સુખી જીવનની ચાવી
સુખી જીવનની ચાવી


કોઈ એક શહેરમાં એક સુખી કુટુંબ રહેતું હતું.તેમાં ત્રણ જણનો પરિવાર હતો. તેવામાં પિતા ઓફિસમાં કામ કરે અને માતા પ્રાઈવેટ શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. તેમને એક બાળક હતું.
શાળામાં પરીક્ષાનો સમય હતો. તે શિક્ષિકા શાળાના પેપર તપાસવા માટે ઘરે લાવી હતી. તે બાળકોના પેપર તપાસ કરવા બેઠી હતી. તેમના જોડે તેના પતિ પણ બેઠેલા હતા. તે તેમના ફોનમાં કંઈક કરી રહ્યા હતા. તેવા સમયે પેપર તપાસતા તપાસતા તે સ્ત્રીની આંખમાં અચાનક આંસુ આવી ગયા. તેના પતિએ તેને પૂછ્યું "તું કેમ રડે છે ?" ત્યારે તેણે કહ્યું કે પરીક્ષા મેં પ્રશ્ન પૂછ્યો હતો. "મારી ઈચ્છા" તેના પણ દસ બાર વાક્યો લખવાના હતા. ત્યારે મારા પતિએ મોબાઈલમાં નજર રાખી ને પૂછ્યું, "તેમાં રોવા જેવી કઈ બાબત છે ?"
ત્યારે સ્ત્રીએ પોતાની આંખો સાફ કરતાં કહ્યું કે હું તમને તે વાંચીને સંભળાવું છું. કે તે બાળકે શું લખ્યું છે. મારા માતા પિતા પોતાના મોબાઈલ ફોનને વધુ પ્રેમ કરે છે. તે મોબાઈલની એટલી બધી ચિંતા, સાવચેતી રાખે છે કે મારા સામે જોવાનો સમય પણ મળતો નથી. અને મને ભૂલી જાય છે. મારા પિતા જ્યારે સાંજે ઓફિસથી ઘરે આવે છે. ત્યારે થાકેલા હોય છે પણ તેમને મોબાઈલ માટે સમય હોય છે પણ મારા માટે નહીં.
જ્યારે પણ મારા મમ્મી પપ્પા કામમાં બહુ જ વ્યસ્ત હોય છે. ત્યારે તેમના મોબાઈલમાં રીંગ વાગે છે કે તરત જ તે મોબાઈલ લઈને સામેવાળાને જવાબ આપે છે. પણ તે મારી વાતનો ક્યારેય પણ જવાબ આપતા નથી. તે તેમના મોબાઈલમાં ગેમ રમે છે. પણ મારી સાથે ક્યારેય ગેમ રમતા નથી. જ્યારે તે ફોન પર બીજા જોડે વાત કરે છે. ત્યારે મારી તે વાત પણ સાંભળતા નથી. પછી તે ગમે તેટલી જ જરૂરી હોય તો પણ નહીં. માટે મારી ઈચ્છા છે કે "હું મોબાઈલ બનીને તેમના જોડે રહું."
આ સાંભળીને તેના પતિની પણ આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે પૂછ્યું કે આ બાળકોના નામ શું છે ? ત્યારે એણે કહ્યું કે "આ આપણાં દિકરાએ જ લખેલું છે."
આપણે પણ સાંસારિક વસ્તુઓ માટે આપના પરિવારને ગુમાવવો નહીં. તે પછી મોબાઈલ હોય કે જમીન. આપણે કેટલી વાર મોબાઈલ અને જમીન માટે આપના પરિવારને દૂર કરીએ છીએ. મોબાઈલ આપણા જીવનમાં સુવિધા માટે છે પણ આપણે હાલ તેના ગુલામ બની ગયા છે. હજુ પણ સમય છે. પોતાના પરિવારમાં પાછા ફરવાનો. પહેલા પણ ઈન્ટરનેટ કે મોબાઈલ ન હતો તો પણ જીવન હતું.
થોડો સમય મોબાઈલ દૂર કરીને આપણે આપણા બાળકો, પત્ની, માતા-પિતા, ભાઈઓ અને મિત્રો સાથે વાત કરીને સમય પસાર કરીએ.