Sonal Tailor

Tragedy Thriller

4  

Sonal Tailor

Tragedy Thriller

મમતા

મમતા

4 mins
408


"આટલો બધો વરસાદ અને આ બસ પણ નથી આવતી," માનવી સ્વયંસંવાદ કરી રહી હતી. ત્યાં જ કોઈકે એની ઓઢણી ખેંચીને મમ્મી કહીને તેને બોલાવી. પાછળ ફરીને જોયું તો એક નાનો છોકરો તેને કહી રહ્યો હતો, "મમ્મી મને ભૂખ લાગી છે." માનવીએ તરત તેને બાથમાં લઈ લીધો અને તેની આંખો છલકાઈ ગઈ. માનવી તે છોકરાને નજીકમાં ભોજન કરાવવા લઈ ગઈ. તે છોકરો ઘણા દિવસથી ભૂખ્યો હશે તે તેની ભોજન કરવાની રીત પરથી જણાતું હતું. માનવી એકીટશે તેને જોતી રહી અને સત્તર વર્ષ પહેલાંનાં પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ.

સત્તર વર્ષ પહેલાં પોતે પણ આવી જ રીતે કોઈ પાસે ખાવાનું માગ્યું હતું અને એ ભોજનની માંગણીએ તેનું આખું જીવન બદલી નાખ્યું હતું. તે સમયે તો માનવી પાસે પોતાનું નામ પણ ક્યાં હતું ! માંડ સાતેક વર્ષની માનવી માતા-પિતાના મૃત્યુ બાદ કાકા-કાકી સાથે રહેતી હતી પરંતુ પારકા લોહીને કોઈ ક્યાં સુધી પ્રેમ કરે ? કાકીના પોતાના બાળકોનો જન્મ થયો કે માનવી સાથે તેમનો વ્યવહાર બદલાયો. તેને પ્રતાડિત કરવાનું ચાલુ થયું અને તે એટલું બધું વધી ગયું કે સાત વર્ષની માનવીએ ઘર છોડી દીધું. બે-ત્રણ દિવસ તો રસ્તા પર આમ-તેમ ભટકીને કાઢ્યા. લોકો પાસે ખાવાનું માંગે તો લોકો તેને "હટ, જા અહીંથી," કહીને ભગાડી દેતાં અને છેલ્લે તેણે આવા જ વરસાદમાં એક સાડીનો છેડો ખેંચ્યો હતો અને તે સ્ત્રીને મા કહેતા જ તેનું પોતાની મા સાથે પુનઃમિલન થયું હતું.

તે સ્ત્રીએ માનવીને ભોજન કરાવ્યું અને પછી તેને એક અનાથ આશ્રમમાં લઈ ગઈ. અનાથ આશ્રમમાં માનવીની ભરતી કરાવી પરંતુ એક શરત મૂકી કે માનવીનો બધો જ ખર્ચો તે પોતે ઉપાડશે. અનાથ આશ્રમનાં મુખ્ય સંચાલિકા ભારતીબહેને તે સ્ત્રીને કહ્યું, "રજ્જો ! તું સાચે આ છોકરીનો ખર્ચો ઉપાડવા માંગે છે ? તને યાદ છે ને કે તું... ગણિકા છું." રજ્જોએ વાક્ય પૂર્ણ કર્યું પછી તે આગળ બોલી, "દીદી ! જીવનની આ હકીકત હું મરી જાઉં પછી પણ નહીં ભૂલુ. પરંતુ આ છોકરીએ મને મા કહીને મારી વર્ષો પહેલાં મરી પરવારેલી મમતાને જગાડી તેથી હું મારી દીકરીનું ભરણપોષણ તો જાતે જ કરીશ." "પરંતુ રજ્જો ! એના માતા-પિતા અને પરિવારનું શું ?" ભારતીબહેને પૂછ્યું. "એના માતા-પિતા આ દુનિયામાં નથી," રજ્જોએ કહ્યું. એનું નામ શું લખું ? ભારતીબહેને ફરીથી પૂછયું. "એનું નામ માનવી લખો," રજ્જોએ જવાબ આપ્યો. "માનવી નામ રાખવા પાછળ કોઈ ખાસ કારણ ?" ભારતીબહેન પ્રશ્ન પૂછ્યે જતાં હતાં. રજ્જોએ પોતાના પેટ પર હાથ મૂકતાં કહ્યું, "હું મારી છોકરીનું નામ માનવી..." અને તેના આંખમાંથી આંસુ સરી પડ્યું.

ત્યારબાદ જ્યારે પણ સમય મળતો રજ્જો માનવીને મળી આવતી. માનવીને પણ રજ્જોના રૂપમાં મા મળી જવાથી તે ખૂબ જ ખુશ હતી. તેના માટે પોતાની આ મા સાથેનું મિલન ખૂબ જ સુંદર અને સૌભાગ્યપૂર્ણ બની રહ્યું. માનવી વારંવાર રજ્જોને કહેતી, "મા મને તમારી સાથે રહેવું છે." પણ રજ્જો કોઈને કોઈ બહાના હેઠળ એને ટાળી દેતી. આમ ઘણાં વર્ષો સુધી ચાલ્યું. એકવાર ત્રણ મહિના સુધી રજ્જો માનવીને મળવા ન આવી તેથી માનવી ભારતીબહેનને વારંવાર રજ્જો વિશે પૂછવા લાગી પરંતુ ભારતીબેહેન તેને ટાળી દેતા. તેથી માનવી એક દિવસ શાળાએ જવાને બદલે રજ્જોને શોધવા નીકળી પડી. શોધતાં-શોધતાં તે મીના બજારમાં પહોંચી ગઈ જ્યાં રજ્જો ગણિકા હતી. રજ્જોનું એ રૂપ માનવીએ સ્વપ્નમાં પણ નો'તું વિચાર્યું. તેણે રજ્જોને જોઈને કહ્યું, "મારી મા... રજ્જો...એક ગણિકા...? અને ત્યાંથી ભાગી ગઈ, રજ્જો પણ તેની પાછળ ગઈ. રજ્જોએ માનવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માનવીએ રજ્જોની હકીકતને જાણ્યા વિના તેની સાથે સંબંધ તોડી નાખ્યો. રજ્જોને સફાઈ આપવાનો પણ મોકો ન આપ્યો અને મા-દીકરીના આ સુંદર સંબંધનો એક પળમાં વિચ્છેદ થતાં માનવીનું તેની મા સાથેનું વર્ષો પછીનું મિલન વિયોગમાં પરિવર્તિત થઈ ગયું.

રજ્જોએ માનવીને મળવાના અનેક પ્રયત્ન કર્યા પરંતુ તેના બધાં જ પ્રયત્નો વ્યર્થ ગયાં. તે ક્યારેય માનવીને મળી ન શકી. એ વાતનો રજ્જોને એટલો બધો આઘાત લાગ્યો કે તેને હૃદય રોગનો હુમલો થયો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને તેણે અંતિમ ક્ષણોમાં માનવીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભારતીય બહેને માનવીને બધી હકીકત જણાવી અને માનવી રજ્જોને મળવા ગઈ. બંનેની આંખમાં આંસુ હતા. "મને તમારા કરતાં વધુ સારી મા મળી જ ન શકતે... મારા જીવનમાં મા બનીને આવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મા," માનવી કહ્યું અને રજ્જોએ પોતાના પોપચાં ઢાળ્યા. માનવીના જીવનમાં ફરીથી પોતાની મા વિનાનો કાયમી વિયોગ લખાઈ ગયો.

"મા તમે મને છોડીને નહીં જશો ને ?" છોકરાએ કહ્યું અને માનવી વર્તમાનમાં આવી. "ના બેટા, ક્યારેય નહીં." કહીને તેણે ફરીથી છોકરાને બાથમાં લીધો. પોતે જે અનાથાશ્રમમાં રહીને મોટી થઈ હતી ત્યાં જ તેણે આ છોકરાને રાખ્યો અને નામ આપ્યું માનવ. આમ, પોતાના જીવનને તે થોડી જ ક્ષણોમાં ફરીથી જીવી ગઈ. માનવી રજ્જોની મમતા અને માનવતા માનવમાં ઠાલવી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy