STORYMIRROR

purvi patel pk

Romance Tragedy Classics

4  

purvi patel pk

Romance Tragedy Classics

એક સ્ત્રી, નામે છલના

એક સ્ત્રી, નામે છલના

8 mins
2

*એક સ્ત્રી, નામે છલના*
*******************

ઝરમરી વરસાદી સાંજે મેઘા તેના પ્રિય કેફેની બારી પાસેના ટેબલ પર બેસી બહાર વરસતા વરસાદને જોવામાં મશગુલ હતી. ટેબલ પર પડેલી ડાયરી અને પેન તેના લખવાના શોખની સાક્ષી પૂરાવી રહ્યાં હતાં. હાથમાં ગરમ કોફીનો કપ, ક્લિપ લગાવ્યા હોવા છતાં કેટલીક નખરાળી વાળની લટ તેના શ્યામવર્ણી ચહેરા સાથે અટકચાળા કરી રહી હતી. મંદ મંદ સ્મિત સાથે તે લટને વળી વળીને કાન પાછળ કરવાના નિરર્થક પ્રયત્નો કરી રહી હતી. અચાનક તેને થયું કે કોઈક તેને જોઈ રહ્યું છે. એક બે વાર કેફેમાં નજર કરી પરંતુ કંઇ એવું લાગ્યું નહીં. તે ફરી વરસાદ જોતાં જોતાં કોફીમય થઈ ગઈ. 

મેઘાની છઠ્ઠી ઇન્દ્રિયનો સંકેત સાચો હતો. કેફેના બીજા ખૂણે બેસીને બે આંખો તેને ચોરી છૂપીથી જોઈ રહી હતી. આછા ભૂરા રંગનો કુર્તો અને સફેદ સલવાર પહેરેલ એક ગૌર વર્ણ યુવાનની નજર વારંવાર મેઘા તરફ જઈ રહી હતી. ખુરશી પર ટીંગાડેલો કાપડનો બગલથેલો અને તેની વેશભૂષા લેખક કવિઓને મળતી આવતી હતી. તેનું નામ મલ્હાર હતું. હા, તે પણ એક ઉભરતો સાહિત્યકાર હતો. ગુલાબી રંગની શિફોનની સાડી અને સ્લીવ લેસ બ્લાઉઝ, મેઘાના શ્યામ છતાં નકશીદાર ચહેરા પર કોઈની પણ નજર અટકે તે સ્વાભાવિક હતું. મલ્હારે ફરી મેઘા તરફ નજર કરી, બરાબર એ જ સમયે મેઘાએ પણ તે તરફ જોયું અને બંનેની નજર એક થતાંં મલ્હાર નીચું જોઈ ગયો. મેઘાને સમજતાં વાર ન લાગી કે, તે યુવાન તેને જોઈ જ રહ્યો છે. ફરી એકવાર બંનેની નજર એક થઈ. મેઘાને ગુસ્સો આવ્યો. તેણે તે યુવાન તરફ અણગમો બતાવી પોતાની ખુરશી રોડ તરફ ફેરવી લીધી.

