Rekha Kachoriya

Inspirational Others

3  

Rekha Kachoriya

Inspirational Others

મેડમ ભીખાઈજી કામા

મેડમ ભીખાઈજી કામા

2 mins
223


આઝાદીનાં અમૃત પર્વ નિમિત્તે આજે વાત કરવી છે આપણાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજની. હા, આપણાં તિરંગાની. 

નાનાં હતાં ત્યારે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સ્કૂલમાં ધ્વજવંદન કરવા જતાં.એ લહેરાતાં તિરંગાને જોઈને એક અનેરો રોમાંચ થતો.સાંસ્કૃતિક પ્રોગ્રામ બાદ પતાસા લઈને ઘરે આવતાં. એ સમયે રાષ્ટ્રીય પર્વની કે તિરંગાનાં મહત્વની એટલી વિશેષ ખબર ન હતી, પરંતુ દેશ પ્રેમની ભાવના પ્રબળ હતી; માન હતું તિરંગા પ્રત્યે.ખરેખર, ત્યારે સૌ કોઈમાં "વસુધૈવ કુટુંબકમ્ "ની ભાવના હતી.  

 આજે આપણે એટલી હદે બધિર બની ગયાં છીએ કે, આજુ-બાજુ થતાં નાનાં-મોટાં અન્યાયો સામે પણ આંખ આડા કાન કરીએ છીએ. તિરંગાનું અપમાન થતું હોય છતાંય આપણે કંઈ જ નથી કરતાં. એક દિવસનો, માત્ર એક જ દિવસનો દેશપ્રેમ અને પછી તિરંગાનું અપમાન! 

 જ્યાં સુધી પાણીનો રેલો આપણાં પગ સુધી ન આવે ત્યાં સુધી આપણે કંઈ જ નથી કરતા. આપણી નૈતિક ફરજો અને કર્તવ્યો નિભાવવાનું ક્યાંક ચૂકી જવાય છે. દેશ તો આઝાદ થતાં થઈ ગયો પરંતુ આપણે હજી પણ ક્યાંક માનસિક રીતે ગુલામની જેમ જ રહીએ છીએ!

 આજે તિરંગો એ દેશપ્રેમનું નહીં પરંતુ જાણે કે ફેશનનું પ્રતીક હોય એમ વધારે અનુભવાય છે.નાના નાના તિરંગાઓ ગાડીઓમાં, સ્કૂટર પર, બાળકોના સ્કૂલ કોમ્પિટિશનમાં, ડ્રોઈંગરૂમમાં અને સેલ્ફી માટે પણ ઉપયોગમાં લેવાય છે ત્યારે એક ટીસ મનમાં ઊઠે છે.

આજે આ અવસરે યાદ આવે છે ભારતીય રાષ્ટ્રની મહાન પૂજારણ મેડમ કામાની. શ્રીમતી ભીખાઈજી રુસ્તમ કામા! વિદેશની ભૂમિ પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમ વાર ફરકાવવાનું બહુમાન એમને મળ્યું હતું. તેઓ નિર્ભયતા, સાહસ અને મજબૂત ઈરાદાઓનાં પ્રતીક સમા હતા. વિદેશની ભૂમિમાં ભારતનાં પ્રથમ પ્રતિનિધિ તરીકે કામાએ સ્વરાજનો નારો બુલંદ કર્યો હતો.એમનું જીવન ભારતની આઝાદી માટે જ સમર્પિત રહ્યું.

 જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં 22 ઓગસ્ટ 1907 માં સાતમી આંતરરાષ્ટ્રીય સોશ્યાલીસ્ટ કોંગ્રેસ અધિવેશનમાં એમણે ભારતનો પ્રથમ તિરંગો લહેરાવ્યો હતો. તે સંમેલનમાં એમણે ભારતને અંગ્રેજી શાસનથી મુક્તિ અપાવવાની અપીલ કરી હતી. એ અધિવેશનમાં હિસ્સો લેવાવાળાં બધાં દેશો પાસે પોતાનો રાષ્ટ્રધ્વજ હતો, જ્યારે ભારત માટે બ્રિટનનો ઝંડો હતો. એક દેશદાઝથી ભરેલી સન્નારી કઈ રીતે બ્રિટનનો તિરંગો સાંખી લે.એમણે એ સમયમાં ભારતનો ઝંડો બનાવ્યો અને લહેરાવ્યો પણ! 

એ ધ્વજનાં દેખાવ વિશે વાત કરીએ તો,પરદેશની ભૂમિ પર ફરકાવેલા રાષ્ટ્રધ્વજમાં લાલ, કેસરી અને લીલો એમ ત્રણ પટ્ટા હતા. લાલ પટ્ટામાં 8 અર્ધ ખીલ્યા કમળ હતાં, જે ભારતનાં તે સમયનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. વચ્ચેનાં પટ્ટા પર દેવનાગિરિ લિપિમાં "વંદે માતરમ" લખેલું હતું. સૌથી નીચેના પટ્ટામાં એક બાજુ સૂર્ય અને બીજી બાજુ ચંદ્ર તારા હતા. તો,આ હતો આપણો પ્રથમ રાષ્ટ્રધ્વજ! મેડમ કામા દરેક જગ્યાએ આ ધ્વજ સાથે લઈ જતાં હતાં. 

માતૃભૂમિની આઝાદી માટે ઘણાં નામી- અનામી સ્વાતંત્ર સેનાનીઓ ભારતની ભૂમિની બહાર રહીને પણ લડ્યાં એટલું જ નહીં એમણે આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. એમાંના એક હતા શ્રી મેડમ ભીખાઈજી કામા. એમણે નારો આપ્યો હતો," આગળ વધો, આપણે ભારતનાં છીએ અને ભારત ભારતીયોનું છે."

હિન્દુસ્તાનની આ વીરાંગના દીકરીને સત્ સત્ નમન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational