mariyam dhupli

Abstract Tragedy

4.1  

mariyam dhupli

Abstract Tragedy

સંકોચ

સંકોચ

3 mins
515


અલમારીનો દરવાજો ખુલ્યો. આછા અજવાસમાં એ અલમારીમાં હાજર કપડાઓ વચ્ચે શોધખોળ શરૂ થઈ. એજ સમયે ઓરડાનો દરવાજો કોઈએ ખટખટાવ્યો. 

એક યુવતી ઓરડામાં પ્રવેશી. પથારી ઉપર કપડાં ગડી વાળવામાં વ્યસ્ત બે ઉંમરવાળા હાથ વર્ષોના અનુભવને કારણે દરેક વસ્ત્રની અત્યંત ચુસ્ત ગડી કરી અલમારીમાં ગોઠવવાની પૂર્વતૈયારી સ્વરૂપે તેમને એકખૂણે કરી રહ્યા હતા. યુવતીએ હાથમાંનો પોશાક એ વસ્ત્રો ઉપર પાથરી દીધો.

" હજુ તમે તૈયાર નહીં થયા, અમ્મી ? "

" લાહોલવલા ... " પોતાના વસ્ત્રો ઉપર પાથરવામાં આવેલા પોશાકને ઉંમરવાળા હાથોએ એક તરફ ધકેલી દીધો. " તને કહી દીધું હતું ને હું નહીં આવ. "

ધકેલવામાં આવેલા પોશાકને યુવતીએ એક હાથમાં ઉંચકી લીધો અને બીજા હાથમાંથી તૈયાર રાખેલા અન્ય વિકલ્પને ઘડી કરેલા વસ્ત્રો ઉપર પાથર્યો. 

" તમને સ્વિમિંગ કોશ્ચ્યુમ નથી પહેરવું તો ભલે. આ અબ્બુનું ટીશર્ટ અને પજામા પહેરી લેજો. "

" જો અનીશા, હું આમ બધાની વચ્ચે નહીં નહાઉં. " માથાની ઓઢણી વ્યવસ્થિત કરતા આધેડ ચહેરાએ પૂર્વનિર્ધારિત નિર્ણયનું શાબ્દિક પુનરાવર્તન કર્યું. યુવતીએ અવિશ્વાસમાં માથું ધુણાવ્યું. 

" અમ્મી, વોટરપાર્કની સ્લાઈડ પર જે કપડાં સહેલાઈથી સરી શકે ..." 

" અનીશા, હું વોટરપાર્ક નથી આવવાની. " ગડી કરેલા કપડાઓ ઉપરથી ટીશર્ટ અને પજામા બીજી તરફ ધકેલી આધેડ હાથોએ ફરીથી વસ્ત્રોના ઢગલાને સંતુલિત કરતા ચોખવટ કરી.

" અમ્મી,પણ આપણા ગ્રુપમાં ફક્ત લેડીઝ જ હશે. હું જાણું છું. નાના બહુ કડક સ્વભાવના હતા. પણ અબ્બુ તો એવા નથી. તમે મારી જોડે આવશો તો એમનાથી વધુ ખુશી કોઈને ન થશે."

યુવતીની આંખોમાં પ્રસરેલી ચમક આધેડ આંખોને સ્પર્શી. ગડી કરી રહેલા કરચલીવાળા હાથે એક વિરામ લીધો. 

" સાચું કહું અનીશા ? તો મને કોઈની સામે નહાવામાં ઘણી શરમ આવે છે. બાળપણમાં હાથમાં મહેંદી લગાવી હોય ત્યારે તારી નાની મને નહાવડાવી આપવા જીદ કરતા. જેથી મારી મહેંદીનો રંગ સાબુ અડવાથી આછો ન થઈ જાય. પણ હું બાથરૂમમાં ભરાઈ જતી. અંદરથી કડી લગાવી દેતી. ભલે મહેંદીનો રંગ આછો આવે પણ હું મારા શરીર પણ જાતેજ સાબુ ઘસતી. "

આધેડ શરીરને વ્હાલથી આલિંગનમાં લઈ યુવતીએ પોતાનો પ્રયાસ યથાવત રાખ્યો. 

" અમ્મી, તમારે ક્યાં ત્યાં કોઈની સામે નિર્વસ્ત્ર થવાનું છે ? તમારા શરીરના અંગો એ તમારી પ્રાઈવસી છે. હું સમજુ છું. પણ તમારે તો વસ્ત્રો પહેરીને પાણીમાં ઉતરવાનું છે. ના કોઈ તમારા શરીરને નિહાળશે, ન તમારા શરીરના અંગોને સ્પર્શ કરશે, ન તમારા શરીર ઉપર સાબુ ઘસવાની બળજબરી કરશે. " 

ગળે ભેરવાયેલા હાથોને દૂર હડસેલી આધેડ શરીર પથારી છોડી કડકપણે ઊભું થયું. 

" અસ્તગફીરૂલ્લાહ ... આ છોકરી ..."

વપરાયેલા શબ્દકોષ વડે ઉશ્કેરાયેલા હાવભાવોથી સલામત રહેવા મસ્તીભર્યું યૌવન હાસ્યની છોળો ઉડાવતું ઓરડામાંથી બહાર ભાગી છૂટ્યું. 

દરવાજો ફરી બહારથી ખટખટાવવામાં આવ્યો. પરંતુ આ વખતે એ ભૂતકાળની યાદો નહીં પરંતુ વર્તમાનનો રિમાઈન્ડર બની અંદર તરફ ખુલ્યો. ઓરડાના એકાંતમાં અલમારીના વસ્ત્રોમાં થઈ રહેલી શોધખોળને પૂર્ણવિરામ લાગ્યું. સાચવીને સંગ્રહાયેલો સફેદ કાપડનો ટુકડો હાથમાં આવતાજ અલમારીનો દરવાજો બંધ થયો. 

 રાહ જોઈ રહેલી સ્ત્રીએ હળવેથી માહિતી આપી. 

" મય્યતને ગુસુલ આપવાનો સમય થઈ ગયો છે. " 

અલમારી પાસે નવું નકોર સફેદ કાપડ પકડી ઊભી અનીશાએ એક ઊંડો શ્વાસ ભર્યો અને એનાં ભારે ડગલાં અમ્મીના શયનખંડમાંથી બહાર નીકળી ગુસુલખાનાની દિશામાં આગળ વધી ગયા. 

( * મય્યત = શબ 

 * ગુસુલ = સ્નાન )


Rate this content
Log in

Similar gujarati story from Abstract