Rekha Kachoriya

Tragedy Inspirational

4  

Rekha Kachoriya

Tragedy Inspirational

મન ભરીને જીવીએ

મન ભરીને જીવીએ

3 mins
415


આ યુગમાં સંતાનો મા-બાપની પસંદગીથી લગ્ન કરે એ સદ્ભાગ્યની વાત કહેવાય. પરંતુ આ યુગમાં એવું જવલ્લે જ બને છે. ઘણુંખરું તો સંતાનો જીવનસાથીની પસંદગી પોતાની મરજીથી જ કરે છે. એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં આજનાં સંતાનોની વાત માતા પિતા માને પણ છે. તેમની પસંદ-નાપસંદને પ્રાધાન્ય આપે છે. હવે સમયની સાથે લગ્નની પાયાની બાબતમાં પણ ફેરફાર જોવા મળે છે. નાનાં શહેરમાં હજુ મા-બાપની પસંદગીનો થોડોક આગ્રહ દેખાય છે. બાકી તો "રાજાને ગમે તે રાણી." 

આજે વાત કરવી છે પોતાની પસંદગીથી કરેલાં લગ્નની અને છતાંય એ સંબંધ ટકતો નથી!

ગરિમા એકવીસમી સદીની આધુનિક યુવતી જે માવતરે સુખ-સાહ્યબીમાં ઉછરેલી. એની પાસે પસંદગી માટે બે ઓપ્શન હતાં. એક પોતાની પસંદગીનો મોર્ડન પણ ઓછાં પૈસાવાળું કુટુંબ અથવા બીજું સમાજમાં અઢળક પૈસાદાર, મોભાદાર અને જૂની વિચારસરણી ધરાવતું માતા-પિતાની પસંદગીનું ઘર! આ બંનેમાંથી ગરિમા મોર્ડન કુટુંબ પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે.  

અને એની સગાઈ દેવાંગ સાથે ખૂબ ધામધૂમથી થાય છે. સગાઈ અને લગ્ન વચ્ચેના સમયગાળાને યુવાપેઢી 'ગોલ્ડન પીરીયડ' કહે છે. આ સમયે કલાકો સુધી ફોનમાં વાતો કરવી, ફરવા જવાનું, ખાવું-પીવું અને મોજમજા કરવી. આ સમયે કોઈ જવાબદારી નથી હોતી. ન કોઈ સમયની પાબંદી કે ન કોઈની રોકટોક. જાણે સુખ-દુઃખનાં સીમાડા વટાવી પેલે પાર એક અલૌકિક આનંદનાં વિશ્વમાં વિહરવું ! હાથમાં હાથ પરોવીને બસ 'હું ને તું... તું ને હું..' માત્ર આહ્લાદક સુખાનુભૂતિ !

થોડાંક સમય પછી ગરિમા સપ્તપદીનાં ફેરા ફરી નવોઢા બની નવાં ઘરમાં ગૃહપ્રવેશ કરે છે. શરૂઆતમાં તો બધું સુષ્ઠુ-સુષ્ઠુ હતું, પરંતુ થોડાંક મહિના બાદ તે ઉદાસીન રહેવા લાગી. અહીં દરેક બાબત પૈસા પર આવીને અટકી જતી. પિયરમાં નોકર-ચાકર હતાં જ્યારે અહીં દરેક કામ જાતે કરવું પડતું. પૈસાને કારણે નાની નાની બાબતમાં તેને સાંભળવું પડતું. 

દરેક બાબતમાં કરકસર કરવાની તેને આદત નહોતી તેથી ધીમે- ધીમે નાની-નાની બાબતે ઘરમાં વિવાદ સર્જાય છે. પ્રેમનો એકરાર હવે તકરાર બની જાય છે. લગ્ન ફક્ત બે વ્યક્તિઓનાં જ નથી થતાં પરંતુ સમગ્ર પરિવારની જવાબદારી એમાં હોય છે. પરંતુ એવું થતું નથી. અને ગરિમા એક જ વર્ષમાં પિયર પાછી ફરે છે !

