ઉપરવાળો દયાળુ છે
ઉપરવાળો દયાળુ છે
એક સમયની વાત છે. કોઈ એક રાજ્યમાં રાજા રાજ કરતા હતા. તેમને પોતાના રાજ્યમાં ફળોના બગીચાનો ખૂબ જ શોખ હતો. તેને ખૂબ સાચવતા હતા. બગીચાને સાચવવા માટે તેમને પોતાનો વિશ્વાસુ એક માળીને રાખ્યો હતો. જે બગીચાને પોતાના દીકરાની જેમ સાચવતો હતો.
તે માળી બગીચામાંથી દરરોજ પોતાના રાજા માટે મીઠા ફળ-ફૂલ લઈ જતો હતો. નિત્યક્રમ પ્રમાણે તે માળી બગીચામાં ગયો. તો જોયું કે આજે કેટલાય છોડ પર સુંદર ફળ પાકી ગયા હતા. જેવા કે દાડમ, દ્રાક્ષ, નારિયેળ, સફરજન, નારંગી, મોસંબી જેવા વિવિધ ફળો તૈયાર થયા હતા. તે વિચારતો હતો કે, આ બધા ફળોમાંથી હું રાજા માટે કયું ફળ લઈને જવું ? તેને વિચાર્યું કે, આ બધાં ફળો કરતાં સૌથી સ્વાદિષ્ટ દ્રાક્ષ લાગે છે. આજે રાજા માટે દ્રાક્ષ લઈને જઈશ. તે દ્રાક્ષને એક શણગારેલી મસ્ત ટોપલીમાં લઈને ગયો. ત્યાં મહેલના જઈને જોવે છે. તો રાજા કોઈ કારણસર ખૂબ જ નારાજ હતા. તે ખૂબ ચિંતામાં હતા. તેમનું ધ્યાન કંઈક વિચારોમાં હતું.
તે માળી શાંતિથી રાજા જોડે જઈને નિયમિત જે જગ્યાએ ફળની ટોપલી મૂકતો હતો. ત્યાં મૂકીને તેમની બાજુમાં બેસી ગયો. હવે રાજા વિચારતા વિચારતા ધીમે ધીમે તે ટોપલીમાંથી એક દ્રાક્ષ લઈને પોતાના મુખમાં મૂકી દેતા. ત્યારબાદ બીજી દ્રાક્ષ લઈને તેમને તે માણસના માથા પર મારતા હતા. ત્યારે તે માણસે બોલતો કે, "સાચે જ ભગવાન ખૂબ દયાળુ છે" આ ઘટનાક્રમ વારંવાર બનવા લાગ્યો રાજા એક દ્રાક્ષ મોઢામાં મુક
તા અને બીજી દ્રાક્ષ તે માણસના માથા પર મારતા અને સામે તે માણસ પણ એક જ વાક્ય બોલતો કે, "સાચે જ ભગવાન ખૂબ દયાળુ છે."
થોડા સમય પછી રાજાને અચાનક ખબર પડી. તે પોતાના વિચારોમાંથી બહાર આવે છે. તો તેમને અફસોસ થાય છે કે હું માળીને ખોટી રીતે દ્રાક્ષ મારતો હતો. પરંતુ તેને નવાઈ લાગે છે કે અજાણતા પણ દ્રાક્ષ મારતા તે માણસ કંઈક એક જ વાક્ય હસતા મુખે બોલતો હતો. રાજાએ તેને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, તું હસતા મુખે શું બોલતો હતો ? તેને કહ્યું મહારાજ હું ભગવાનનો આભાર માનતો હતો અને કહેતો હતો કે "સાચે જ ભગવાન ખૂબ દયાળુ છે" રાજાએ તેનું કારણ પૂછ્યું. ત્યારે તે માણસ હસતા મુખે રાજાને બે હાથ જોડીને કહે છે કે, "રાજાજી આજે બગીચામાં કેટલાય મોટા ફળ થયા હતા. જેમ કે, નારિયેળી, જામફળ,મોસંબી, સફરજન જેવા અનેક ફળો હતા પણ ભગવાને મને બુદ્ધિ આપી અને મને આજે આપના માટે દ્રાક્ષ લાવવાનો વિચાર આવ્યો. હું વિચારું છું કે, "કદાચ દ્રાક્ષની જગ્યાએ બીજા ફળ જેવા કે નારિયેળ લાવ્યો હોત. તો આજે મારું શું થાત ? મારી પરિસ્થિતિ કેવી હોત ?
આમ, આપણા જીવનમાં આવતી કોઈ પણ તકલીફ આપણા માટે સારી જ હોય છે. અત્યારે જે તકલીફ છે. તેના કરતાં કદાચ મોટી આવી હોત તો ? આ વિચારીને આપણે તે તકલીફને હસતા મુખે સહન કરતા અને દૂર કરતાં શીખવું જોઈએ. સમય આવશે અને જતો પણ રહેશે. ચિંતા કરવાથી કે દુઃખી થવાથી કોઈ સમસ્યા જવાની નથી.