Sonal Tailor

Tragedy Fantasy

3  

Sonal Tailor

Tragedy Fantasy

ભેટ

ભેટ

4 mins
175


"દુનિયા કેટલી સુંદર છે ને ! કેટલું સારું હોત, જો દરેક વ્યક્તિ તેની સુંદરતાને માણી શકત. "હિમાક્ષી બગીચામાં બેસીને એક દિશામાં નજર પરોવીને બોલી રહી હતી.

"શું થયું... અચાનક કેમ આમ બોલી રહી છે, અહીંયા કોણ છે જે આ સુંદરતા નથી માણી શકતું ?" માધવીએ પ્રશ્ન કર્યો.

"જો તે પેલા છોકરાને એ નથી જોઈ શકતો." હિમાક્ષી બોલી.

તને કેવી રીતે ખબર ? જો ને એ તો ક્યારથી પેલાં ફૂલને નિહાળી રહ્યો છે. માધવીએ હિમાક્ષીની વાતને નકારતા કહ્યું.

"મેં એને ગઈકાલે લાકડી પકડીને અંદર આવતા જોયો હતો તેથી કહું છું. તેની આંખો કેટલી સુંદર છે, પણ દુનિયાની સુંદરતા નહીં નિહાળી શકે. ઈશ્વરનો કેવો અન્યાય!" હિમાક્ષીએ નિસાસો નાખ્યો.

હિમાક્ષી અને માધવીનો નિત્યક્રમ હતો. તેઓને કોઈ પણ ચર્ચા વિચારણા કરવી હોય તો તેઓ બગીચામાં આવીને જ વાતો કરતાં. તે છોકરો પણ હંમેશા બગીચામાં હોય જ. એકવાર તેઓ તે છોકરા સાથે અથડાયા ત્યારબાદ ત્રણેની મિત્રતા થઈ અને રોજ તેઓ સાથે મળીને ચર્ચા વિચારણા કરવા લાગ્યાં. છોકરાએ જણાવ્યું તેનું નામ નયન છે અને તે બાળપણથી જ અંધ છે. તેને જો કોઈ આંખ આપનાર મળે તો તે જોઈ શકે તેમ છે. તેના પરિવારમાંથી ઘણા લોકો મદદ કરવા માંગે છે પરંતુ તે કોઈના જીવનમાં અંધકાર કરીને પોતાના જીવનમાં અજવાળું નથી ઈચ્છતો.

"ભગવાનની કૃપા હશે તો તું એક દિવસ જરૂર દુનિયાને જોઈ શકશે." હિમાક્ષીએ કહ્યું.

હવે આ તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો. ત્રણેય મિત્રો રોજ બગીચામાં મળે ખૂબ સારી વાતો કરે અને છૂટા પડે. નયનનાં એમ પણ કોઈ મિત્રો હતા નહિ તેથી તેને હિમાક્ષી અને માધવીનો સાથ ખૂબ ગમતો કેમ કે તે બંને તેના જીવનનાં પ્રથમ મિત્રો હતા.

થોડા દિવસ બાદ માધવી અને હિમાક્ષી બગીચામાં આવતા બંધ થઈ ગયા. તે રોજ મળતા તેથી નયને ક્યારેય તેમનો નંબર પણ લીધો ન હતો કેમ કે તેની જરૂર જ ન અનુભવાઈ. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આમ સતત એક મહિના સુધી જ્યારે બંને નયનને ન મળ્યા ત્યારે તેણે તેમની શોધખોળ શરૂ કરી. પરંતુ તેના હાથે કઈ લાગ્યું નહીં. છતાં એ નિરાશ ન થયો અને તેણે પહેલાંની જેમ બગીચામાં જઈને તેમની રાહ જોવાનું નક્કી કર્યું. હવે તેમની રાહ જોવી એ નયનનો નવો નિત્યક્રમ થઈ ગયો હતો.