"માફ કરજો, હું તમને ઓળખું છું!"
મેઘા પાછળ ફરી. જોયું તો પેલો જ યુવાન હતો.
"ઓ મિસ્ટર, તમે ક્યારના મને જુઓ છો. મારું બધું ધ્યાન છે. ને હા, આ વાક્ય ઘણું જૂનું થઈ ગયું છે. ફ્લર્ટ કરવા માટે કોઈ બીજું ટેબલ જોઈ લો."
મલ્હાર હસી પડ્યો. આ જોઈ મેઘાને વધુ ગુસ્સો આવ્યો. તેણે અકળાતાં ચહેરે મેનેજરને બોલાવવા કાઉન્ટર તરફ જોયું ત્યાં તરત જ મલ્હારે તેને અટકાવી.
"અરે, અરે! થોભો જરા. મારી વાત પૂરી સાંભળી તો લો. તમે મેઘા છો ને? પ્રીતના ઉપનામથી લખો છો. રાઇટ?"
"ઓહો, મિસ્ટર સારો એવો અભ્યાસ કરીને આવ્યા છો. પણ એમ હું તમારી વાતમાં.."
"જો પાછા. પૂરી વાત સાંભળો. હું કોઈ રોડ સાઇડ રોમિયો નથી. હું પણ એક લેખક જ છું."
"ઓહ!"
"હા. હું મલ્હાર પરિહાર. પ્રેમના ઉપનામથી લખું છું. આપણે ત્વમેવ સખા ગૃપમાં સાથે છીએ. તમને ધ્યાન નથી પણ હું તમારી બધી રચનાઓ વાચું છું. તમે ખરેખર એક ઉમદા લેખક છો."
"ઓહ હા, હવે ખ્યાલ આવ્યો. એક વાર તો આપણી રચના વચ્ચે ટાઇ થઈ હતી. ચર્ચા વિચારણા પછી બંનેને પ્રથમ નંબર આપ્યો હતો. તમે એ જ મલ્હાર..."
"જી, મેઘાજી. હું એ જ મલ્હાર."
"માફ કરજો. મેં ઓળખ્યા નહીં એટલે. મિસ્ટર મલ્હાર તમે..."
" બસ, બસ. બધું પછી. ક્યારનો ઊભો છું. આપની અનુમતિ હોય તો બેસીને વાત કરીએ?"
"જી, જી. પ્લીઝ બેસો. પહેલાં એ કહો તમે શું લેશો? ચા, કોફી કે.."
"હમ્મ... હું મસ્ત આદુ મસાલાવાળી ચા લઈશ."
"વેઇટર, પ્લીઝ એક આદુ મસાલાવાળી ચા. જરા જલ્દી." 
બંને સામસામેની ખુરશીઓ પર ગોઠવાયા. થોડી જ વારમાં એટલી બધી વાતો કરી કે, જાણે એકબીજાને વર્ષોથી જાણતાં હોય. ગરમ ચાની ગરમાહટ અને વરસાદી વાતાવરણની ભીનાશ એકસાથે અનુભવાય રહી હતી. પછી તો બંનેની મુલાકાતો વધતી ગઈ. કેફે, ચા અને ચર્ચા. ત્વમેવ સખા ગૃપમાં અપાતાં દરેક ટાસ્કની તેઓ ચર્ચા કરતાં. ગ્રુપમાં પણ બંને છવાઈ ગયા. પહેલો અને બીજો નંબર મોટાભાગે એ લોકોનો જ હોય. બંનેના સરખા શોખ અને આદતોએ તેમને એકબીજાની ખૂબ નજીક લાવી દીધા. બંને પાક્કા મિત્રો બની ગયાં. ધીમે ધીમે મલ્હારની લાગણીઓ મેઘા પ્રત્યે વધવા લાગી. મલ્હાર હવે મેઘાને મેઘ કહેતો થઈ ગયો. મલ્હાર સતત પ્રયત્ન કરતો કે મેઘા તેની લાગણીઓને સમજે, તેના પ્રેમને સમજે. મલ્હાર તેની વાર્તાઓ દ્વારા પણ મેઘા પ્રત્યેના પ્રેમને આલેખતો રહેતો કે કદાચ મેઘા તેનો ઈશારો સમજી શકે. બીજી તરફ મેઘા આ બધાથી પરે પોતાની જાતને ઊંચાઈ પર રાખવાના પ્રયત્નોમાં રચી પચી રહેતી. કદાચ તે જાણવા છતાં અજાણ બનતી હતી. 

દિવસો વીતતા ગયાં. ત્વમેવ સખા ગ્રુપ એક અનોખી સ્પર્ધા લઈ આવ્યું. કોઈ એક અનોખા વિષય પર લખવાનું હતું. વિજેતા રચનાને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવનાર હતી. મેઘા અને મલ્હાર બંનેના મગજમાં વિચારોના ઘોડા દોડવા લાગ્યા. મલ્હાર હંમેશની જેમ જ મેઘા સાથે વર્તતો રહ્યો પરંતુ મેઘાના સ્વભાવમાં થોડો ફેરફાર દેખાવા લાગ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે જવાની લાલસાએ તેની અંદરના સ્વાર્થને જગાડી દીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે જવાની વાત તેના માટે વધુ મહત્વની હતી. મલ્હારે તેને એક બે વાર ટકોર પણ કરી કે, તું કેમ અલગ વર્તન કરે છે? તને કોઈ સમસ્યા હોય તો જણાવ આપણે રસ્તો કાઢીશું.' 
મેઘાએ ધીમે ધીમે કેફેમાં જવાનું ઓછું કરી નાંખ્યું. તે કોઈને કોઈ બહાનું બતાવી મલ્હારને મળવાનું ટાળવા લાગી. તેના મગજ પર સ્પર્ધા જીતવાની ધૂન સવાર થઈ ગઈ. 

