હેં!
હેં!
*હેં!*
****
'સુજલ, એય સુજલ ઉઠ, ઊભો થા. ચાલ, ઝડપ કર.'
'હેં, કોણ? ક્યાં? શું?'
'સસ... સ અરે! અવાજ ના કર. ચૂપચાપ મારી આગળ ચાલવા માંડ. રસ્તામાં કહું છું.'
અડધી રાત્રે ઊંઘમાંથી કોઈએ મને ઢંઢોળીને ઉઠાડ્યો ને હું અજાણ્યા પડછાયાની આગળ ચાલવા લાગ્યો.
'અરે! તું કોણ? આમ રાત્રે ક્યાં?'
'ચૂપ અવાજ નહીં, બસ ચાલતો રહે.'
ધીમા અવાજે મેં તે અજાણી વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ...
હું અડધી ઊંઘે ભરાયેલી આંખોને વધુ પહોળી કરી અંધારા રસ્તા પર આગળ વધતો રહ્યો. પેલો અજાણ્યો અવાજ આવતો રહ્યો તેમ હું ચાલતો ગયો. થોડે દૂર પહોંચ્યા પછી મારા પ્રશ્નનો પ્રત્યુત્તર આવવાનો બંધ થયો. વાતાવરણની એક ભીની માદક ખુશ્બુ મસ્તિષ્કને તરબતર કરતી હતી. બે ઘડી તેમાં હું ખોવાયો... બીજી જ પળે આંખો ચોળી પોતાને જગાડવાનો પ્રયત્ન કરતો હું એ આસ્ફાલ્ટની કાળી સુમસાન સડક પર આગળ વધ્યો. પેલો અજાણ્યો અવાજ પણ ગાયબ થઈ ગયો. હવે મારા હાથપગ ઢીલા પડવા લાગ્યાં. ઠંડકભર્યા વાતાવરણમાં પણ મને પરસેવો વળવા લાગ્યો. મારી બાવરી આંખો આસપાસ કોઈ સંગી-સાથી શોધવા લાગી. દૂર દૂર સુધી કોઈનું નામોનિશાન નહોતું. હતાં તો માત્ર *સુમસામ માર્ગ અને હું.*
કંઇક વિચાર કરી મેં ઘર તરફ પાછા ફરવાનો પ્રયત્ન કર્યો. હું હજી બે જ ડગલાં ઘર તરફ વળ્યો ત્યાં તો ક્યાંકથી ચિબરીનો અવાજ જાણે મારા કાનમાં આવી પડઘો પાડી ગયો.
હિંમત કરી આગળ ડગલાં ભર્યા. પવનના સૂસવાટા વધી રહ્યા હતાં. જાણે મારા પગને રોકવા મથી રહ્યાં. આગળ થોડે દૂર કંઈક પ્રકાશ દેખાતાં મારા પગમાં સ્ફૂર્તિનો સંચાર થયો. ઝડપભેર હું તે તરફ વધ્યો. રસ્તાની બાજુએ એક ચાની લારીમાં ફાનસના આછા અજવાળે જોયું તો પ્રાયમસ પર કાળી મેશથી રંગાયેલા એલ્યુમિનિયમના તપેલામાં ચા બની રહી હતી. એક માણસ ચાની ગરણી વડે ચાને ઉછાળી ઉછાળીને ઉકાળી રહ્યો હતો. હું વિચારમાં પડ્યો. આસપાસ કોઈ નથી, સાવ નિર્જન, સુમસાન રસ્તા પર ચાની લારી, આટલી બધી ચા કોના માટે? મેં ઉત્સુકતા વશ પૃચ્છા કરવા પેલા માણસ સામે જોવાનો પ્રયત્ન કર્યો. પેલો અજાણ્યો ઇસમ ઘણો ઊંચો હતો તેથી લારીની નજીક જઈ મેં વાંકા વળી તેનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો.
વાંકા વળી ઊંચી નજર કરતાં જ હું હેબતાયો!