અહીં વાત કરવી છે શા માટે ? લગ્ન પસંદગીથી કરવામાં આવે છતાંય ઘરભંગ થાય છે. પ્રેમ નામનું તત્વ બાષ્પીભવન થઈ જાય છે. એકબીજા પર દોષારોપણ સિવાય બીજું કંઈ જ નથી બચતું. પોતે જ પસંદ કરેલાં માર્ગ ઉપર કદમ શા માટે ડગમગી જાય છે? જીવનની જરૂરિયાત માટે પૈસા જરૂરી માધ્યમ છે, પરંતુ તે સર્વસ્વ તો નથી જ. 

આજની યુવાપેઢીને બધું ઝડપથી જોઈએ છીએ. મોબાઈલની સ્ક્રીન પર ટચ કરીને મળે એટલું ત્વરિત ! વાસ્તવિક દુનિયામાં એ શક્ય નથી. ટીવી સ્ક્રીન પર કે સોશિ્યલ મિડીયામાં દેખાય છે એવું જીવનમાં હોતું નથી. જિંદગીમાં ડગલે ને પગલે પડકાર આવતાં હોય છે. સ્માઈલ કરીને સેલ્ફી લેવી અલગ વાત છે જ્યારે ચહેરા પર સ્માઈલ રાખીને જીવવું એ બીજી બાબત છે. 

જિંદગી નથી મોબાઈલ કે નથી 24×7 કલાક ચાલતો ડ્રામા. જીવનમાં કસોટીઓ આવતી રહે છે. તડકી-છાંયડી વેઠીને તપવું એ પણ એક અનુભવ છે. હેમ પણ તપીને શુધ્ધ થાય છે. રીલ લાઈફ અને રીયલ લાઈફનો ભેદ યુવાપેઢી કાં તો સમજતી નથી કાં તો સમજવા માંગતી નથી ! યુવાવસ્થામાં પ્રેમ જેટલો ઝડપથી થાય છે એટલી જ ત્વરાથી એનો ભ્રમ ઓસરી પણ જાય છે. પ્રેમ છે કે માત્ર આકર્ષણ એ નક્કી કરવું ખૂબ જરૂરી છે. પ્રેમપંથ તો કાંટાળો પણ હોય અને ફૂલો પાથરેલો રાજમાર્ગ પણ હોઈ શકે.

પ્રેમ તો એક જવાબદારી છે, એક કમીટમેન્ટ છે. એ આંધળુંકિયું કરવાનું ન જ શીખવાડે. આજની જનરેશન પ્રેમની ગહેરાઈને સમજી જાય તો બ્રેકઅપનાં કે છૂટાછેડાનાં પ્રશ્નોનો મહદઅંશે ઉકેલ આવી જાય. સરી જતાં સમય પર કાબૂ ન કરી શકાય પરંતુ આપણે આપણાં જીવનમાં શું કરવું છે, કયા પથ પર ચાલવું છે એ નક્કી કરવું જરૂરી છે. આપણાં સંસારમાં આપણી ભૂમિકા સમજીને નિભાવવી જ પડે છે. પીછેહઠ કરવાથી હાથમાં કંઈ જ નથી આવતું. સમય સંજોગો સામે લડવું પડે છે. ગરિમાએ થોડીક ધીરજથી કામ લીધું હોત તો કદાચ.... સમસ્યાનો હલ થઈ શક્યો હોત. પૈસા ભૌતિક સુખ સગવડોનું સાધન છે જ્યારે પ્રેમ એ તો અનમોલ છે. 

મનથી જિંદગી જીવીશું તો વહાલી લાગશે, પરંતુ પરાણે મરતાં-મરતાં જીવવાના વાંકે પૂરી કરશું તો થાક લાગશે અને હારી જઈશું એ ચોક્કસ વાત છે. જિંદગી એટલે વિવિધ રંગોનું ઈન્દ્રધનુષ! કોઈ મનગમતાં, કોઈ અણગમતાં, કોઈ અજાણ્યા તો કોઈ જાણીતાં... રંગોની આ રંગોળીમાં એક રંગ આપણી ખુશીનો ઉમેરીને દરેક રંગને મનમાં ભરીએ, જીવનમાં ભરીએ. અને મન ભરીને જીવીએ...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy