કોલાહલ
કોલાહલ
*કોલાહલ*
********
મારા મનમાં વિચારોનું ઘમાસાણ ઉઠ્યું હતું. બંધ રૂમમાં તેની પોતાની જાત સાથેની લડાઇ હતી. 'હવે હું પીછેહઠ નહિ કરી શકું. એક નિર્ણય મારે પણ લેવો પડશે.'
અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં મનમાં ઉઠેલો આ શાંત કોલાહલ કેવી રીતે શમશે? એમ વિચારતા તેની નજર તેના કાળા ભમ્મર કેશ, અણિયાળી આંખો, નમણી નાસિકા, કમળની પાંદડી જેવા હોઠ પર પડી. શરમનો આંચળો ચહેરા પર છવાયો ને પાંપણો ઢળી પડી. બે હાથો વડે તેણે તેનો ચહેરો ઢાંક્યો. ધીમે રહીને આંગળીઓની વચમાંથી તેની નજર સુરાહીદાર ગરદન પરથી નીચે ઉતરતાં કોઈને પણ ઈર્ષ્યા થઈ આવે તેવા કમરના વળાંક પર પડી. તેણે કમર પર હાથ રાખી થોડી લચકાવી. ફરી એકવાર પોતાની જ દેહ યષ્ટીને નખશિખ નિહાળી. સાથોસાથ ઈશ્વર સામે ફરિયાદ ભરી દ્રષ્ટિ કરી. આંખોમાં આંસુ તરવરી ઉઠયા. તેનું મન ફરી ગ્લાનીથી ભરાય ગયું.
ઘરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું.
'આમ રૂમમાં ભરાય રહેવાથી કશું બદલાવાનું નથી.'
'સોમેશ... હું જાણું છું તું બધું સાંભળે છે? હવે હું તને ઘરમાં તો નહિ જ રહેવા દઉં.'
'ને હા! તું પણ સંભાળ, મા તરીકે તારે બધું ધ્યાન રાખવાનું હોય. હું કમાવા જાઉં કે આ બધા પર ધ્યાન આપું? હવે મેં પાક્કો નિર્ણય કરી જ લીધો છે. એક બે દિવસમાં તેને શારદા માસીને ત્યાં રવાના કરો. એ લોકો જ નિર્ણય કરશે કે આનું શું કરવું. બસ, હવે બીજી કોઈ ચર્ચા નહિ.'
પિતાજીએ પોતાનું ફરમાન જાહેર કરી દીધું. મા પિતાજીના નિર્ણય સામે લાચાર હતી.
'શારદા માસી... ના. શારદા માસીને ત્યાં તો નહિ જ જાઉં. એક નિર્ણય પિતાજીએ લીધો, એક નિર્ણય હું લઈશ. હવે મારે પણ આ પાર કે પેલે પાર.'
તેણે મનમાં નિર્ણય લીધો, મન મક્કમ કર્યું. અઘરું હતું પણ હવે હિંમતભેર પગલું ભરવું જ પડશે. બીજા દિવસે સવારે તેનો રૂમ ખાલી હતો. તેના મનનો અને ઘરનો બંને કોલાહલ શાંત થઈ ગયાં હતાં.
✍️ *પૂર્વી પટેલ 'pk'*
