Rekha Kachoriya

Tragedy Inspirational

4.4  

Rekha Kachoriya

Tragedy Inspirational

દિયરવટું

દિયરવટું

4 mins
452


માધવી અગાશીમાં બેઠી-બેઠી એકીટશે આથમતાં સૂરજને નીરખી રહી હતી. શું તેની જિંદગી પણ આમ જ આથમી જશે ? તે છેલ્લાં કેટલાંક સમયથી કશ્મકશમાં હતી. ખરેખર, જિંદગીની પરીક્ષામાં પાસ થવું અઘરું હોય છે. આવતીકાલે ઘરનાં સભ્યો મળવાનાં હતાં અને એમાં માધવીએ તેનો ફાઈનલ જવાબ બધાંને આપવાનો હતો. 

તેથી આજે તે અગાશીમાં એકાંતમાં પોતાનાં આંતરમનને ટટોળવા માંગતી હતી. તે પોતે એનાં જીવનમાં શું કરવા ઈચ્છે છે ? બધાં કહે છે એમ, પહાડ જેવી લાંબી જિંદગી પુરુષનાં સહવાસ વિના જીવી શકાશે કે કેમ ? તેની માસૂમ દીકરીનું શું ? સવાલોનાં તરંગો ઉઠતાં'તાં અને તેનાં કોરાં મનનાં કિનારે અથડાઈને વિખરાઈ જતાં હતાં. ખૂબ મનોમંથનને અંતે તેને પોતાનાં મનની વાત જ સાચી લાગી અને એણે એ પ્રમાણે જ વર્તવાનું નક્કી કર્યું. 

સંધ્યારાણી આસમાનમાં અવનવાં રંગો વિખેરી રહી હતી. સૂરજ પણ આથમતાં સમયે વધુ સોહામણો દીસતો હતો. માધવી પોતાનાં ખુશખુશાલ અતીતની યાદોમાં ખોવાઈ ગઈ. તેનાં અને આકાશનાં લવ કમ અરેન્જ મેરેજ હતાં. કૉલેજમાં સાથે ભણતાં બંને ટોપર સ્ટુડન્ટસ હતાં. ઈમ્પોર્ટન્ટસ્ નોટસની આપ-લે કરતાં-કરતાં હૃદયની પણ આપ-લે કરી બેઠાં.  

આકાશ એમ તો ગામડાંનો હતો, પણ અહીં હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. તેમનો પ્રેમ છીછરો કે ટાઈપાસ માટે નહોતો. બંને ખૂબ સમજદાર હતાં. અભ્યાસ પૂર્ણ થયા પછી બંને એ ઘરે જણાવ્યું. બધાંની મંજુરીની મહોર લાગી અને ધામધૂમથી લગ્નોત્સવ યોજાયો. 

શહેરમાં સારી નોકરી મળી તેથી બંને ત્યાં શિફ્ટ થઈ ગયાં. તીજ, તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે આખું કુટુંબ ભેગું થતું અને કિલ્લોલ કરતું. આમ,નાની-નાની ખુશીઓથી જિંદગીનાં ઈન્દ્રધનુમાં રંગો સજાવતાં હતાં. નાની પરીનાં આગમનથી તેમની જિંદગીમાં સુખનું સુવર્ણ છોગું ઉમેરાયું. નોકરીમાં પણ બઢતી મળી. પ્રેમાળ પતિ, સુંદર પરી જેવી દીકરી અને પોતે. છલોછલ સુખસાગરમાં ક્યાંય દુ:ખ નહોતું.

પરંતુ ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થશે ! દિવાળીનો તહેવાર મનાવીને એક રાત્રે શહેર પાછાં ફરતી વખતે તેમની ગાડીને ભયંકર અકસ્માત નડ્યો. એમાં આકાશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. માધવીને પણ ઘણી ઈજાઓ થઈ પરંતુ નાની પરીનો ચમત્કારિક બચાવ થયો. પ્રકાશનાં પર્વે જ તેની જિંદગીમાં અંધકાર છવાઈ ગયો. ઘણીબધી સર્જરી બાદ તે શારીરિક રીતે પહેલાં જેવી નોર્મલ થઈ શકી, પરંતુ માનસિક રીતે તે ખૂબ જ પડી ભાંગી. એ ગોઝારા અકસ્માતને તે ભૂલી નહોતી શકતી. રાત્રે ભર ઊંઘમાં પણ તે ચીસ પાડી ઉઠતી અને પરસેવે રેબઝેબ થઈ જતી. તે જોબ કરવાની તો સ્થિતિમાં જ નહોતી. બધાંને તેની ખૂબ જ ચિંતા થતી હતી.

તેનાં વૃદ્ધ સાસુ-સસરા કહેતાં," બેટા અમે તો ખર્યું પાન છીએ, અમારાં પછી તારું અને પરીનું શું ? તેથી તું તારા દિયર સાથે લગ્ન કરી લે. માસૂમ પરીને માથે બાપનો સાયો થઈ જશે. એક વિધવાનું જીવન ખૂબ જ દુષ્કર હોય છે બેટા ! ઘરની અમાનત ઘરમાં જ સચવાઈ જશે."

મુસીબતો આવે છે ત્યારે ઘોડાપૂરની જેમ તૂટી પડે છે. પોતીકી હૂંફ અને પ્રેમાળ હાથનાં સ્પર્શને ઝંખતું તેનું હૃદય સાસુની આવી વાતોથી આંચકાથી બેવડ વળી ગયું. આકાશને યાદ કરીને એણે ખૂબ આંસુ સાર્યા. આ લોકો કઈ સદીમાં જીવે છે ? દિયરવટું તેઓ મારી લાગણી કેમ નથી સમજતાં. જે દિયરને તેણે હંમેશાં ભાભીમા બનીને પ્રેમ આપ્યો હતો એની સાથે લગ્ન કઈ રીતે કરે ? તે પરીનાં કાકા બનીને પણ તેને પ્રેમ આપી જ શકે છેને ! 

શું ખરેખર, વૈધવ્ય સ્ત્રી માટે શ્રાપ સમાન છે ! સતત વિચારોનાં ચક્રવ્યૂહમાં ફસાયેલું તેનું હૃદય થાકી જાય છે. દિલ અને દિમાગ વચ્ચે દ્વંદ્વ ચાલી રહ્યું હતું. એનાં સંસ્કાર કહી રહ્યાં હતાં કે, વડીલોનું માન રાખવું. આકાશનાં જવાથી ઘરનાં દરેક સભ્યોને એની ખોટ પડી હતી.

સ્ત્રી માત્ર એક પુરુષને નથી પરણતી; એનાં પરિવાર સાથે પણ સ્નેહગાંઠથી બંધાય છે. કેટલાંય નવાં સંબંધોથી સંબોધાય છે. પારિવારિક અને સામાજિક સંવાદિતાની સરવાણી વહેતી કરનાર સ્ત્રી જ છે. દરેક સંબંધોને પ્રેમની દાબડીમાં રેશમી અહેસાસથી વીંટાળીને જતન કરે છે સ્ત્રી. એક મન સંસ્કારો તરફ ખેંચી રહ્યું હતું તો બીજું એનો ઈન્કાર કરી રહ્યું હતું.

અંધકારને ચીરતી રાતની રોશનીથી રસ્તાઓ ઝગમગી રહ્યાં હતાં. તેનાં મનમાં વ્યાપેલો તિમિર પણ દૂર થઈ રહ્યો હતો. પરંતુ એક સુખદ નિર્ણય પછી તેનું હૃદય હળવાશ અનુભવી રહ્યું હતું. દિયરવટું કરીને તે એનાં દિયરને અન્યાય કરવા નહોતી માંગતી. અરે, તેનો પડ્યો બોલ ઝીલનાર, અડધી રાત્રે પણ મદદ માટે દોડી આવનાર દિયરને તે સમાજનાં ખોખલાં રિવાજોમાં બાંધવા નહોતી માંગતી.

તેનું મન બોલી ઊઠ્યું," હું નવા યુગની નારી છું. મારું પોતીકું સ્થાન છે, ગૌરવ છે. હું અબળા બનીને નહીં પરંતુ સબળા બનીને આત્મસમ્માનથી જીવીશ. મારી જિંદગીમાં કોઈનેય દખલગીરી કરવાનો અધિકાર શાનો હોઈ શકે. હું સ્વનિર્ભર હતી અને રહીશ. કોઈ ઉપર બોજારૂપ નહીં જ બનું."

બીજા દિવસે બધાં જ્યારે ભેગાં થયાં ત્યારે એણે પોતાનો ફેંસલો બધાંને સંભળાવ્યો. થોડાંક વિરોધ પછી બધાં એની વાતથી સહમત થયાં. એનો દિયર તો એનાં ચરણોમાં પડીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. એણે એમ પણ કહ્યું કે, "હું વાજતે-ગાજતે મારાં દિયરની જાન જોડીને મારી સાહેલી એટલે કે દેરાણીને લઈ આવીશ."

થોડાં સમય પછી માધવી તેનાં દિયરનાં સંગીતના કાર્યક્રમમાં ડાન્સ કરી રહી હતી અને ગીતનાં શબ્દો હતાં, "લો ચલી મેં, અપને દેવર કી બારાત લેકર...."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy