ભૂતકાળ ન ભૂલવો
ભૂતકાળ ન ભૂલવો


એક સમયની વાત છે. કોઈક રાજ્યમાં રાજા રાજ કરતા હતા. તે ખુબ જ બાહોશ, ખૂબ જ હોશિયાર અને સામર્થ્યવાન હતા પરંતુ તેમને એકવાતનું દુઃખ હતું. તેમના સંતાનોમાં આગળ રાજ્ય ચલાવે તેમ પોતાનો દીકરો ન હતો. તેમને એક ગુણવાન દીકરી હતી. સમય પસાર થતો ગયો અને રાજાની ઉંમર વધવાની સાથે-સાથે હવે રાજયમાં ધ્યાન આપી શકતા ન હતા. તેમને પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું, કે હું હવે રાજ્ય સંભાળી શકું તેમ નથી. તો તમે બધાએ મારા માટે એક કામ કરવું પડશે. આવતીકાલે સવારે તમને સૌથી પહેલાં જે પણ વ્યક્તિ મળે તેને તમારા સાથે દરબારમાં લાવવો પડશે. હું તેને મારી દીકરી સાથે લગ્ન કરી દઈશ અને તેને આ રાજ્યનો રાજા બનાવીને મારું આગળનું જીવન શાંતિથી જીવવા માટે વનમાં જતો રહીશ.
બીજા દિવસે સવારે મંત્રીઓ રાજ્યમાં ફરતા હતા તેવામાં તેમને સૌથી પહેલા એક ભિખારીને જોયો. રાજાનો આદેશ હોવાથી મંત્રીઓએ ભિખારીને રાજાની સામે લઈને આવ્યા. રાજાએ પોતાના વચન પ્રમાણે એક ભિખારીને પોતાની દીકરી સાથે લગ્ન કરીને તેમને પોતાના રાજ્યની જવાબદારી આપી અને તેઓ વનમાં ચાલ્યા ગયા. તે ભિખારી જ્યારે રાજા બન્યો ત્યારબાદ તે ધીરે-ધીરે પોતાના રાજ્યને ખૂબ જ કુશળતાથી અને મંત્રીઓના સાથ સહકાર વડે ચલાવતા હતા. તેનાથી રાજ્યના માણસો અને રાજદરબારમાં બધા ખુશ હતા. રાજા પોતાના મંત્રીઓ સાથે સલાહ સૂચન કરી નિર્ણય લેતા હતા. રાજા પોતાના મંત્રીઓને મોટા મોટા કોઠારોની અને શસ્ત્રાગારની ચાવીઓ તે મંત્રીઓને આપતા હતા. પરંતુ રાજા એક ઓરડાની ચાવી પોતાની જોડે રાખતો હતો. જે કોઈને આપવા માટે તૈયાર ન હતા. મંત્રીઓ તે રાજાની ચાવીના કારણે મનમાં શંકા જતી હતી. રાજા આ એક ઓરડાની ચાવી આપણે કેમ આપતા નથી ?
તો મંત્રીએ હિંમત કરીને તેમને પૂછ્યું કે, મહારાજ આપ આ ઓરડાની ચાવી કેમ આપતા નથી ? ત્યારે રાજાએ તે મંત્રીને ધમકાવી મૂક્યો. ત્યારબાદ ખજાનચીએ પણ રાજાને આના વિશે વાત કરી તો તેને પણ રાજાએ ધમકાવ્યો. તેથી તે જાણી શક્યો નહીં. આથી છેલ્લે તે બધાએ નક્કી કર્યું કે આ વાત રાજાની મહારાણીને કરીએ તો સાચું કારણ જાણવા મળશે. તેથી બધા ભેગા થઈને તેમને વાત કરી. પોતાની પત્નીની વાત રાજા ટાળી શક્યા નહિ. તે પોતાની પત્નીને અને મંત્રીઓને તેમની સાથે લઈ ગયા. રાજા તે ઓરડા જોડે ગયા અને તેનો દરવાજો ખોલીને અંદર લઈ ગયા. બધી બાજુ અંધકારમય વાતાવરણ હતું. બધા વિચાર કરતા હતા કે આ ઓરડામાં રાજા શું કરવા આવતા હશે ? રાજાએ કહ્યું કે, આ ઓરડામાં મારો ભૂતકાળ છે. મારી પરિસ્થિતિ સામાન્ય ભિખારીની હતી. ત્યારે હું કેવી પરિસ્થિતિમાં જીવતો હતો. તે જોવા માટે આ ઓરડામાં આવું છું. કારણ કે જ્યારે પણ મને રાજાનું અથવા મારા પદનું કે સત્તાનું અભિમાન થાય છે. ત્યારે દસ પંદર દિવસે આ ઓરડાની મુલાકાત લઈ લઉં છું. જેથી મને કોઈપણ જાતનું અભિમાન ન રહે.