આખો વખત લખ લખ કરે, ન ગમે કે ન સમજાય એટલે કાગળના ડૂચા કરી ગુસ્સામાં આમતેમ ફેંકે. 
અડધી રાત્રે ઉઠીને લખવા બેસે, જમતાં જમતાં ઊભી થઈ જાય અને લખવા બેસી જાય. તેના મમ્મી પપ્પાએ તેને ચેતવી પણ ખરી. 
"બેટા, આવું તે ગાંડપણ હોય! આમ તો તું ગાંડી થઈ જશે."
"અરે, તમે લોકો તમારી જૂનવાણી દુનિયામાં રહો. આ બધું તમને ન સમજાય." 
કહી રૂમનો દરવાજો બંધ કરી દેતી. તેના ગુસ્સા સામે તેના માતાપિતા પણ પાછળ ખસી જતાં. એકવાર મલ્હાર તેને મળવા ઘરે આવ્યો. મેઘાએ ખૂબ જ ખરાબ રીતે તેને ધુત્કારી કાઢ્યો. 
"જો, મલ્હાર. મારે હાલ સ્પર્ધા પર ધ્યાન આપવું છે. મને બીજી કોઈ પણ પ્રવૃત્તિ કે બીજા કોઈ સંબંધમાં પણ રસ નથી. હું નથી ઇચ્છતી કે કોઈ મારું ધ્યાન બીજે દોરી પોતાનો સ્વાર્થ સાધી લે. મારે આ સ્પર્ધા જીતવી છે અને હું જીતીને જ રહીશ."
આમ અચાનક મેઘા આટલી બધી બદલાય જશે તેવી તેને આશા જ નહોતી. તેના મમ્મી સાથે વાત કરતાં ખબર પડી કે, મેઘા પહેલેથી જ મૂડી છે. મહત્વ આપો ત્યાં સુધી ખુશ પણ, જો તેનું મહત્વ ઓછું થાય કે તેનો ગુસ્સો સાતમા આસમાને. મલ્હાર તો બેઘડી આભો જ બની ગયો. ક્યાં તેની મેઘ અને ક્યાં આ મેઘા!? નિરાશ વદને તે ત્યાંથી જતો રહ્યો. 

અંતિમ દિવસે મેઘાએ વાર્તા લખી મૂકી દીધી. માથા પરથી જાણે એક મોટો ભાર ઊતર્યો હોય તેમ હાશ થઈ. અચાનક તેને મલ્હારનો વિચાર આવ્યો. તેણે મલ્હારને ફોન લગાવ્યો.
મલ્હારે ફોનમાં મેઘાનું નામ જોયું. એક હાસ્ય સાથે તેણે ફોન સાઈલન્ટ પર મૂકી દીધો. સાંજ સુધીમાં મેઘના પાંચથી છ કોલ આવ્યા પણ મલ્હારે ફોન ન ઊંચક્યો. મેઘા અકળાઈ ગઈ. તે ઘૂંઘવાઈ ગઈ. આમ કોઈ તેને ઇગ્નોર કેવી રીતે કરી શકે? આખરે તે મલ્હારના ઘરે પહોંચી ગઈ. ઘરે તાળું હતું. પાડોશીને પૂછતાં ખબર પડી કે, મલ્હારના પિતાને લકવાની અસર થઈ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મેઘા ત્યાંથી નીકળી હોસ્પિટલ પહોંચી. મળવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી વોચમેને તેને બીજા દિવસે આવવા કહ્યું. 
બીજા દિવસે મેઘા હોસ્પિટલ પહોંચી. નીચે કમ્પાઉન્ડમાં જ મલ્હાર મળી ગયો.
"અરે મલ્હાર, અંકલને આટલું બધું થઈ ગયું તું મને જણાવતો પણ નથી, અરે મેં તને કેટલા ફોન કર્યા તું મારો ફોન પણ ઉઠાવતો નથી. એક ફ્રેન્ડ તરીકે..."
"ઓહ વાહ, ફ્રેન્ડ? તું કયા મોઢે પોતાને મારી ફ્રેન્ડ ગણાવે છે? મને તો તું સ્વાર્થી માને છે ને? હું તો તારું ધ્યાન બીજે દોરીને મારો સ્વાર્થ..."

