STORYMIRROR

Sonal Tailor

Inspirational Children

4  

Sonal Tailor

Inspirational Children

સફળતાનો પર્યાય: મહેનત

સફળતાનો પર્યાય: મહેનત

3 mins
391

એકવાર એક વિદ્યાર્થીની વચનાલયમાં ચિંતિત બેઠી હતી. તે સમયે તેના શિક્ષક વાચનાલયમાં આવ્યા અને તેમણે તેને ચિંતિત જોઈને પૂછ્યું, "શું વાત છે બેટા, પાયલ ! કેમ ચિંતિત જણાય છે, પરીક્ષાને લઈને ચિંતિત છે ?"

પાયલે કહ્યું, "ખબર નહીં સર, મૂંઝવણમાં છું; વિચારું છું કે આજકાલ હરીફાઈ એ સફળતાનો પર્યાય બની ગયો છે. શું સફળ થવા માટે હરીફાઈથી અલગ બીજો કોઈ ઉપાય નથી, કેમ કે મને હરીફાઈ ખૂબ જ ડર લાગે છે."

"એ શા માટે?" સરે પૂછ્યું.

"અસફળતાનો ડર, સર; મને અસફળ થવાથી ડર લાગે છે." પાયલે પોતાની મૂંઝવણ જણાવી.

"પાયલ! તને ખબર છે અસફળતાનો ડર તને હરીફાઈથી નહીં પરંતુ મહેનત કરવાથી રોકે છે. સફળતા માટે મહેનત અનિવાર્ય છે, હરીફાઈ તો ફક્ત વ્યક્તિને મહેનત કરવા માટે પ્રેરતું પ્રેરક બળ છે. તું એનાથી ભાગી નહીં શકે, હું તો કહીશ કે તું આ પરિસ્થિતિને જોવાનો તારો દ્રષ્ટિકોણ બદલ." સરે કહ્યું.

"એ કઈ રીતે સર ?" પાયલે પ્રશ્ન કર્યો.

"જ્યારે જ્યારે હરીફાઈની પરિસ્થિતિ તારી સામે આવે ત્યારે ત્યારે તેને તું મહેનત કરવા માટેની તક સમજ. ચાલ, આજે મને એક વાત કહેવાની ઈચ્છા થાય છે ધ્યાનથી સાંભળજે," કહીને પાયલને તેના સરે નીચે મુજબની વાત કહી-

"એક ખૂબ ગભરુ છોકરો, વધારે પડતું વિચારે અને તેને પણ તારી જેમ હરીફાઈથી ડર લાગે. અરે ! એને તો શાળામાં જવાથી પણ ડર લાગતો. દર વર્ષે નવા વર્ષમાં આવે ત્યારે તેને પહેલા દિવસે શાળામાં જવાનો ભય લાગે. નવા મિત્રો, નવું વર્ષ, નવા શિક્ષકો બધી વસ્તુ વિશે વિચારીને તેને તાવ આવી જાય. જો માંદગી લાંબી ચાલે તો પછી તો એક અઠવાડિયું સુધી શાળામાં ગેરહાજર. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી તેથી તેને મોટા થઈને સફળ થવું હતું. પરંતુ વધુ પડતી વિચારવાની આદતને લીધે તેને અસફળ થવાનો ડર વધુ લાગતો અને તેથી તેનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નહીં. ઘણા બધા કાર્યો તે સમર્થ હોવા છતાં કરી શકતો નહીં." સર પાયલને છોકરાની જીવનગાથા કહી રહ્યાં હતાં.

"પછી શું થયું સર ?" પાયલની જિજ્ઞાસાવૃત્તિએ પ્રશ્ન કર્યો.

"તેને તેના મમ્મી-પપ્પા ખૂબ સમજાવતાં પરંતુ તેના મન પર કંઈ ખાસ અસર થતી નહી. દસમા ધોરણ સુધી આમ ચાલ્યું ત્યારબાદ અગિયારમાં ધોરણમાં તેણે આર્ટ્સ વિભાગમાં પ્રવેશ મેળવ્યો. તે સમય દરમિયાન તે હીરા ઘસવાનું કામ કરતો અને પોતાના ભણતરનો ખર્ચ ઉપાડતો. તે સમય દરમિયાન જ તેને એક શિક્ષક મળ્યા જેમણે તેનામાં રહેલી સર્જનાત્મકતાને વિકસાવી, સકારાત્મકતાને ઉજાગર કરી અને એ સકારાત્મકતા વિકસાવવા માટે તેણે ખુબ જ મહેનત કરી. હવે તે હરીફાઈને પોતાની સર્જનાત્મકતા વિકસાવવાની તક સમજીને સતત પ્રયત્નશીલ રહેવા લાગ્યો. તેની અસર રૂપે જે વિદ્યાર્થી દસમા ધોરણ સુધી ફક્ત ખરાબ ન કહી શકાય તેવા ગુણથી પાસ થતો, તે હવે પ્રથમ આવવા લાગ્યો. જ્યારથી તેનામાં આત્મવિશ્વાસ વધ્યો ત્યારથી તે ફક્ત શાળામાં નહીં પરંતુ શાળા બાદ આખી કોલેજમાં પણ પ્રથમ આવવા લાગ્યો. તેને પોતાના વિચારો વ્યક્ત કરવાનું ગમતું તેથી તે લેખક બનવા માગતો હતો. લેખક બનવાની સફરમાં તેનામાં રહેલ શિક્ષકત્વ જાગ્યું અને તે બી.એડનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને શિક્ષક બન્યો. બી.એડના અભ્યાસક્રમ દરમિયાન પણ તે હંમેશા પ્રથમ જ આવતો. શરુઆતમાં તેણે ક્યારેય વિચાર્યું નો'તું કે તે શિક્ષક બનશે પરંતુ તેણે ખૂબ મહેનતથી પોતાનું લક્ષ્ય સાધ્યુ." સરે જણાવ્યું.

"લેખક બનવાની તેની ઈચ્છાનું શું થયું ?" પાયલે પૂછ્યું.

"તેના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને તેની સમાચાર પત્રમાં નિયમિત કૉલમ આવે છે. ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત શાળાના પુસ્તકોમાં તે સંપાદક તરીકે કાર્ય કરે છે તેમજ સરકાર દ્વારા ચલાવવામાં આવતા રાજ્યકક્ષાના શૈક્ષણિક કાર્યો જે વંદે ગુજરાત ચેનલ પર આવે છે તેમાં તે પ્રશિક્ષક તરીકે કાર્યરત છે. આ બધી સફળતાના મૂળમાં સર્જનાત્મકતા, સકારાત્મકતા અને શ્રમ રહેલો છે." સરે પાયલને તે છોકરાની સફળતા વિશે જણાવતાં કહ્યું.

"સર, હમણાં એ છોકરો ક્યાં છે ? અને શું કરે છે ? પાયલે પૂછ્યું.

"હવે એ છોકરો મટીને પુખ્ય વયનો વ્યક્તિ થઈ ગયો છે, જે હમણાં તારી સાથે વાત કરી રહ્યો છે." સરે ખુલાસો કરતાં કહ્યું.

પાયલ વાત જાણીને આશ્ચર્યચકિત જ રહી ગઈ. તેણે પોતાના સરની વાતને જીવનમાં ઉતારવાનો નિશ્ચય કર્યો. તેણે પણ પોતાના જીવનમાં લેખક બનવા તરફ પ્રયાણ શરૂ કર્યું કારણ કે પાયલને પણ પોતાના વિચારોને ભાષા આપવુ ગમતું. તેણે લક્ષ્ય સાધવા માટે પરિશ્રમની દોરી પકડી અને આગળ વધવાની સફર શરૂ કરી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational