પોતાની જાતને બદલીએ
પોતાની જાતને બદલીએ


પ્રાચીન સમયની વાત છે. કોઈ એક રાજ્યમાં નરેન્દ્ર નામનો રાજા રાજ કરતો હતા. તેમને સંતાનમાં એક દેવાંશી નામની દીકરી હતી. રાજા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેને પોતાના રાજમહેલમાં તમામ પ્રકારનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેને તમામ પ્રકારની કામગીરી શીખડાવવામાં આવી હતી. તેને જે પણ જોઈતું હતું. તે તરત જ લાવી આપવામાં આવતું હતું. જેથી તેને બહારની દુનિયા જોવા મળતી ન હતી. તેને પોતાના મહેલમાંથી બહાર ફરવા જવા મળતું ન હતું. હવે રાજકુમારી ધીરેધીરે મોટી થવા લાગી. તેને પોતાના પિતાને કહ્યું કે મારે આપણા રાજ્યમાં ફરવા જવું છે. આપણાં રાજ્યના લોકોની મુલાકાત લેવી છે. તેમના કામકાજને જોવા છે.
તેના પિતાએ તરત જ ના પાડી દીધી પણ રાજકુમારી તેમની વાત માનવા તૈયાર ન હતી. રાજકુમારી જિદ પકડીને બેસી ગઈ કે મારે કોઈ પણ રીતે બહાર ફરવા જવું જ છે. રાજાએ વિચાર્યું કે મારી દીકરી ખૂબ જ નાજુક છે. તેના હાથ અને પગ એકદમ નાજુક અને કોમળ છે. તેને જો ફરવા માટે લઇ જાઉં તો તેને ખૂબ જ તકલીફ થાય એમ છે. કારણ કે રાજ્યના રસ્તા બહુ જ ખરાબ હતા. રસ્તા પર ખૂબ જ કાંકરા અને ધૂળ પડેલ હતા. તેના પર ખુલ્લા પગે ચાલી શકાય એમ પણ ન હતું.
રાજાએ તરત જ બધા મંત્રીઓની મિટિંગ બોલાવી અને દીકરી માટે શું કરવું અને કઈ રીતે તેને રાજ્યમાં ફરવા માટે લઈ જવી ? તેની ચર્ચા કરવામાં આવી.
કેટલાક મંત્રીઓએ સલાહ આપી કે શેરીઓમાં લાલજાજમ પાથરવામાં આવે. કેટલાક મંત્રીઓએ કહ્યું કે ચામડાની ચાદર પથરાવી દો. કેટલાકે કહ્યું કે રસ્તાઓ તૈયાર કરવી દો. જેથી રાજકુમારીને કોઈ તકલીફ ના પડે. રાજાએ જાહેર કર્યું કે રાજ્યના રસ્તા પર લાલજાજમ કે ચામડાની ચાદર પથરાવી દેવી.
આ સમાચાર રાજ્યમાં વાયુવેગે ફરવા લાગ્યા. રાજ્યના એક વડીલને આ સમાચાર સાંભળવા મળ્યા. તેમને વિચાર્યું કે આટલો બધો ખોટો ખર્ચ કરવા કરતા તો તે રાજા જોડે ગયા અને કહ્યું કે માફ કરશો મહારાજ આખા શહેરમાં રસ્તાઓ લાલજાજમ કે ચામડાના રસ્તાઓ બનાવવા કરતા તો આપણે રાજકુમારીના પગમાં જ ચામડાના પહેરણ કે મોજડી પહેરાવી દેવામાં આવે તો કેટલું સારું. જેનાથી રાજકુમારીના પગ સલામત અને સુરક્ષિત રહે. આ વડીલની વાત સાંભળીને રાજાને પોતાની વાત સમજમાં પણ આવી ગઈ અને ખોટો ખર્ચ પણ ના કરવો પડ્યો. રાજાએ તે વડીલને યોગ્ય પ્રોત્સાહન આપીને માનભેર મોકલવામાં આવ્યા.
આમ, આપણે આખી દુનિયાને બદલવા માટે પ્રયત્ન કરીએ છીએ. તેને સારી બનાવવા પ્રયત્ન કરીએ છીએ પણ આપણે પોતાની જાતને સુધારવા માટે સામાન્ય પણ પ્રયત્ન કરતા નથી. બીજાને બદલવું આપણા હાથમાં નથી પણ પોતાની જાતને બદલા માટે આપણે શક્તિમાન છીએ.પોતાની જાતે બદલવાની શરૂઆત કરવી જોઈએ.