સફર
સફર
"જીવન એટલે બાળપણથી ઘડપણ સુધીની સફર. ઘણા વ્યક્તિ આ સફર પૂર્ણ કરે તો ઘણા અધવચ્ચે છોડીને જતા રહે. જેવી ભગવાનની ઈચ્છા હોય તેમ થાય. આપણે આ સફરના છેલ્લા પડાવમાં છીએ. આ સફર પૂર્ણ એટલે જીવનનો સથવારો પણ પૂર્ણ." સાંજના સમયે બગીચામાં બેસીને કેટલાક વૃદ્ધ વાતો કરી રહ્યા હતા.
તુલસી પણ ત્યાં તેમનાથી થોડે દૂર બેસી હતી. તેને વૃદ્ધો સાથે વાતો કરવી ખૂબ ગમે તેથી તે તેમની પાસે ગઈ અને વાતો કરવા લાગી. જીવનને અને તેના દ્વારા આપવામાં આવેલ દરેક પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવા લાગી.
તેણે પૂછ્યું "દાદાજી... શું હું તમને બધાને દાદાજી કહીને બોલાવી શકું ?" ત્યાં બેઠેલા દરેકે હાસ્ય રેલાવી હકારમાં જવાબ આપ્યો અને તેણે નટુભાઈને પ્રશ્ન કરતાં કહ્યું, "દાદાજી ! તમે જીવન વિશે શું વિચારો છો, જીવન શું છે ?"
"બેટા ! બાળપણથી મોટા થઈ ઘડપણ રૂપે ફરીથી બાળપણને માણવું એટલે જીવન. નાના બાળક હોઈએ ત્યારે પણ આપણને સાચવવા માટે કોઈ જોઈએ અને ઘડપણમાં પણ આવું જ હોય." નટુ દાદાએ વાત માંડી.
ધીરજ દાદા બોલ્યા, "ઘડપણમાં ફરીથી મારી જેમ બાળક બનીને જીવવું."
પ્રવીણ દાદાએ કહ્યું, "મારી જેમ પૌત્ર-પૌત્રી સાથે સંબંધથી દાદા અને મનથી મિત્ર બનીને રહેવું. કેમ કે નટુભાઈએ કહ્યું તેમ ઘડપણ અને બાળપણમાં ફરક નથી; બંને એકબીજાના પૂરક છે."
નટુભાઈએ કહ્યું, "મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે હું મારા દાદા સાથે આ જ બગીચામાં આવતો અને આજે હું મારા પૌત્ર-પૌત્રી સાથે પોતે દાદા થઈને આવું છું. જીવનના દરેક પળને મન ભરીને માણ્યો છે, ભગવાનથી કોઈ શિકાયત પણ નથી."
"બેટા ! અહીં આવવું, બાળપણને જોવું, પોતાના બાળપણને યાદ કરવું... બસ એ જ આ જીવનના અંતિમ પડાવનું લક્ષ્ય હોય છે. તેમાં જો કોઈકવાર તારા જેવા મીઠા બાળકો મળી જાય તો પછી તો ઘડપણનો આનંદ અનેરો થઈ જાય." ધીરજ દાદાએ કહ્યું.
આવી જ બાળપણ અને ઘડપણની વાતોમાં સાંજ ઢળવા આવી અને બધા છૂટાં પડ્યા. તુલસીને જીવન માણી ચૂકેલ, અનુભવી, છતાંય બાળ જેવું પવિત્ર મન ધરાવતા કેટલાક મિત્રો મળી ગયા હતા.
