મનની શાંતિ
મનની શાંતિ


એક સમયની વાત છે. કોઈ એક રાજ્યમાં રાજા રાજ કરતા હતા. તે દરરોજ પોતાના રાજ્યના કોઈ એક ગરીબ માણસની મદદ કરતા હતા. આ વાતની જાણ એક સંતને થઈ. તેથી તે રાજા જોડે આવ્યા. તેમને રાજાને પોતાના ભિક્ષાપાત્ર ને ભરી આપવા માટે વિનંતી કરી. તેમાં અમૂલ્ય ઝવેરાતથી ભરવાની વાત કરી. આ વાતથી રાજાને નવાઈ લાગી કે આટલું નાનું પાત્ર મારે ભરતા કેટલી વાર લાગે ? તેમ મનમાં વિચાર કરીને હુકમ કર્યો કે આ ભિક્ષાપાત્ર તાત્કાલિક ભરી દેવામાં આવે.
રાજાએ તેમના જોડે જે સોનાના ઝવેરાત હતા તે સંતના પાત્રમાં મૂકવામાં આવ્યા. પરંતુ રાજા આશ્ચર્ય ચકિત થઈ ગયા. રાજા પાત્રમાં જોવે છે તો પોતે મૂકેલા બધા જ સોનાના ઝવેરાત અદ્ર્શ્ય થઈ ગયા હતા. રાજાએ રાજ્યના ખજાનામાંથી બીજા સોના, ચાંદી અને મોતીઓ વગેરેના ઝવેરાત લાવવામાં આવ્યા. રાજાએ બધા જ ઝવેરાત તે વાસણમાં મૂકવા લાગ્યા. પરંતુ રાજા જેમ જેમ ઝવેરાત તે સંતના પાત્રમાં મૂકતા જાય તેમ તેમ તે અદ્રશ્ય થતાં હતા. રાજાએ હવે પોતાનો આખો ખજાનો તે પાત્ર ભરવા માટે ખાલી કરી નાખ્યો. તેમ છતાં પણ તે પાત્ર ભરી શક્યા નહીં.
રાજા વિચારમાં પડી ગયા. તેમને લાગ્યું કે આ સંત કોઈ અદ્ભુત પાત્ર લઈને આવ્યા છે. જેને આપણા વડે ભરી શકાય એમ નથી. હવે રાજાએ પોતાનો સ્થાન પરથી ઊભા થઈને સંતના ચરણમાં ગયા. ત્યાં જઈને તે સંતના પગે પડીને સાચી વાત જાણવા પ્રયત્ન કર્યો. રાજાએ સંતને પૂછ્યું કે તમારા આ ભિક્ષાપાત્રનું સાચું કારણ જણાવશો ? સંતે મહારાજને કહ્યું કે આ પાત્ર એક આપણા મનથી બનેલું છે. જેમાં તમે જેટલું પણ જ્ઞાન, ધન, હોદ્દો મેળવો પણ કદી મનને શાંતિ થતી નથી. તેવી રીતે આ પાત્ર પણ કિંમતી ઝવેરાતથી ભરી શકાતું નથી. તેમાં તમે ગમે તેટલું અમૂલ્ય વસ્તુ કે કિંમતી ઝવેરાત મૂકશો ભરી શકાય તેમ નથી. તેવી રીતે આપણા જોડે ગમે એટલું ધન આવે કે જ્ઞાન આવે. સંપૂર્ણ જગત આપણે જીતી લઈએ. તેમ છતાં પણ આપણા મનની અધૂરી ઈચ્છાઓ રહી જ જાય છે. જ્યાં સુધી આપણે આપણું મન પરમાત્મામાં લગાવીશું નહી ત્યાં સુધી આ બધી વસ્તુઓ આપણને મનને શાંતિ આપી શકશે નહીં.
આમ, આપણા જોડે જેટલું પણ ધન હોય પણ સંતોષ નહીં હોય તો જીવન જીવવાનો કોઈ અર્થ રહેતો નથી. માટે આપણે હંમેશા મનને શાંત રાખીને વર્તમાનનો આનંદ લેવો જોઈએ.