આ શું? માત્ર ધડ! ચહેરો ક્યાં? ડઘાઈને બે ડગલાં પાછળ ખસતાં હું ધડામ કરતો નીચે પડ્યો. જેમ તેમ ઊભો થઈ લગભગ ભાગવા લાગ્યો, હવે પાછળ જોવું જ નથી. મન મક્કમ કરી મુઠ્ઠી વાળી ઘર ભણી દોટ મૂકી. ઘર દેખાવા લાગ્યું. મનમાં હાશકારો થયો. ત્યાં તો અચાનક ક્યાંકથી ધુમ્મસ ધસી આવ્યું ને હું ધુમ્મસની અંદર જાણે કેદ થઈ ગયો. ના આગળ કશું દેખાય ના પાછળ.. ઓહો! આ શું થઈ રહ્યું હતું? કશું સમજાતું નહોતું. મારા પગ ધરતીમાં જડાય ગયાં. જાણે કોઈ અદ્ર્શ્ય શક્તિએ મને બાંધી દીધો હતો.
રસ્તાની બંને બાજુના વૃક્ષોના પાંદડાઓનો ફફડાટ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યાં હતાં. કંસારી અને તમરાંના અવાજો કાનમાં ચીસ પાડી રહ્યાં. મારા બંને હાથો વડે મેં મારા કાન બંધ કર્યા છતાં એ આવજો મારા કાન ફાડી રહ્યાં હતાં. ત્યાં એક ધૂંધળી આકૃતિ હાથમાં પૂજાની થાળી સાથે પ્રકટ થઈ. ધુમ્મસના કારણે ચોખ્ખું દેખાતું નહોતું. તેનો જમણો હાથ આગળ વધ્યો. કપાળ પર તિલક કર્યું, ગળામાં હાર પહેરાવ્યો ને પછી એક અટ્ટહાસ્ય સંભળાયું. ઓહોહો, આ શું! મને તિલક કેમ, નર બલિ? મેં બંને હાથો વડે ચહેરો ઢાંકી લીધો ને...
ઓ મા! ઓ બાપા! કરતો હું જમીન પર પટકાયો. અચાનક મને મારી બાની કહેલી વાતો યાદ આવી. 'કોઈપણ મુશ્કેલીના સમયે ભગવાનને યાદ કરવાના. કોઈ ને કોઈ માર્ગ તો નીકળી જ આવે.'
મને યાદ આવ્યું કે, હું તો રોજ હનુમાન ચાલીસાના પાઠ કરું છું. ને, જમીન પર પડ્યા પડ્યા જ મેં હનુમાન ચાલીસા જોર જોરમાં બોલવાની શરૂ કરી. ત્યાં જ મને લાગ્યું કે, કોઈ મને ફરી ઢંઢોળી રહ્યું છે. અવાજ એકદમ પરિચિત લાગ્યો. હિંમત કરી મેં આંખોને અધખુલ્લી કરી જોવાનો પ્રયત્ન કર્યો. એકદમ ધૂંધળી આકૃતિ તેને જાડા ઘોઘરા અવાજમાં બોલાવી રહી હતી.
'સુજલ.. એ ય સુ.. જ.. લ. આ...મ કેમ ની...ચે....'
મેં આંખો વધુ ચોળી તો, મારી બા મને ઉઠાડી રહી હતી. હું પલંગ પાસે નીચે પડીને જોર જોરમાં હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો.
'શું થયું, બેટા? કોઈ ખરાબ સપનું જોયું કે શું? આમ ઉઠતાં પહેલાં જ હનુમાન દાદાને યાદ કરવા લાગ્યો, તે પણ ભોંયે પડીને!' બા હાથમાં પૂજાની થાળી લઈ ઊભી ઊભી હસી રહી હતી.
બાને જોતાં જ મારા જીવમાં જીવ આવ્યો. હું એકદમ ફફડતા પારેવાની જેમ ગભરાટનો માર્યો બાને વળગી પડ્યો. હાશ થઈ.
ત્યાં જ બાએ પૂછ્યું, 'બેટા આ તિલક ક્યાં કરી આવ્યો?'
'હેં!'
હું માત્ર એટલું જ બોલી શક્યો.
ને, ગભરાટ અને આશ્ચર્ય સાથે ફરી એકવાર મારા હાથપગ ઠંડા પડી ગયા અને શરીરે પરસેવો છૂટી ગયો.
✒️ *પૂર્વી પટેલ 'pk'*