થોડા દિવસ બાદ નયનનાં ઘરે ડૉક્ટરનો ફોન આવ્યો અને તેમણે ખુશ ખબર આપતા જણાવ્યું કે નયન માટે તેમને આંખો મળી ગઈ છે. તે વ્યક્તિના જીવવાનાં કોઈ જ અણસાર નથી તેથી તેમણે સ્વેચ્છાએ ચક્ષુદાન કરવાનું નક્કી કર્યું છે. જેવું નયનનું માનવું છે તેમ નયનનાં જીવનમાં અજવાળુ થશે પરંતુ અન્ય કોઈના જીવનમાં અંધકાર નહી થાય. તેથી તમે ઓપરેશન માટે તૈયાર થઈ જાઓ. ડૉક્ટરની વાત સાંભળીને એના ઘરવાળા ખૂબ જ ખુશ થઈ ગયાં. હવે તેમનો નયન દુનિયા જોઈ શકશે. નયનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેનું ઓપરેશન થયું. થોડા દિવસ બાદ તે દુનિયા પણ જોવા લાગ્યો. તેનું જીવન હવે સામાન્ય થઈ ગયું હતું. કોઈ હવે તેના તરફ દયાની નજરથી નહીં જોશે, હવે તે એક સામાન્ય જીવન જીવી શકશે. તે વાતથી નયન ખુશ હતો છતાં પણ મનમાં એક પ્રકારની બેચેની અનુભવતો હતો. તે કોઈ પણ રીતે હિમાક્ષી અને માધવીને મળવા માંગતો હતો, તેથી તે ફરીથી બગીચામાં હંમેશની જેમ તેમની રાહ જોવા લાગ્યો અને આમ, ઘણા દિવસો વીત્યા.

એક દિવસ તેને બગીચામાં કોઈ પરિચિત અવાજ સંભળાયો, તે અવાજ માધવીનો હતો. તેણે માધવી પાસે જઈને વાત કરવાનું વિચાર્યું પરંતુ માધવી તેને ઓળખતી જ ન હોય તેમ વર્તન કરતી હતી. તેથી અંતે તેણે માધવીને તેમની મિત્રતાનાં કસમ આપીને રોકી અને હિમાક્ષી વિશે પૂછયું કેમ કે તેઓ બંને હંમેશા સાથે જ હોય છે, તો આજે તે એકલી કેમ ? જવાબમાં માધવીએ આંસુ સાર્યા અને નયનને વધુ ચિંતા થવા લાગી. તેણે માધવીને શાંત કરી અને ફરીથી પૂછ્યું ત્યારે માધવીએ જવાબ આપ્યો કે, તે હવે હિમાક્ષીને ક્યારેય નહીં જોઈ શકશે, કેમકે હિમાક્ષી હવે આ દુનિયામાં નથી. તેને કેન્સર હતું તેથી તેને તે રોજ બગીચામાં લાવતી, તેનું મન હળવું કરવા. કેન્સર થયાં બાદ તે કોલેજ પણ ન જઈ શકતી તેથી માધવી તેને કોલેજનાં કિસ્સા સંભળાવતી. હિમાક્ષી જાણતી હતી કે તે વધુ નહીં જીવે પરંતુ તે મૃત્યુ પહેલાં મોત ન ઈચ્છતી હોવાથી હોસ્પિટલમાંથી ઘરે આવી ગઈ હતી. તે દરમિયાન તેઓ નયનને મળ્યા હતાં. હિમાક્ષીએ પોતે દુનિયા છોડે ત્યારબાદ પોતાના ચક્ષુ નયનને મળે તેમ શરત મૂકી હતી.

"તને જે દિવસે ચક્ષુ મળ્યા તેના એક દિવસ પહેલાં જ હિમાક્ષી...." કહીને માધવી રડી પડી.

મારા માટે આ આંખો દુનિયામાં સૌથી વધુ કિંમતી છે. હિમાક્ષી એના નામની જેમ જ સોના જેવી આંખો મને આપીને, કંઈ પણ કહ્યાં વિના ચાલી ગઈ. હું એની આ મિત્રતાની ભેટને ક્યારેય નહીં ભૂલું. નયનનું હૃદય અંદરો-અંદર રડી રહ્યું હતું અને હિમાક્ષીનો આભાર માનતા થાકતું ન હતું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy