STORYMIRROR

purvi patel pk

Romance Classics

4  

purvi patel pk

Romance Classics

પ્રેમની ટૂંકી વાર્તા

પ્રેમની ટૂંકી વાર્તા

3 mins
0

*પ્રેમની ટૂંકી વાર્તા*
**************

સવારે સૂર્યદેવના કુમળા કિરણોમાં તેનો વાન સોનેરી થઈ નિખરી રહ્યો હતો. શેમ્પૂ કરેલાં વાળમાંથી ટપકતાં અને ચહેરા પર સરકતાં પાણીના ટીપાં તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં. નત મસ્તક થઈ તાંબાના કળશમાંથી સૂર્યદેવને જળ અર્પણ કરતી શ્રીજા સાક્ષાત દેવી લાગતી હતી. ઈશ્વરે તેને ભરપૂર રૂપ આપ્યું હતું. બાળપણથી જ રૂપ રૂપનો અંબાર શ્રીજા ઘર, કુટુંબ અને આસ પાડોશમાં પણ બધાની લાડકી. શ્રીજાની મમ્મી થોડા થોડા દિવસે તેની નજર ઉતારતી. 'રખે ને મારી દીકરીને કોઈની નજર લાગી ગઈ તો!'

શ્રીજાએ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો. તેના મિત્રોમાં આકાશ વધુ અભ્યાસાર્થે વિદેશ નીકળી ગયો. કેશાની સગાઈ સુરત થઈ. શિખા પરણીને કેનેડા જતી રહી. સમીરને પોતાના શહેરમાં જ નોકરી મળી ગઈ. શ્રીજા અને સમીર એકબીજાને આંખોથી પસંદ કરતાં હતાં પણ, બંને એકબીજાને કશું કહી નહોતાં શક્યાં. કોલેજના છેલ્લાં વર્ષમાં સમીરે બધાથી છુપાઈને એક ગુલાબનું ફૂલ શ્રીજાને આપ્યું હતું. બસ, તેમના પ્રેમની આટલી જ ટૂંકી વાર્તા. જે ઊગતાંની સાથે જ આથમી પણ ગયેલી.

શ્રીજા માટે પણ સારા ઘરના માંગા આવવા લાગ્યાં હતાં. વડોદરા શહેરમાં રહેતાં અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયેલ વિશ્વાસ સાથે વાત નક્કી થઈ. લગ્નની તારીખ નક્કી થઈ. તે પછી શ્રીજા થોડી ચૂપ થઈ ગઈ હતી. તેના પિતાજીએ તેને પૂછ્યું પણ ખરું!

"શ્રી, બેટા! કોઈ મૂંઝવણ છે? તું ખુશ તો છે ને?'"
"હા પપ્પા હું ખુશ છું. એ તો..."
"હું જાણું છું. અમને છોડવાનું દુઃખ અને નવા પરિવારમાં જવાનો ડર લાગે તે સ્વાભાવિક છે. બધું સારું જ થશે. જો દીકરા આ તો આપણી સ્ત્રીઓની નીતિ છે, હમ્મ. પિયુને મળવાની તાલાવેલી પણ તો હશે ને! કેમ બોલ..." કહેતાં મમ્મીએ શ્રીજાને ગાલે મીઠી ટપલી મારી અને શ્રીજા નીચું જોઈ ગઈ. 
"જોયું, પિયુની વાત આવી તો કેવી લજવાય ગઈ. બેટા, તું ખુશ એટલે અમે પણ ખુશ. બસ, તારો સંસાર સારી રીતે મંડાય એટલે અમારે તો સાતે કોઠે દીવા." મમ્મીએ શ્રીજાને વ્હાલથી બાથ ભરી અને પપ્પા આ જોઈ મલકી રહ્યાં. શ્રીજાને કશું કહેવું તો હતું પરંતુ સંસ્કારોની સાંકળ તે તોડી શકી નહીં.

શ્રીજા વિશ્વાસ સાથે પરણીને વડોદરા આવી ગઈ. લગ્નની રાત્રે વિશ્વાસે તેને ભરપૂર પ્રેમ આપ્યો. સાથે સાથે એક વચન પણ આપ્યું કે, 'તે આજીવન તેનો અને તેનો જ થઈને રહેશે.' બંનેએ એકબીજાને સુખ અને દુઃખમાં હંમેશા સાથે રહેવાના કોલ આપ્યાં. વિશ્વાસનો પોતાનામાં કરેલ વિશ્વાસ જાણી શ્રીજા મનમાં એક કચવાટ સાથે મોડી રાત સુધી પડખાં ફેરવતી રહી.

બીજા દિવસે સવારે તે વહેલી ઉઠી. વિશ્વાસ ભર ઊંઘમાં હતો. તેણે ખૂબ જ પ્રેમથી તેના કપાળ પર ફરફરતી વાળની લટને પોતાની આંગળી વડે હળવેથી સરખી કરી. ઘરમાં હજી કોઈ ઊઠ્યું નહોતું. નાહી ધોઈને શ્રીજા ભગવાનને પગે લાગી. 
પૂજાની થાળી તૈયાર કરી નિયમ મુજબ સૂર્ય નારાયણને અર્ઘ્ય આપી તે તુલસી માતા પાસે આવી ઊભી રહી. તુલસી માતાની ક્યારીમાં તેણે એક ઊંડો ખાડો કર્યો. પૂજાની થાળીમાં મૂકેલું એક સુકું ગુલાબનું ફૂલ લીધું. તેણે તે ગુલાબને મન ભરીને જોયું પછી ખાડાની અંદર એ રીતે દબાવ્યું જાણે કોઈ ખાનગી વાત હૃદયના ભંડકિયામાં દાટી દીધી હોય. તેના પર માટી સરખી કરી પાણીનો છંટકાવ કર્યો. તેણે માતા તુલસીને જળ અને ફૂલ અર્પણ કરી, બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી.

'હે, તુલસી માતા! મેં આ સુકાયેલું ગુલાબ અને તેની સાથે જોડાયેલી યાદોને તમારી ગોદમાં હંમેશા માટે ઢબૂરી દીધી છે. તમે *સુકાયેલા ગુલાબની ફોરમ રૂપે* મારા ઘરના આંગણામાં હંમેશા હર્યા ભર્યા અને મહેકતા રહેજો.'
ખૂબ જ હળવી થઈ તેણે ઘરનો ઊંબરો ઓળંગી નવેસરથી ઘરમાં પ્રવેશ કર્યો.

✍️ *પૂર્વી પટેલ 'pk'*


Rate this content
Log in

Similar gujarati story from Romance