Rekha Kachoriya

Tragedy

4  

Rekha Kachoriya

Tragedy

રક્ષાની બાંધનારી બેનડી ક્યાં

રક્ષાની બાંધનારી બેનડી ક્યાં

2 mins
401


"આ વખતે મારો વીરો રાખડી બંધાવવા જરૂર આવશે. તે મોટો ડૉક્ટર છે. પરંતુ મને વિશ્વાસ છે કે, રક્ષાબંધન પર મારો લાડલો વીરો મારી પાસેથી જ રાખડી બંધાવશે."

શ્રાવણ માસ શરૂ થાય ત્યારથી કલાવતી બેનનું રટણ ચાલુ થઈ જાય. "અપના ઘર" વૃદ્ધાશ્રમમાં સૌ કોઈ હવે એમનાથી ટેવાઈ ગયાં હતાં. 

લકવાની થોડીક અસરને કારણે કલાવતીબેન સરખું બોલી નહોતાં શકતાં. એમને ચાલવામાંય તકલીફ પડતી છતાંય બળેવને આગલે દિવસે રાખડી અને ભાઈની પસંદગીની કાજુકતરી લેવા સ્વયં જતાં. 

હમણાં ભઈલો આવશે, આજે મારો નાનકો ચોકકસ આવશે એમ રટતાં રહેતાં. કેટલીય વાર આશ્રમનાં ઝાંપા સુધી ચકકર કાપી આવતાં. સિકયુરિટીવાળા બાપાને ભલામણ કરી આવતાં કે, "ઊંચો અને દેખાવડો કોઈ યુવાન આવે તો એને સીધો મારાં રૂમમાં મોકલજો. મારો નાનકો આજે રાખડી બંધાવવા આવવાનો છે !" બાપા કલાવતીબેનની હાલત જાણતાં હતાં તેથી સ્વગત બોલતાં, "આ આશ્રમમાં એકવાર આવી જાઓ પછી બહારની દુનિયા માટે આપણે પરગ્રહવાસી થઈ જઈએ છીએ." 

કલાવતીબેન છેલ્લાં દસેક વર્ષથી અહીં રહેતાં હતાં.  

એમનાં માતા-પિતા નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. કલાવતીબેને એમનાથી નાના એવાં ભાઈને દીકરાની જેમ ઉછેર્યો હતો. ભાઈ માટે થઈને એમણે લગ્ન પણ નહોતાં કર્યા. પેટે પાટા બાંધીને એમણે નાનાં ભાઈને ડૉકટર બનાવ્યો હતો.

 ભાઈના લગ્ન થયા પછી ભાભીને નણંદલબા આંખમાં કણાની જેમ ખટકતાં. તે કારણ વિના એમને અપમાનિત કર્યા કરતી. સરળ સ્વભાવનાં કલાવતીબેનની સહનશીલતા જ્યારે હદ વટાવી ગઈ ત્યારે તેઓ ત્યાંથી નીકળી 'અપના ઘર'માં આવીને રહેવા લાગ્યા.  

 જતી વખતે એમણે નાના ભાઈ પાસેથી વચન લીધું હતું કે," તે દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવવા જરૂર આવે." ત્યારથી રક્ષાબંધનનો તહેવાર આવે એટલે રાહ જોતાં, આ વખતે મારો ભાઈ જરૂરથી આવશે. 

કેટલીય રક્ષાબંધન આવી અને ગઈ પરંતુ સંસારમાં રચ્યાપચ્યા ભાઈએ એકવાર પણ મા સમાન બેનનાં વાવડ પૂછ્યાં નહોતાં.

હમણાં થોડાંક સમયથી કલાવતીબેનની તબિયત સારી નહોતી રહેતી. બળેવનો તહેવાર આવ્યો તેથી ચહેરા પર જાણે રોશની પથરાઈ ગઈ. પોતે પથારીવશ હોવાથી આશ્રમનાં બીજાં બેન પાસેથી રાખડી અને ભાઈની પસંદગીની મીઠાઈ મંગાવી.

 દર વર્ષની જેમ આ વર્ષે પણ એમણે આખો દિવસ ભાઈની રાહ જોવામાં વિતાવ્યો. સાંજે વહાલા ભઈલાની રાહ જોતાં-જોતાં જ પ્રાણનો ત્યાગ કર્યો !

આશ્રમવાળાઓએ એમનાં ભાઈને જાણ કરી તેથી ભાઈ બેનનું શબ લેવા આવ્યો ! 

બળેવને દિવસે જ ભાઈ આવ્યો પણ રક્ષાની બાંધનારી બેનડી ક્યાં !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy