જન્મદિવસની અધૂરી ભેટ
જન્મદિવસની અધૂરી ભેટ
અંકિત અને અંકિતા બંને જુડવા ભાઈ બહેન, સાતે દિવસ ચોવીસ કલાક નાની-નાની વાતો પર ઝઘડો કરે. નાનપણથી તેમની મસ્તી આમ જ ચાલતી તે છેક મોટા થયા ત્યાં સુધી.
આજે અંકિતા અંકિતથી ખૂબ જ નારાજ હતી તેથી એકલી જ પોતાનો ગુસ્સો પોતાનો રૂમ સાફ કરતાં-કરતાં ઠલાવતી હતી અને તેની મમ્મીને કહેતી હતી, "મમ્મી ! તે મારી સાથે આવું કઈ રીતે કરી શકે... ત્રણ વર્ષથી એ ત્યાં છે, એને જરા પણ ભાન છે કે અહીંયા કેટલા વખતથી હું એની રાહ જોઉં છું ! એણે મને કહ્યું હતું કે આ વખતે તે પાક્કુ અમારા જન્મદિવસ પર આવશે જ અને આજે મને મેસેજ કરે છે કે..." અંકિતા નિસાસો નાખતા બોલી.
"અંકિતા ! તે નો'તું કહ્યું એને કે જ્યાં સુધી એ ફર્સ્ટ ક્લાસથી પાસ નહીં થાય ત્યાં સુધી તું એનો ચહેરો નહીં જોશે ?" મમ્મીએ અંકિતાને યાદ કરાવતા કહ્યું.
"હા... જાણે એ મારી કહી બધી વાત માને છે ને! મમ્મી, એને કંઈ પણ યાદ નહીં હોય. મને લાગે છે કે હમણાં બે દિવસ પહેલા અમારો ફરીથી ઝઘડો થયો એટલે આવવાની ના પાડી છે-" અંકિતાએ હિચકિચાતા કહ્યું.
"અંકિતા ! તું ફરીથી ઝઘડી..." મમ્મી અંકિતાને ઠપકો આપતાં બોલ્યા.
શરૂઆત તમારા દીકરાએ કરી હતી છતાં પણ તમે તો એનો જ પક્ષ લેશો નહિ, અને અંકિતા ફરીથી ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં પોતાની સ્કુટી લઈને જતી રહી. "હું આવું છું", બસ એટલું જ મમ્મીને બોલી.
અંધારું થયું ત્યારે તે પોતાનાં ઘરે આવી અને ઘરમાં જોયું તો અંધારૂ હતું તેથી તેણે પોતાની મમ્મીને અવાજ આપ્યો, પણ કંઈ જવાબ મળ્યો નહીં. જેવી અંદર ગઈ કે "હેપ્પી બર્થ ડે..." કહેતા એની સામે અંકિત ઊભો હતો. તે પોતાનાં ભાઈને જોઈને હરખઘેલી થઈ ગઈ અને જોરથી ભેટીને રડવા લાગી. પછી બોલી, "જા! હું તારી સાથે વાત નહિ કરું, તું તો નહિ આવવાનો હતો ને ! અહીંયા શું કરે છે તો ?" કહીને ફરીથી રિસાઈ ગઈ.
"શું કરું... તારા જન્મદિવસની ભેટ લાવવામાં મોડું થઈ ગયું. મને એમ થયું કે હું કદાચ આ વખતે પણ નહી લાવી શકીશ તેથી ના પાડી હતી." અંકિતે જવાબ આપ્યો.
"ભેટ... કેવી ભેટ ? તને ખબર છે મેં ત્રણ વર્ષથી તને જોયો નથી અને તું આપણા જન્મદિને અહીંયા આવે તેથી મોટી ભેટ શું હોઈ શકે ?" અંકિતાએ કહ્યું.
તને યાદ છે ત્રણ વર્ષ પહેલા શું થયું હતું... આપણા જન્મદિવસ પર ? કંઈ નહીં, હું યાદ અપાવી દઉં... કહીને અંકિતે કહ્યું, "આપણું બારમા ધોરણનું પરિણામ આવ્યું હતું, તારા નેવું અને મારા પચાસ ટકા આવ્યા હતા જેના લીધે તું ખૂબ જ નારાજ થઈ હતી, કેમકે બધા મને શાળામાં ડોબો કહીને ચીડવતા અને પચાસ ટકા આવવાથી મારા માથા પર ડોબા હોવાની મહોર લાગી ગઈ હતી. જે તને જરા પણ ગમતું ન હતું તેથી તે મારી સાથે આપણાં જન્મદિવસ પર ખૂબ જ ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે આગળના ભણતરમાં જ્યાં સુધી હું ફર્સ્ટ ક્લાસથી પાસ નહીં થાવ ત્યાં સુધી તું મારું મોં નહી જોશે અને તેના બીજે દિવસે તું પંદર દિવસનાં સમર કેમ્પ માટે જતી રહી. તું મારી સાથે વાત નહીં કરે એ સાંભળીને મને ખૂબ જ ખોટું લાગ્યું અને મેં નક્કી કર્યું કે હવે કંઈ પણ થાય ફર્સ્ટ ક્લાસ તો લાવીને જ રહેવુ. તેથી મેં મમ્મી-પપ્પાને કહીને મારો પ્રવેશ દૂરની મહાવિદ્યાલયમાં કરાવ્યો અને હું ત્યાં જઈને ભણવા લાગ્યો. તે દિવસે તે મારી ભેટ પણ ન સ્વીકારેલી અને કહ્યું હતું, "જો ભેટ આપવી હોય તો ફર્સ્ટ ક્લાસ લાવી બતાવ. જો તારા માટે એ ભેટ લાવવામાં મને ત્રણ વર્ષ લાગ્યા. હવે તો તું મારાથી નારાજ નથી ને ?"
અંકિતની વાતો સાંભળીને અંકિતાને ખૂબ જ રડવું આવ્યું. તે ફરીથી અંકિતને ભેટીને ખૂબ રડી અને બોલી, "મેં તો એ બધું ગુસ્સામાં કહ્યું હતું તે આટલી બધી ગંભીરતાથી કેમ લીધું ?
"કેમ કે, તે કહ્યું હતું." અંકિતે ફક્ત આટલો જ જવાબ આપ્યો.
"મને માફ કરી દે. મારો ઈરાદો તને દુ:ખ પહોંચાડવાનો ન હતો પણ તે મારી વાતને..." કહીને તે ફરીથી રડી પડી.
અંકિતે તેને શાંત કરાવતા કહ્યું, "જે થયું તે સારું થયું; નહીંતર હું ભણતરને ક્યારેય આટલી ગંભીરતાથી ન લેત. મારી બહેન ! તારો ખૂબ ખૂબ આભાર કે તે આવી શરત મૂકી. ભલે અજાણતાં જ પણ હું મારા જીવનમાં ગંભીર થઈ શક્યો અને ભણતર તરફ મારી રૂચિ પણ વધી."
આમ, ત્રણ વર્ષ પહેલાંની ફરિયાદ અને એ ફરિયાદને દૂર કરવાની જિદ બંનેનો સુખદ અંત આવ્યો.
