તાંત્રિક
તાંત્રિક
વિજયને બાળપણથી જ જાદુનો ભારે શોખ, એને કંઈપણ કરીને મોટા થઈને જાદુગર બનવું હતું. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેનું ઝનૂન વધતું ગયું અને એ ઝનૂન ક્યારે ગાંડપણમાં પરિવર્તિત થયું તેને પોતાને પણ ખબર ન પડી. તેણે જાદુગર બનવા માટે પોતાનું ઘર-પરિવાર છોડી દીધું અને તે જંગલમાં વસવાટ કરવા લાગ્યો.
જંગલમાં જતાં પહેલા તેણે ઘણા બધા તંત્ર વિદ્યાના ચોપડા એકત્રિત કર્યા અને તેને અનુસરીને તે સિંદૂર, ચોખા, કંકુ, લીંબુ, લાકડા, વગેરે અન્ય સામગ્રી એકત્રિત કરીને જંગલમાં મંત્રોના ઉચ્ચારણ દ્વારા જાદુનો અભ્યાસ કરવા લાગ્યો. એકવાર તેને તે જંગલમાં એક અસલી તાંત્રિકનો ભેટો થઈ ગયો. તે તાંત્રિક ક્રૂર અને કપટી હતો, તે મેલી વિદ્યાનો પણ જાણકાર હતો. તાંત્રિકે વિજયને પોતાનો શિષ્ય બનવા કહ્યું અને તેને તે ખૂબ મોટો જાદુગર બનાવશે તેવી લાલચ આપી જેથી વિજય તેની વાતમાં આવી ગયો.
તાંત્રિક પૂનમની રાતે એક માણસની બલી ચઢાવતો પરંતુ જંગલ ભયંકર હતું તેથી ત્યાં કોઈની વધુ અવર-જવર થતી નહીં. પરંતુ વિજયનું કમનસીબ અને તાંત્રિકનું સદનસીબ કે તેને ત્યાં વિજય સરળતાથી મળી ગયો. તાંત્રિક વિજયને તેની સામે બેસાડીને તંત્ર-મંત્ર જપવા લાગ્યો.
બીજી બાજુ પોલીસ તાંત્રિકની શોધમાં હતી કારણ કે ઘણા સમયથી દર પૂનમની રાત્રે કોઈ ને કોઈ વ્યક્તિનું અવસાન જરૂર થતું. આજે પૂનમની રાત હતી તેથી પોલીસ આકાશ-પાતાળ એક કરીને તાંત્રિકને શોધી રહી હતી. સદભાગ્યે તેઓ તાંત્રિક અને વિજય જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યા. પોલીસને જોઈને તાંત્રિકે પોતાની જાદુઈ લાકડી કાઢી અને તેમના પર પ્રહાર કર્યો, પરંતુ તાંત્રિકની દરેક ચાલને જાણનાર પોલીસ સુરક્ષાકવચ સાથે આવી હોવાથી તાંત્રિકનાં જાદુનો કોઈ અસર ન થયો અને પોલીસે તેને પકડી લીધો જેથી વિજયનો પ્રાણ બચી ગયો.
બીજી બાજુ વિજય તાંત્રિકને બચાવવા માટે મથતો હતો ત્યારે પોલીસે તેને એક તમાચો જડતાં કહ્યું, "જો આજે અમે સમયસર ન આવ્યા હોત તો તું તારા જીવથી હાથ ધોઈ બેસત. આ તાંત્રિક છે, મેલી વિદ્યાનો જાણકાર. લોકોની બલી ચડાવીને તે શક્તિ મેળવવા માંગે છે, અજર-અમર થવા માંગે છે." તાંત્રિકનો ભાંડો ફૂટતાં તે પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. પોલીસના હાથમાંથી તાંત્રિક નીકળી ગયો પણ વિજય બચી ગયો. પોલીસે વિજય પાસેથી તાંત્રિકને તે કઈ રીતે મળ્યો અને તે જંગલમાં શું કરતો હતો તેની બધી માહિતી મેળવી લીધી. ત્યારબાદ તેને સમજાવતા કહ્યું, "જાદુ જેવું કશું હોતું નથી, એ તો ફક્ત આંખોનો છળાવો હોય છે તેથી એમાં સમયની બરબાદી કરવી નહીં. મહેનતથી મોટો કોઈ જાદુ નથી હોતો તેમજ મહેનતથી મળેલ નામનાને પણ કોઈ ભૂલતું નથી. જાદુગર બનવાનું છોડ અને પાછો ઘરે ચાલ્યો જા." કહીને પોલીસે વિજયને તેના ઘરે મોકલ્યો અને તેઓ ફરીથી તાંત્રિકને શોધવાના કાર્યમાં લાગી ગયા.
