હકારાત્મક અભિગમ
હકારાત્મક અભિગમ


કોઈ એક રાજ્ય હતું. ત્યાં એક ધનપતરાજ કરીને રાજા રાજ કરતા હતાં. તેમની પાસે ઘણા બધા ઘોડાઓ હતાં પરંતુ તેમાંથી તેમને એક ઘોડો ખૂબ પ્રિય હતો કારણ કે તે ખૂબ જ શક્તિશાળી, આજ્ઞાકારી, સમજદાર અને તેનામાં લડવાની કુશળતા તેમજ વિજયી બનાવવાના તમામ ગુણો ધરાવતો હતો.
રાજા બધા જ ઘોડાઓ સાથે યુદ્ધોમાં જતા હતાં પરંતુ બધા ઘોડાઓ કરતા એક ઘોડો રાજાને સૌથી પ્રિય હતો. તેના પર સવાર થઈને તે હંમેશા યુદ્ધના મેદાનમાં જતા હતાં. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને એક સમય એવો આવ્યો. જ્યારે તે ઘોડો વૃદ્ધ દેખાવા લાગ્યો હતો. હવે તે પહેલાંની જેમ કામ કરી શકતો ન હતો. તેથી હવે રાજા પણ તે ઘોડાને યુદ્ધના મેદાનમાં લઈ જતા ન હતાં.
એક દિવસ તે ઘોડો પાણી પીવા માટે તળાવમાં ગયો, પરંતુ ત્યાં વધુ માટી અને પાણી હોવાથી તેનો પગ કાદવમાં ફસાઈ ગયો અને પછી તે કાદવમાં ડૂબવા લાગ્યો.
ઘોડાએ ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તે પોતાને કાદવથી દૂર કરી શક્યો નહીં. તે હવે પોતાની જાતને બચાવવા માટે જોરજોરથી હણહણવા લાગ્યો. ઘોડાના અવાજથી લોકોને ખબર પડી કે ઘોડો તળાવમાં ફસાઈ ગયો છે. ઘોડાને ફસાવાના સમાચાર રાજ્યમાં ફેલાઈ ગયા કે રાજાનો પ્રિય ઘોડો તળાવમાં ફસાઈ ગયો છે.આ સાંભળીને રાજ્યના લોકો તળાવ બાજુ તેને જોવા માટેે દોડવા લાગ્યા. આ સમાચાર રાજા સુધી પહોંચ્યા.
રાજા સહિત રાજ્યના દરેક માણસો ઘોડાની આસપાસ ભેગા થયા અને તેને બહાર કાઢવા માટે વિવિધ પ્રયાસો કર્યા પરંતુ લાંબા સમય સુધી પ્રયત્ન કર્યા પછી પણ કોઈ રસ્તો નીકળી શક્યો નહીં.
તે સમયે ત્યાંથી ગૌતમ બુદ્ધ તે રસ્તા પર પસાર થઈ રહ્યા હતાં. રાજા અને તેમના મંત્રીમંડળ "તથાગત ગૌતમ બુદ્ધ" પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિમાં એમને યોગ્ય સલાહ આપો. જેથી અમે આ ઘોડાને કાદવમાંથી બહાર કાઢી શકીએ.
ગૌતમ બુદ્ધે પહેલા ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ રાજાને સલાહ આપી કે તળાવની ફરતે યુદ્ધના નગારાં જોરશોરથી વગાડવામાં આવે. ત્યાં જે પણ ઘોડાને જોવા માટે આવ્યા હતાં. તેમને બુદ્ધની આ વાત સાંભળીને વિચિત્ર લાગ્યું કે ફસાયેલા ઘોડાને નગારાં સાથે શું લેવા દેવા ? અને આ વગાડવાથી ઘોડો કેવી રીતે બહાર આવશે ?
બુદ્ધે જેવી વાત કરી કે તરત જ રાજાએ યુદ્ધના નગારાં માંગવા આવ્યો. તેને જોરજોરથી વાગડવા આવ્યા. આ અવાજ સાંભળીને તે મૃતપ્રાય અવસ્થામાં પડેલ ઘોડાના શરીરમાં અદ્ભુત પરિવર્તન આવ્યું. પહેલા તો તે ધીરે ધીરે ઊભો થયો અને પછી તે કાદવમાંથી બહાર આવ્યો. બધાને આશ્ચર્ય થયું. ત્યારે ગૌતમ બુદ્ધે બધાને સ્પષ્ટ કર્યું કે ઘોડાની શારીરિક ક્ષમતાનો અભાવ નથી, ફક્ત તેમાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે.
આમ, આપણા જીવનમાં ઉત્સાહ જાળવવા માટે જરૂરી છે કે માનવી હકારાત્મક વિચારસરણી જાળવી રાખે અને નિરાશાને વર્ચસ્વ ન થવા દે. અવારનવાર, સતત નિષ્ફળતાને લીધે, વ્યક્તિ ધારે છે કે તે હવે પહેલાંની જેમ કાર્ય કરી શકશે નહીં, પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી. "ફક્ત હકારાત્મક વિચારસરણી." માણસને "માણસ" બનાવે છે. તમે હંમેશાં હકારાત્મક વિચારો કરો તમારામાં એટલી બધી ઊર્જા પડેલી છે કે તમે જાતે જ સ્વસ્થ અને ખુશ રહી શકો છો.