STORYMIRROR

purvi patel pk

Romance Tragedy

4  

purvi patel pk

Romance Tragedy

મોરની

મોરની

3 mins
12

*મોરની*
*******

"ઘણાં દિવસે દેખાયો ભાઈ?" 
"હા, કાકા. ઓફિસના કામથી બહારગામ ગયેલો. એક કટીંગ આપી દો."

ચાનો કપ મોઢે માંડતાં જ સોમેશ આશ્ચર્ય પામ્યો. તેણે ફરી એક ઘૂંટડો ભર્યો અને તે મનમાં લવ્યો.
'હા, એ જ સુગંધ અને એ જ સ્વાદ.' 

"વાહ, કાકા! આજે ચા મસ્ત બની છે." બોલતાં સોમેશ વિચારોમાં સરી પડ્યો. 
"તો આજે બે પીજે ને!" કહેતાં જગાકાકા હસ્યાં.
સોમેશે કોઈ જવાબ ન આપતાં જગાકાકા ફરી બોલ્યાં.
ભાઈ મારી ચામાં નશો લાગ્યો કે શું? ક્યાં ખોવાયો? ઓ ભાઈ?"
સોમેશની તંદ્રા તૂટી.
"શું, શું કહ્યું?"
"મેં નથી બનાવી. પણ, ભાવી હોય તો બીજી આપું? 
શું કહ્યું? તમે નથી બનાવી? તો, તો કોણે બનાવી?"
સોમેશની અધીરાઈ કાકાને ના સમજાય.

"શું કહું. ચાર પાંચ દિવસ પહેલાં એક ગરીબ બાઈ કામ માંગતી આવી હતી. બાપડીનો એક હાથ નથી. બિચારીને કોઈ કામ નહોતું આપતું, એટલે મેં મારે ત્યાં ચા બનાવવા માટે રાખી છે. શહેરમાં અજાણી છે. કોઈ ખોટા હાથે ચડી જાય તે કરતાં મેં અહીં રહેવા કહ્યું, તે માની ગઈ."
"ઓહ! ના, ના. તો એ ન હોય." સ્વગત બબડ્યો.
"હુંય ગરીબ, પગાર આપવો તો ના પોસાય. મારી ખોલીમાં રહે, રસોઈ બનાવી આપે. એક હાથે પણ તે સારું કામ કરી જાણે છે. એ ત્યાં ખોલીમાં રહે ને હું અહીં ટપરી પર સૂઈ જાઉં છું. રહેવાની કંઈ સગવડ થાય એટલે જતી રહેશે."

"હા, કાકા ચાનો આ સ્વાદ..."
"હા, હોં. ચા તો બહુ જ સરસ બનાવે. તેના આવ્યા બાદ તો મારી ટપરી પર ઘરાકી વધી ગઈ."
"અપંગ છે, એટલે તો એ ન જ હોય પણ, કાકા, એનું નામ શું છે?"
"શું, કોણ ન હોય? આજે શું અવઢવમાં છે?"
"શું કહું કાકા. આ ચાનો સ્વાદ અદલ મારી મોરની બનાવતી એવો જ છે. મને મારી મોરની યાદ આવી ગઈ."
"કોણ મોરની? ક્યાં છે તારી મોરની?"
"મારી મોરની તો મને એકલો મૂકી ક્યાંય ચાલી ગઈ. અમારી સગાઈ પછી અમે ઘણીવાર મળતાં. ક્યારેક એ સુરત આવતી તો ક્યારેક હું અમદાવાદ જતો. અમારી દરેક મુલાકાત ચા સાથે જ શરૂ થતી અને ચા સાથે જ પૂરી થતી. એકવાર મોરની મને મળવા અમદાવાદથી સુરત આવી રહી હતી. મહી નદી પરથી પસાર થતી વખતે ટ્રેનને અકસ્માત નડ્યો ને, મારી મોરની ક્યાંય વહી ગઈ. આજ સુધી તેનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી."
"ઓહ, બેટા ઘણું દુઃખ થયું આ સાંભળીને."

મોબાઈલમાં ફોટો બતાવતાં...
"જુઓ કાકા, આ મારી મોરની. એના હાથ પર આવું મોરનું છૂંદણું છે. એનું નામ તો મોરલી છે, પણ હું એને મોરની જ કહેતો. લોકોને આ ફોટો બતાવી બતાવીને મેં તેને ઘણી શોધી પણ..."

ત્યાં પાછળથી અવાજ આવ્યો.
"હાથ તો એ ભયાનક અકસ્માતમાં કપાય ગયેલો તો મોરની ક્યાંથી મળે સોમુ?"

સોમેશ ચમક્યો. અવાજ અને લહેકો બંને પરિચિત ને, સોમુ કહેવાવાળી પણ તો તે એક જ!

કાકા હજી કંઈ બોલે ત્યાં તો સોમેશ ઊભો થઈ લગભગ તે અવાજની દિશામાં ધસી ગયો. 
"મોરની..." સોમુ ચીસ પાડી ઊઠ્યો. 
"ઓ મોરની, તને મેં કેટલી શોધી! રાહત કેમ્પમાં લગભગ બધા હાથ પર મોરનું છૂંદણું શોધતો રહ્યો. કેટલાય દિવસો સુધી મેં હોસ્પિટલોના આંટા ફેરા કર્યા, પણ, પણ તું ક્યાંય ન મળી મોરની, તું ક્યાંય ન મળી."
કહેતાં સોમેશ મોરનીને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. 
પ્રેમી પંખીડાઓનું આવું મિલન જોઈ જગાકાકાની આંખો પણ વરસી પડી.

✍️ *પૂર્વી પટેલ 'pk'*


Rate this content
Log in

Similar gujarati story from Romance