"અરે! તું તો જાણે છે ને હું ગુસ્સામાં કંઇ પણ બોલી જાઉં. છોડ એ બધું. માફ કરી દે. પહેલાં એ તો કહે તે સ્પર્ધામાં વાર્તા મોકલી..."
"સ્પર્ધા... હા, તારે મારી કે મારા પિતાની હાલત વિશે નથી જાણવું, તારે તો એ જાણવું છે કે મેં સ્પર્ધામાં ભાગ લીધો કે નહીં? કારણકે, તારો સૌથી મોટો પ્રતિસ્પર્ધી તો હું જ ને! વાહ, મેઘા વાહ. તું તો જબરી સ્વાર્થી નીકળી. તેં તો કેફેમાં આવવાનું, મને મળવાનું બંધ કર્યું. હું ખૂબ દુઃખી થયો પણ, કહે છે ને, ઈશ્વર જે કરે તે સારા માટે જ કરે. તારી ગેરહાજરીએ મને તારી સચ્ચાઈથી વાકેફ કરાવ્યો, તારા કુરૂપથી પરિચિત કરાવ્યો."
"મલ્હાઆઆઆર... સ્ટોપ ઇટ. તું કહેવા શું માંગે છે? તું મારા પર આ રીતે કીચડ ના ઊછાળી.."
"રહેવા દે મેઘા. અવાજ ઊંચો કરવાથી સત્ય છુપાતું નથી. મને બધી ખબર પડી ગઈ છે, તારી ચંચળતાએ કેટલાના શિકાર કર્યા છે. રોશન, આકાશ, ક્ષિતિજ અને હું પણ એમાંનો એક! 
તું ચાલી જા અહીંથી પ્લીઝ. સ્ત્રીનું આવું વરવું સ્વરૂપ.. છટ્!"
મેઘા પાસે બોલવા માટે કશું હતું નહીં. તે સાવ ઉઘાડી પડી ગઈ છતાં તેના ચહેરા પણ તેનો અહમ્ બોલી રહ્યો હતો.
"મલ્હાર, તું પસ્તાશે, મારી ઓળખ હવે આસમાન આંબશે. ત્યારે તું મારી દોસ્તી માટે તરસી જશે પણ યાદ રાખજે આજનું અપમાન હું ક્યારેય નહીં ભૂલું."
અભિમાનભરી વર્તણૂક સાથે મેઘા ત્યાંથી નીકળી ગઈ. મેઘાના આ વર્તને પોતે સાચો જ નિર્ણય લીધો છે એમ થતાં મલ્હાર પોતાને હળવો અનુભવી રહ્યો. મલ્હાર પૂરા મનથી પિતાની સેવામાં લાગી રહ્યો. ઘર પરિવારની જવાબદારી નિભાવવામાં તે એવો તો ડૂબી ગયો કે તેને પેલી અનોખી સ્પર્ધાનું પરિણામ ક્યારે છે તે યાદ જ ન રહ્યું. પિતાજીને ઘરે લાવ્યા બાદ તેમની જવાબદારી અને હૃદયભંગની સ્થિતિએ તેની કલમને અટકાવી દીધી હતી. લગભગ પંદર દિવસ બાદ એક સવારે મલ્હાર છાપું વાંચતો હતો. એવામાં ફોન રણક્યો.
"હેલો, મલ્હાર પરિહાર સાથે વાત થઈ શકશે?"
જી, હું મલ્હાર બોલું છું. આપ કોણ?"
"મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ, મિસ્ટર મલ્હાર. હું ત્વમેવ સખા ગ્રૂપમાંથી અનિરુદ્ધ. અનોખી સ્પર્ધામાં તમારી રચના પ્રથમ વિજેતા જાહેર થઈ છે."
શું વાત કરો છો? સાચ્ચે? હું તો.."
"અરે તમે કેટલા સમયથી ગ્રુપમાં એક્ટિવ નથી. આજે પણ પરિણામ જાહેર થયા બાદ ગ્રુપમાં અભિનંદનોનો વરસાદ થઈ રહ્યો છે અને તમે ગાયબ છો. લાસ્ટ સીન જોતાં સમજાયું કે કોઈ કારણસર તમે ગ્રુપમાં લગભગ વીસેક દિવસથી ઓન લાઇન થયા જ નથી. મારે પોતે વ્યક્તિગત રીતે અને એડમિન તરીકે પણ અભિનંદન આપવા હતાં એટલે જ મેં તમને ફોન કર્યો. એનિવેઝ ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. એક બે દિવસમાં તમારી આ રચના તમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવશે. જસ્ટ વેઇટ એન્ડ વોચ."

મલ્હાર તો જાણે સાપ સૂંઘી ગયો હોય તેમ સુન્ન થઈ બધું સાંભળી રહ્યો. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો. તેના હાથ પગ ખુશીના માર્યા થીરકી રહ્યાં. તેણે ખૂબ જ ઝડપથી મોબાઈલ ઉઠાવી વોટ્સએપ ખોલ્યું. ત્વમેવ સખા ગૃપમાં એકસો બ્યાસી મેસેજીસ... હજી બીજા આવ્યા જ કરતાં હતાં. મલ્હાર સોફામાં બેસી પડ્યો. તે ખુશીનો માર્યો રડી પડ્યો. થોડી વારે તેણે મોઢું ધોઈ, સ્વસ્થ થઈ તેના માતા પિતાને આ ખુશીના સમાચાર આપ્યાં. ઘણાં સમય બાદ ઘરમાં ખુશીનું વાતાવરણ સર્જાયું.
તેના મોબાઈલમાં પણ અભિનંદન આપવા માટે ફોન આવવા લાગ્યાં. તેમાં મેઘાનું નામ પણ વારંવાર દેખાયા કર્યું. મલ્હારનું મન ભૂતકાળની યાદોથી કડવું થઈ ગયું. તેણે મેઘાનો ફોન ન ઊંચક્યો. આઠ-નવ મિસ કોલ બાદ મલ્હારે તેનો કોલ રિસીવ કર્યો.
"હેલો, મલ્હાર. પ્લીઝ કોલ કટ ન કરતો. હું જાણું છું મેં ઘણી મોટી ભૂલ કરી છે. પણ તને અભિનંદન તો આપી શકું ને! આખરે આપણે બેસ્ટ ફ્રેન્ડ, કદાચ તું મને માફ..."
"મિસ મેઘા, અભિનંદન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું ભૂલોને રીપીટ કરવામાં માનતો નથી. હું મારી ભૂલોમાંથી શીખીને આગળ વધનારો વ્યક્તિ છું. ને, હા. મારી રચના વિજેતા થઈ તે માટે તમારો આભાર. તમારા કારણે જ હું આ રચના લખી શક્યો. એ તો તમે નામ વાંચીને જ સમજી ગયાં હશો ને! આમ તો તમે ઘણાં ચાલાક છો."
"નામ, નામ તો.."
"જોયું એટલી પણ પરવા નથી કરી. બસ, જાણ્યું કે હું વિજેતા છું, તો થયું કે ચાલો, ફરી સ્ત્રીયાચરિત્ર બતાવી મલ્હારને હાંસિલ કરી લઉં, ખરું ને! થોડી તો શરમ કર મેઘા. કર્મોનો હિસાબ બધાએ ચૂકવવો પડે છે." મલ્હારે ફોન મૂકી દીધો.
મેઘાએ ગ્રુપમાં જોયું તો મલ્હારની રચનાનું નામ હતું... *એક સ્ત્રી નામે છલના*  

મલ્હાર તરફથી સંબંધમાં પૂર્ણવિરામ મુકાયા બાદ મેઘાને સમજાયું કે, તે પોતે પણ અંદરખાને મલ્હારને પ્રેમ કરવા લાગી હતી. તેણે ફરી મલ્હારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના બધા પ્રયાસ વ્યર્થ ગયા. મલ્હારે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. મેઘા માટે હવે પસ્તાવા સિવાય કોઈ રસ્તો રહ્યો નહોતો. 

✍️ *પૂર્વી પટેલ 'pk'*


Rate this content
Log in

Similar gujarati story from Romance