછું ભણેલી હોય તો શું ફરક પડે ? તમારાં પતિ તમને કાંઈ ન કહેતાં તો ક્યારેય એમનાં માતા-પિતા સમક્ષ તમારો બચાવ પણ નહોતાં કરતાં. જ્યાંથી મદદની આશા હોય ત્યાં પણ જાકારો મળે તો હૃદય પણ રડી ઊઠે છે. તમારાં માટે એ મ્હેણું જીવનનું ધ્યેય બની ગયું હતું. એવું પણ નહોતું કે તમે સાસરે સુખી નહોતાં. ઈશ્વર કૃપાથી બધું જ હતું, પણ ક્યાંક કંઈક અધૂરપ હતી. યુગ ચાહે કોઈપણ હોય એક સ્ત્રીને બોલવાનો કોઈ જ અધિકાર નથી હોતો. તેને સાચાં પુરવાર થવા માટે વિધ-વિધ અગ્નિપરીક્ષાઓ હજુ પણ આપવી પડે છે. આપણાં સમાજમાં કામયાબ અને સ્વતંત્ર સ્ત્રીઓની સંખ્યા કેટલી ?

 અંધકારમાં ચમકવું હોય તો સ્વયં પ્રકાશિત થવું પડે. તમે તમારા હૃદયનાં ઝંકારને સાંભળીને નવી દિશામાં આગળ વધવા માટે મક્કમ હતાં. ઠુંઠવાયેલી અને મુરઝાયેલી જિંદગીને ભણતરનાં સ્પર્શથી જ નવપલ્લવિત કરવાનો તમે નિર્ણય કર્યો. બધાંની જેમ એક યંત્ર-વહુ બનીને જીવન પૂરું કરવામાં તમને રસ નહોતો. તેથી જ તમે તમારી એક ફ્રેન્ડની મદદથી ચોરી- છૂપીથી બી.એ.નાં પ્રથમ વર્ષનું ફોર્મ ભર્યું. પરીક્ષાના આગલા દિવસે જ તમે ઘરમાં જાણ કરી કે હું કૉલેજની પરીક્ષા આપવાની છું. કોઈ દુશ્મન દેશે અણુબોમ્બ ફેંક્યો હોય એવો વિસ્ફોટ તમારાં ઘરમાં થયો હતો એ દિવસે ! પરંતુ તમે તમારા નિર્ણયમાં મક્કમ હતાં. તમને પણ આશ્ચર્ય થતું હતું કે આટલી બધી હિંમત તમારામાં આવી ક્યાંથી ! કોઈ દિવસ કોઈની સામે હરફ સુદ્ધાં ન ઉચ્ચારનારા તમે ડર્યા વિના આજે આટલો મોટો ફેંસલો કર્યો હતો. અનેક મુશ્કેલીઓ આવી છતાં પણ તમે કૉલેજના ત્રણ વર્ષ પૂરાં કર્યાં. એટલું જ નહીં પણ તમે કૉલેજ ફર્સ્ટ આવ્યા. ત્યારબાદ તમે પાછું વળીને જોયું નથી, ડૉ. અભીપ્સા ! તમારી ફાઈલમાં એક પછી એક ડિગ્રીઓનાં સર્ટીફીકેટસ ઉમેરાતાં ગયા. એમ.એ., બી.એડ., એમ. ફિલ... અને શિક્ષણનું એવરેસ્ટ શિખર પીએચ.ડી. પણ તમે સર કર્યું. સાચે જ કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી. તમે સાબિત કરીને બતાવ્યું કે એક સ્ત્રીને સપનાં જોવાનો અધિકાર છે અને તે સપનાં સાચાં કરી શકવા સક્ષમ પણ છે.

જે તમને અભણ કહેતાં હતાં તે જ આજે લોકોની વાહવાહી ઝીલી રહ્યા હતાં. તમને આગળ લાવવામાં અને મોટીવેટ કરવામાં માત્ર ને માત્ર એમનો જ ફાળો છે એવું કહીને પોતાની જાતને તેઓ ધન્ય સમજી રહ્યા હતાં !

 છતાં પણ આજે તમે ખુબ જ ખુશ હતાં. તમારું ડૉક્ટર બનવાનું સપનું સાકાર થયું હતું. સમાજ આખામાં તમારી કામયાબીની ચર્ચા હતી. ફરીથી તમારી આંખો ભરાઈ આવી. પીએચ.ડી.ની ડિગ્રી એ માત્ર એક કાગળ જ ન હતો. એ એક સ્ત્રીએ પોતાની જાતને કરેલી કમિટમેન્ટ હતી. તમારો થિસીસ તમારાં માટે ભગવદ્ ગીતા જેટલું જ મહત્ત્વ ધરાવે છે. તમારું હસીન ખ્વાબ પૂર્ણ થયું હતું. આજે સાચાં અર્થમાં તમે ખુશ હતાં. માત્ર એક પગલું હિંમતનું.... અને સમગ્ર આકાશ તમારી સામે ખુલી ગયું. સંતોષનું.... સન્માનનું....એ આકાશ.... તમારાં સ્વપ્નોનું આકાશ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational