માસી મા
માસી મા
*માસી મા*
*******
સવારથી ઋત્વાનું મન એક બેચેની અનુભવવા લાગ્યું. 'પોતાના ગર્ભમાં આવેલ જીવને કેવી રીતે મારવો? મા થઈને હું મારા જ અંશની હત્યારી બનું?'
મુંઝવી નાખે તેવી ગડમથલ, પોતાના દિલ અને દિમાગ વચ્ચે પીસાતી હતી ત્યાં તેના મગજમાં એક વિચાર વીજળીની જેમ ચમક્યો. તેને તેની *અંદરનો અવાજ* યોગ્ય લાગ્યો.
સફાળી ઊભી થઈ તેણે શિવમ સાથે વાત કરી. શિવમને પણ વિચાર બધી રીતે યોગ્ય લાગ્યો.
ઋત્વાના મનનો ભાર હળવો થયો.
બીજા જ અઠવાડિયે બંને દુબઈથી ભારત જવા નીકળી ગયા.
આગોતરી જાણ કરીને આવ્યા હોય રાશિ અને શાંતનુ પણ મળવા આવ્યા હતાં. અચાનક આવવાનું કારણ નહોતા જાણતાં એટલે સારા નરસા બધી જાતના વિચારો તેઓના મગજમાં પણ રમતાં હતાં. પરિવારે બેસીને સાંજનું જમણ પતાવી બધાં ભેગાં બેસી વાતો કરતાં હતાં ત્યારે ઋત્વાએ પોતે સગર્ભા હોવાની વાત કરી. ઋત્વાની સગર્ભા હોવાની વાત સાંભળી બધા ખુશ તો થયા પરંતુ ત્યાર પછીની વાત સાંભળી બધા ચોંકી ઊઠ્યાં. શાંતિથી વિચારતાં વાત તો સાચી લાગી.
બાના મોઢેથી એવું ઘણીવાર સાંભળેલું કે,
'બે દીકરીઓને એક માંડવે, એક સાથે ન પરણાવાય. એમાં એક દીકરી સુખી થાય ને એક દુઃખી થાય.' આમ તો આવી વાતો પર ખાસ વિશ્વાસ નથી મૂકતી પરંતુ રાશિના મનમાં થોડા ઘણા અંશે આ વાત ઘર કરી ગયેલી.
રાશિ અને ઋત્વાના લગ્ન એક માંડવે થયેલા. રાશિ માટે મુરતિયો શોધવામાં સમય લાગ્યો. તે દરમ્યાન ઋત્વા પણ ઉંમરલાયક થઈ ગઈ. ઘરની સ્થિતિ થોડી નબળી હતી અને વળી બંનેનો સાથે જ જોગ બેસી જતાં એક જ દિવસે લગ્ન થયેલા. ઋત્વાના પગલે સાસરામાં સુખની ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ. બધી જ રીતે સુખ સંપન્ન લગ્નના પાંચ વર્ષમાં બે સંતાનોની માતા પણ બની ગઇ. તે પરિવાર સહિત દુબઇ સ્થાયી થઈ ગઈ. તો આ બાજુ રાશિ ખાધે પીધે સુખી ઘરની કહી શકાય. બસ, ખોળો ખાલી રહ્યાનો અફસોસ! પતિ શાંતનુ બધી રીતે સમજદાર હતો. પરંતુ, સાસુજીના વાક્બાણોથી વીંધાતી રાશિ ઘણીવાર ખોટા વિચારે ચડી જતી. એવે સમયે શાંતનુ રાશિનું મન કળી જઈ તેની સાથે વર્તન કરતો.
આજે બાવાળી વાતને મનમાંથી કાઢી નાખવાનો ઋત્વાને મોકો મળ્યો હતો.
હવે નિર્ણય લેવાનો વારો રાશિ અને શાંતનુનો હતો.
"દીદી, આમ ન હોય. હું તમારું બાળક કેવી રીતે લઈ લઉં? અત્યારે તો બધું બરાબર લાગે પરંતુ બાળક જન્મે અને જ્યારે તમે છાતીએ વળગાડશો પછી તેને દૂર નહીં કરી શકો. મેં અને શાંતનુએ અમારું ભાગ્ય અપનાવી લીધું છે. હવે આશા જન્માવી નિરાશા મળશે તો કદાચ હું સહન નહીં કરી શકું."
"જો ઋત્વા, મારી વાત માન. મારે બે બાળકો છે. હું આમ પણ ત્રીજું બાળક લાવવા નથી ઈચ્છતી. તું હા નહીં પાડે તો મારી પાસે ગર્ભપાત જ એક વિકલ્પ છે, જે હું ઇચ્છતી નથી. મેં અને શિવમે બધું વિચારીને આ નિર્ણય લીધો છે."
"ઓહ દીદી! તમારું અને જીજુનું મન બૌ મોટું છે, પણ..."
"ઋત્વા, મને ખાલી એક વાતનો જવાબ આપ, શું તારે મા નથી બનવું?"
*દીદી..." કહેતાં ઋત્વા પોસ પોસ આંસુએ રડવા લાગી.
"ચાલ, જેટલું મન થાય તેટલું આજે જ રડી લે. હવે રડવાના દિવસો ગયાં. જો હું સુવાવડ કરવા અહીં જ આવીશ. બાળક જન્મશે તેવું તે મારી નહીં સીધું તારી છાતીએ વળગાડીશ. વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. હવે એવી દવા પણ શોધાય ગઈ છે જેનાથી સ્ત્રીને ગર્ભ ધારણ કર્યા વિના પણ છાતીમાં દૂધ આવે. આ બાળક દુનિયામાં આવે ત્યારથી તે તારી હૂંફમાં જ મોટું થશે. ને, હા ત્રીજીવાર બાળોતિયાં બદલવાની મારી કોઈ તાકાત નથી. આ બેમાં જ હું પૂરી થઈ જાઉં છું. જો, પૂરી જાણકારી અને તૈયારી પછી જ અમે આ નિર્ણય લીધો છે. એકવાર ફરી પૂછું છું, બોલ શું એક માસી મા ન બની શકે?"
એક પણ શબ્દ બોલ્યા વિના ઋત્વા ઊભી થઈ રાશિને વળગી પડી. સાથે સાથે બધાની આંખો વરસી રહી. શાંતનુએ પણ શિવમને ભેટીને આભાર માન્યો.
✍️ *પૂર્વી પટેલ 'pk'*
