સનાતન રહસ્ય
સનાતન રહસ્ય
આ એક જ શબ્દ આપણાં મન અને મગજમાં એક જુગુપ્સા પ્રેરવા માટે પૂરતો છે. કોઈપણ વસ્તુ માટેની જિજ્ઞાસા મનને ચંચળ બનાવે છે. ખાસ કરીને જો વાત કે વિષય, રહસ્ય ભર્યો હોય. આજે હું વાત કરીશ આપણી ભારતીય સંસ્કૃતિની. આપણાં હિન્દૂ ધર્મમાં હનુમાન ચાલીસાનું અદકેરું મહત્વ છે. આજના બાળકો જેને સુપર પાવર, સુપરમેન કહે છે અને જુએ છે, એવા સુપરમેન એટલે કે આપણા હનુમાનજીએ સદીઓ પહેલાં આખે આખા પર્વતને પોતાના એક જ હાથે ઊંચકી લઈ સમુદ્ર પરથી ઉડીને લંકા પહોંચાડ્યો હતો. આવા હનુમાનજીની મહિમા હનુમાન ચાલીસાના ચાળીસ શ્લોકોમાં ગાવામાં આવી છે. હનુમાન ચાલીસામાં ઘણાં બધા ગુઢ રહસ્યો છુપાયેલા છે.
હનુમાન ચાલીસા એટલે ભગવાન અને ભક્તનો મહિમા. હનુમાનજીની ભગવાન શ્રીરામ પ્રત્યેની ભક્તિ એટલે હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસામાં આવતી 40 ચોપાઈઓમાં દુહા અને છંદની પણ ખુબ જ સરસ ગુંથણી કરી ગુરુભાવને વર્ણવાયો છે. હનુમાન ચાલીસા એટલે સનાતન સત્ય. હનુમાન ચાલીસામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એમ ત્રણેયનો ત્રિવેણી સંગમ કરાયેલ છે. આ ત્રિવેણીમાં સ્નાન કરીને માનવ વૈતરણી તરી ગયાનું પુણ્ય મેળવી શકે છે. હનુમાન ચાલીસાની ચાળીસ ચોપાઈઓ હનુમાનજીના 108 નામ, 25 તત્વ, 3 શ્લોક, 18 દેવ, 8 સિદ્ધિઓ, 4 યુગ, 4 ફળ અને 9 નીધિઓથી સુશોભિત છે.
જો તેમાંથી દરેક શ્લોકોના શબ્દોનો અર્થ તારવીને જુદો કાઢવામાં આવે, તો જ એના રહસ્યોથી આપણે માહિતગાર થઈ શકીએ. ચાલો, એમાંના એક સનાતન રહસ્યથી આપણે માહિતગાર થઈએ. હનુમાન ચાલીસાની અઢારમી પંક્તિ લઈએ.
*યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનું.*
ચાલો, હવે *યુગ સહસ્ત્ર જોજન પર ભાનું* માત્ર આટલી પંક્તિનો અર્થ સમજીએ.
એક યુગ એટલે કે 12,000 વર્ષ.
એક સહસ્ત્ર એટલે કે 1000 વર્ષ.
એક જોજન એટલે 8 માઈલ.
આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો 12,000 × 1,000 × 8 એટલે કે 9 કરોડ 60 લાખ માઈલ. એક માઇલ એટલે 1.6 કિલોમીટર. તો ગુણાકાર કરતાં 15. 36 લાખ કિલોમીટર જવાબ આવે. ગુણાકાર કરીએ તો ભાનુ એટલે કે સૂર્ય અને પૃથ્વીનું અંતર 15.36 લાખ કિલોમીટર છે. એટલે કે એક યુગ, એક સહસ્ત્ર અને એક યોજન -- બધાનો ગુણાકાર કરીને જે આવે તે અંતર પર ભાનુ સ્થિત છે એટલે કે પૃથ્વીથી આટલે દૂર સૂર્ય આવેલો છે. દુનિયાના વૈજ્ઞાનિકોએ 18મી સદીમાં ગણતરી કરીને જે માહિતીથી આપણને વાકેફ કર્યા હતાં, તે રહસ્ય તો સોળમી સદીમાં જ તુલસીદાસજી હનુમાન ચાલીસામાં લખી ગયા હતા.
આ વાત શ્રી તુલસીદાસજીએ સદીઓ પહેલાં આપણને હનુમાન ચાલીસા દ્વારા જણાવી દીધી હતી, પરંતુ આપણા બધા માટે આ એક રહસ્ય જ હતું. હનુમાનજી તો આ પૃથ્વી પર અજરામર છે. યુગોથી એવું માનવામાં આવે છે કે, સાત ચિરંજીવી વિભૂતિઓ આ પૃથ્વી પર હાજરાહજૂર છે, તેમાંની એક વિભૂતિમાં હનુમાનજીની ગણના થાય છે. તો બોલો, જય શ્રી રામ.જય બજરંગબલી.
