સાસુ- મા
સાસુ- મા
શ્રેયાનાં લગ્નને હજુ માંડ બે મહિના જ થયાં હતાં. પરંતુ તેનાં ચહેરા પર કોઈ નૂર નહોતું. નવી નવેલી દુલ્હન દિવસે-દિવસે સૂકાતી જતી હતી. એવું પણ નહોતું કે તેને સાસરિયામાં કંઈ તકલીફ હતી કે સાસુમા સાથે બનતું નહોતું. ઈશ્વર કૃપાથી ચારે બાજુ સુખ હતું. બંગલો, ગાડી, નોકર-ચાકર બધી જ સગવડો હતી. નાનું કુટુંબ સુખી કુટુંબ હતું. છતાંય શ્રેયા ઉદાસ રહેતી. તેનાં અનુભવી સાસુ રક્ષાબેનને પોતાની નવી વહુની ચિંતા થવા લાગી. તેમણે નોંધ્યું કે, પતિ પત્ની વચ્ચે જરૂર કંઈક બન્યું લાગે છે.
એક દિવસ શ્રેયા રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યાં તેનાં સાસુએ વાત- વાતમાં જાણી લીધું કે તેમનાં દીકરાને શ્રેયા ખાસ પસંદ નથી. તે એની સાથે ખપપૂરતી જ વાત કરતો અને દરરોજ રાત્રે મોડો- મોડો ઘરે આવતો. ઘરે આવીને પણ તે ચૂપચાપ સૂઈ જતો. આ વાત જાણ્યા પછી તેની સાસુને દીકરા વહુનાં સંસારની ચિંતા થવા લાગી. તેઓ સમજદાર હતા, તે જાણતાં હતાં કે આમાં વહુનો કંઈ પણ વાંક નથી. ઓછું ભણેલી અને ગામડાંની શ્રેયા સાથે તેમનાં દીકરાને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નહોતી. પરંતુ પોતાનાં પિતાનાં વચન નિભાવવા જ તેણે પરાણે શ્રેયા સાથે લગ્ન કર્યા હતાં.
રક્ષાબેન ખૂબ જ વિચાર કરે છે અને વહુને આધુનિક લાઈફસ્ટાઈલ શીખવાડવાનું નક્કી કરે છે. બીજાં જ દિવસે રક્ષાબેન શ્રેયાને લઈને બહાર ગયાં અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને સ્પોકન ઈંગ્લીશનાં ક્લાસમાં તેમની વહુ શ્રેયાનું નામ લખાવી આવ્યા. ઘરે આવીને શ્રેયા તો ગળગળી થઈ ગઈ અને સાસુમાને ભેટી પડી. બીજા જ દિવસથી તેનાં ક્લાસ ચાલુ થઈ ગયાં. શ્રેયા ખૂબ જ હોંશિયાર હતી અને તેને રક્ષાબેનનો પૂરેપૂરો સપોર્ટ મળતો હતો. તે ઝડપથી બધું શીખી ગઈ અને તેનાં પતિની પર્સનાલિટી અનુરૂપ મોર્ડન રીતે રહેવા લાગી. તેનાં પતિએ જ્યારે તેનું નવું સ્વરૂપ જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો અને પોતાની પત્નીની માફી માંગી. ઘરમાં પાછો ખુશીઓનો માહોલ સર્જાઈ ગયો.
એક સાસુ વહુનો 'સથવારો' બનીને તેનું જીવન ખુશીઓથી ભરી દે છે.
