Rekha Kachoriya

Tragedy Inspirational

3  

Rekha Kachoriya

Tragedy Inspirational

'ક'નો કમાલ

'ક'નો કમાલ

3 mins
166


ન થા અકારણ ઉદાસ મનવા,

કમાલ આ બધો છે 'ક'નો મનવા

છોરું કછોરુ થાય, પણ

માવતર કમાવતર ન થાય,

પ્રેમ હોય ત્યાં લડાઈ ન હોય મનવા !

આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે, વૃદ્ધાશ્રમો વધુ ને વધુ ખુલતાં જાય છે. નવી પેઢીને માવતર બોજારૂપ લાગે છે. એમાંય નવી વહુને તો ઘરડાં કણાની જેમ ખૂંચે છે તેથી તેમને કાઢી મૂકે છે. શું ખરેખર આ સત્ય હોઈ શકે ? સમાજમાં આવું બનવાનું કારણ શું ? આપણે બે દિવસ ચર્ચા કરીને અટકી જઈએ છીએ. ખરેખર આપણે ત્યાં આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો જ નથી થતાં. 

દરેક વખતે નવી પેઢીને દોષિત ગણવી વ્યાજબી નથી જ. તાળી હંમેશાં બે હાથથી જ પડે છે. નવી જનરેશનનાં નવાં વિચારો સાથે જૂનાં વિચારો ટકરાય છે અને મતભેદ શરૂ થાય છે. એ મતભેદ થોડાંક સમયમાં ન ઉકલે એટલે મનભેદની ખાઈ સર્જાય છે. નવી પેઢી ઉત્સાહી અને જોશીલી છે, તેથી ઉતાવળી પણ છે. જો વડીલો થોડું ધૈર્ય રાખીને કાર્ય કરે તો સંઘર્ષ ટાળી શકાય છે. એમાં બંને પેઢીનો ઈગો ઘવાય છે. આવી રીતે ઘરનું વાતાવરણ ડહોળાય છે અને ઘર કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવાઈ જાય છે. શરૂઆતમાં નાની લાગતી બાબતો મોટી સમસ્યા બની જાય છે. નવી પેઢીને સાચી રાહ બતાવવા માટે અનુભવરૂપી વડલાની એટલે કે માવતરની જરૂર પડવાની જ છે. તેથી જ જીવનમાં મહાભારત સર્જાય અને છૂટાં પડવાની નોબત જ ન આવવા દઈએ તો ?

વૃદ્ધ થઈને પ્રબુદ્ધ કોઈ બનતું નથી પરંતુ ઘરડાં જ થવાય છે. તેથી જ વધુ આકરું લાગે છે. ઘરડાં તો ઉંમરથી થવાય. જ્યારે મનથી તો હંમેશાં તંદુરસ્ત રહી જ શકાય. બાળકો કદાચ ન સમજે પણ આપણે તો સમજીએ છીએ ને ? આ જનરેશન ગેપમાંથી એક સમયે આપણે પણ પસાર થઈ ચૂક્યા છીએ. દરેક સંબંધની જરૂરિયાત પ્રેમ છે. દરેક બાળકને ઉડવા માટે પોતાનું આકાશ જોઈએ છે. દરેકની આગવી દુનિયા અને સોનેરી સ્વપ્નો હોય છે. જો ઠોકર લાગે તો તમે મદદ માટે ત્યાં હાજર રહેશો તો એ બાળકોને ગમશે. પરંતુ એને ઊડવા જ ન દેવો કે ઠોકર ન લાગે એ રીતે પોપલાવવો તો તમે એને નડતરરૂપ લાગશો. પણ સમય પર મદદ કરશો તો તે મદદ દિલથી સ્વીકારશે. નવી પેઢી વિશાળ હૃદય ધરાવે છે, મુકત મને વિચારે છે તેથી જ કદાચ સત્ય બોલતાં અચકાતી નથી. હા, તે સ્વાર્થી કદાચ નથી જ પરંતુ સ્વકેન્દ્રી જરૂરી છે. તેમનું વર્તુળ નાનું કે મોટું નથી તેથી જ તેઓ બધાં સાથે હળી-મળી શકે છે. 

 વ્યક્તિ એક સાથે કેટલાં બધાં સંબંધો જીવે છે. સંબંધમાં પારદર્શિતા હોવી જોઈએ નહીં કે વરખ લગાવેલુ સોનું. સંબંધ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે એ બાબત જ ખોટી છે. કેટલાંક સંબંધો આગિયા જેવા હોય છે. જરાક અમથું ઝબકીને અજવાળું આપીને ચાલ્યા જાય છે. પરંતુ માતા પિતા સાથે બાળકોને નાભિ નાળનો સંબંધ હોય છે. ભવોભવના આ સંબંધની ગરિમા જ કંઈક અલગ છે. તેથી જ સમાજના નિયમો બંધનકર્તા ન હોવા જોઈએ. તે સમજણથી અપનાવવા જોઈએ. માવતર હંમેશાં સંતાનનું હિત ચાહતા હોય છે, એનાં કારણે જ સંતાનને ક્યારેક બે કડવાં બોલ કહી પણ દે છે, એમાં એમનો પ્રેમ છૂપાયેલો હોય છે. નવી પેઢીએ આ સમજવું જરૂરી છે. પછી 'માવતર'ની આગળ કે 'છોરું'ની આગળ 'ક' લગાવવાની જરૂર જ નહીં પડે.

જગતને સુધારવાની જરૂર નથી, આપણે પોતાની જાતને સુધારી લઈએ તોય ઘણું છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy