STORYMIRROR

Rekha Kachoriya

Tragedy Others

3  

Rekha Kachoriya

Tragedy Others

2021- કોરોના

2021- કોરોના

2 mins
172

કહેવાય છે કે, ભૂતકાળ ગમે એવો હોય એને ભૂલી જવો જોઈએ અને 2021નું વર્ષ ખરેખર દુઃસ્વપ્નની જેમ ભૂલી જવા જેવું જ વીત્યું કે જેમાં કોવિડ-19નો આતંક શિરમોર રહ્યો. એક સૂક્ષ્મ વાયરસે સમગ્ર માનવજાતને ઘમરોળી નાંખી. કવોરન્ટાઈન, આઈસોલેશન, માસ્ક, ઓનલાઈન, ઓફલાઈન..... જેવાં કેટલાંક નવાં શબ્દો ડિક્ષનરીમાં ઉમેરાયા તો કેટલાંક માનવમૂલ્યોની બાદબાકી પણ થઈ ! 

જિંદગી અને સમસ્યાઓને રોજનો નાતો છે. માનવે કલ્પના પણ ન કરી હોય એવી રીતે સમસ્યાઓ તેનાં જીવનમાં પગપેસરો કરે છે. કોરોનાકાળમાં ચીનના વુહાનનાં જ્યારે સમાચાર વાંચતાં ત્યારે એ લોકો માટે ખૂબ જ દુઃખ અને સહાનુભૂતિ થતી, પરંતુ આ વાયરસનો આતંક જ્યારે આપણે આપણા દેશમાં, શહેરમાં, સોસાયટીમાં કે ખુદ આપણાં ઘરોમાં અનુભવ્યો ત્યારે ખળભળી ગયાં ! ઑક્સિજન માટે, હૉસ્પિટલમાં બેડ માટે સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે.... લાંબી લાંબી કતારોમાં માનવને કરગરતો જોયો. આ કાળે પાપ-પુણ્ય અને ધર્મ-અધર્મની વ્યાખ્યા જડમૂળથી જ બદલી નાંખી. 

 ઉદાસી વગર આનંદનું કોઈ મહત્વ નથી, વિરહ પછી જ મિલનની મજા છે અને ભૂખ ન હોય તો છપ્પનભોગમાં પણ સ્વાદ ન આવે. વિના બ્રેકની જેમ દોડી જતી જિંદગીની ગાડીમાં કોરોનાસુરે બ્રેક મારી જેથી સૌ કોઈ ઝાટકાં સાથે ઉછળી પડયાં. અત્યારે 5Gનો યુગ છે, તેથી ઘણાંને એમ જ લાગે કે, કર લો દુનિયા મુઠ્ઠી મેં, પરંતુ કોરોનાએ બધાં સમીકરણોની વ્યાખ્યા બદલી નાંખી. 

   કવોરન્ટાઈન શબ્દ લોકભોગ્ય બન્યો. પરિવારથી દૂર એક જ ઓરડામાં એકલાં-એકલાં રહેવું એ અઘરું તો ખરાં જ. મનુષ્ય સામાજિક પ્રાણી છે તે ગુસ્સે થશે, ઝઘડશે,નારાજ પણ થશે, પરંતુ એકલો નહીં રહી શકે. મારો અનુભવ કહું તો, હું બે દિવસમાં જ કંટાળી ગઈ. મોબાઈલ મચડીને પણ થાકી ગઈ. હું નિરાશ ન થઈ, મેં એ સમય દરમ્યાન આધ્યાત્મિક પુસ્તકો વાંચ્યા અને બાલ્કનીમાંથી પ્રકૃતિને મન ભરીને માણી. 

એક વાત કહેવાનું મન થાય કે, આપણે સદીઓથી આપણાં સમાજમાં અછૂતપ્રથા જોઈએ છીએ, પરંતુ કાંઈ નકકર એકશન નથી લેતાં. આ કાળમાં અનટચેબલની પીડા, દર્દનો બધાંને અનુભવ થયો. વ્યક્તિગત રીતે ઘણાંને નુકસાન થયું. કોઈએ સ્વજન ગુમાવ્યા, કોઈ સાવ બેરોજગાર થઈ ગયાં તો કોઈની બધી સંપત્તિ એમને એમ રહી પણ કોઈ જ બચ્યું નહીં. આ કપરાં કાળે ઘણું બધું શીખવ્યું.

ટહુકો : 

બધું જ કંટ્રોલ કરવા મથતો માણસ કયારે પોતાનાં કંટ્રોલમાંથી છટકી જાય ખબર નથી રહેતી. તેથી જ જિંદગીની દરેક ક્ષણ અમૂલ્ય છે, એને મનભરીને જીવી લ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy