જિંદાદિલી
જિંદાદિલી
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
જ્યારે માણસના મનનું નહીં થાય ત્યારે તે મોતને ભેટવાનું પસંદ કરે છે. 'મોત' સૌથી સરળ લાગતો પણ સૌથી ભારે રસ્તો અને કેટલાક માટે સૌથી ભારે લાગતો પણ સૌથી સરળ રસ્તો. જિંદાદિલ માણસો માટે એ સૌથી ભારે રસ્તો છે પણ જ્યારે એ જ જીંદાદિલ માણસ મનથી થાકી જાય ત્યારે તે એના મન માટે સૌથી સરળ રસ્તો બની જાય છે.
મનથી હારેલો મનન કંઈક આવી જ લાગણી અનુભવતો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી દરેક ક્ષેત્રમાં તેને નિરાશા જ મળતી હતી, જેનું મુખ્ય કારણ ઓફિસમાં તેના કામમાં કોઇ ને કોઇ ખામી નીકળતી હતી તે હતું. જેના લીધે તેની બઢતી અટકી ગઈ. આ વાતથી તે એટલો હતાશ થયો કે તેને શું કરવું તે સમજાતું ન હતું અને તેથી ઘરમાં નાની- નાની બાબતોમાં તે નારાજ થતો અને નારાજગી ઝઘડામાં પરિવર્તિત થવા લાગી. મિત્રોથી પણ તે થોડો અતડો રહેવા લાગ્યો. કામની ઉદાસીનતા એના અંગત જીવન પર પડવા લાગી. તેના સંબંધો તેની મંગેતર સ્વાતિ સાથે પણ બગડવા લાગ્યા. જ્યારે પણ સ્વાતિ તેને કામ વિશે કંઈક પૂછે કે તરત જ તેનું માથું ફરે, તે ગુસ્સે થઈ જાય અને એમનો ઝઘડો થઈ જાય. ઓફિસની નિરાશા તેણે આખા જીવનમાં પ્રસરાવી દીધી હતી.
તેના રોજ- રોજનાં ગુસ્સાથી કંટાળીને સ્વાતિએ તેની સાથે સંબંધોનો અંત આણવાનું નક્કી કર્યું. આ બધી વાતથી તે દુઃખી થઈને એક દિવસ મોતને ભેટવા ગયો. એના મનનું તોફાન અને અંધકાર જાણે પ્રકૃતિએ લઈ લીધું હોય તેમ અચાનક વરસાદી વાતાવરણ થઇ ગયું અને કાળાડિબાંગ વાદળો વરસવા લાગ્યા. પરંતુ મનથી હારેલ મનન પોતાના વિચારોમાં ખોવાયેલ ખબર નહિ ક્યાં જતો હતો ! બસ, એને એટલી ખબર હતી કે તેને જીવનનાં દુઃખોથી મુક્તિ જોઈએ છે જેનો સૌથી સરળ રસ્તો અત્યારે તેની સામે હતો તે- મોત.
રસ્તામાં ચાલતો હતો ત્યારે તેને કોઇકે હાથ પકડીને ખેંચ્યો. બરાબર તે સમયે તેની બાજુમાંથી એક કાર પૂરજોશમાં પસાર થઈ ગઈ અને તે હોશમાં આવ્યો. તે કોઇ રસ્તા પરથી પસાર થતો છોકરો હતો. એના કપડાં અને દેખાવ પરથી અંદાજો લગાવી શકાતો હતો કે તે કોઈ સારા ઘરનો છોકરો ન હતો પરંતુ રસ્તા પર ભટકતો જ હોવો જોઈએ અને સો ટકાની ખાતરી તેની બોલીએ કરી આપી જ્યારે તેણે મનનને બચાવતા કહ્યું, "કેમ અલ્યા, તારે મારવાનો વિચાર છે ?"
"હા, તેં મને કેમ બચાવ્યો ?" મનને અફસોસ સાથે પૂછ્યું.
છોકરાએ કહ્યું, "અલ્યા આ તો દાવ થઈ ગયો, મને શું ખબર હતી; તારે પહેલા કહેવું હતું ને તો તને નહિ બચાવતે. એમ પણ હજુ કંઈ મોડું નથી થયું; જા પાછો
રસ્તાની વચ્ચે ચાલવા આ વખતે નહીં બચાવુ, તું પાકું મરી જશે. જલ્દી જા... સમયની બરબાદી ન કર."
મનન તેની વાતને સમજવાનો પ્રયત્ન કરતો હતો. હું મરવા માગું છું અને આ છોકરો જેની ઉંમર માંડ તેર કે ચૌદ વર્ષ હશે તે મને આમ પ્રોત્સાહન આપે છે, તે પણ મરવા માટે!
મનને તેને પૂછ્યું, "તું શું કરે છે ?"
"હું આ રસ્તા પર રહું છું, ભૂખ લાગે ત્યારે કામ કરું છું, ખાવાનું મળે કે પછી બસ ચાલ્યા. મસ્ત મજાની છે મસ્તમોલા જેવી મારી જિંદગી." છોકરાએ જવાબ આપ્યો.
"તું ભણવા નહીં જાય?" ફરીથી મનને પ્રશ્ન કર્યો.
"અલ્યા ડો**! ભણીને શું ફાયદો હા! ભણી-ગણીને આમ રસ્તા પર મરવા જ નીકળવાનું હોય તો ! છોકરાએ મનનને અણધાર્યો જવાબ આપ્યો અને પૂછ્યું, "તું એક વાત કહે; આમ મરવા કેમ જતો હતો ? હજુ પણ ઈરાદો પાક્કો છે કે પછી બદલી નાખ્યો ?"
"હું કંટાળી ગયો છું. મારી સાથે આજકાલ બધું ખોટું થઈ રહ્યું છે, મારી મંગેતર મને છોડવાનો નિર્ણય કરી ચૂકી છે, નોકરીમાં મને બઢતી મળવાની હતી જે અટકી ગઈ છે, ઘરમાં રોજ ઝઘડા થાય છે. જ્યાં જોઉં ત્યાં નકારાત્મકતા જ લાગે છે. તેથી મેં મરવાનું નક્કી કર્યું." મનન પોતાના હૃદયનો બોજ હળવો કરતો હતો.
"હમમમ....એટલે તારી પાસે નોકરી, છોકરી, મા-બાપ, ઘર બધું જ છે એમ ને ! તો પણ તારે મરવું છે ? વાહ!" ફરીથી છોકરાએ અણધાર્યો પ્રશ્નરૂપી જવાબ આપ્યો.
"તું દરેક બાબતમાં આમ સકારાત્મકતા શોધી જ લે છે ?" મનને પૂછ્યું.
"આમાં સકારાત્મક જેવું શું છે ? આ તો બધું તે જ કહ્યું. ચાલ, તું હવે મારો સમય ખોટી ન કર, મને ભૂખ લાગી છે. તારા ચક્કરમાં એક કામ મળવાનું હતું તે પણ જતું રહ્યું. બોલ તો કેટલા વાગ્યા છે ?" છોકરાએ પૂછ્યું.
"ત્રણ વાગ્યા છે." મનને જવાબ આપ્યો.
"સાલુ... બે વાગ્યે બોલાવ્યો હતો, તારા ચક્કરમાં મારો એક કલાક બગડ્યો. ચાલ હવે, જલ્દી સો રૂપિયા ઢીલા કર, મને ભૂખ લાગી છે." કહીને છોકરાએ મનન પાસેથી સો રૂપિયા પડાવી લીધા અને ત્યાંથી જતો રહ્યો.
છોકરા સાથે વાત કરતાં કરતાં મનનનાં હૃદયના અંધકારમય વાદળો હટતાં જતા હતા અને બીજી બાજુ આકાશમાં પણ સૂર્યપ્રકાશ દેખાવા લાગ્યો. રસ્તે રઝળતા છોકરાની જિંદાદિલી જોઈને, તેની સકારાત્મકતા નીરખીને, મનનનું મન અને હૃદય બંને પરિવર્તિત થઇ ચુક્યા હતા. ફરીથી જાણે પ્રકૃતિ તેના મનને જાણી ગઈ હોય એમ આકાશમાં સૂર્ય વધુ પ્રકાશ સાથે ચમકવા લાગ્યો.