સફેદ કાગડા
સફેદ કાગડા
*સફેદ કાગડા*
************
"જો મમ્મી, તું મારી વાત સાંભળ. તને ખબર છે, ત્યાં મારે કેટલું મન મારવું પડે છે. હું કંટાળી જાઉં એટલે અહીં આવું કે, મારું મન હલકુ થાય. તારી સાથે બેસું એટલે નિરાંત લાગે. કામનો કોઈ ભાર નહીં બસ, થોડો શરીર અને મન બંનેને આરામ."
"હા, મારી મીઠુડી. શાંત થા. બોલ ને એવું તે શું કરે છે એ લોકો કે તું આટલી અકળાય જાય છે?"
"શું કહું મમ્મી. સાસુજીને તો બસ સોફે બેસી ઓર્ડર જ કરવાના હોય. જીયા આ લાવ, જીયા પેલું લાવ, રસોઈ થઈ ગઈ કે નઈ? અરે! હજી બે મિનિટ બેસું ત્યાં તો..."
વચમાં જ કામિનીબેને તેમની વહુને બૂમ પાડી કહ્યું.
"રુચિ, બેટા જરા જીયા માટે પાણી લાવ ને! હા, તું બોલ બેટા."
"જરાય જપવા ન દે. હજી બેસું ન બેસું ત્યાં ફરી કોઈ કામ ચીંધી જ દે." જીયાએ આંસુડા વહાવ્યાં.
"લો, બેન, પાણી પી લ્યો." રુચિએ પાણીનું પવાલું જીયા તરફ તરફ ધર્યું.
"કેમ છો, ભાભી. તમારે સારું છે. મારી મમ્મી જેવી સાસુ ક્યાંય ન મળે. જુઓને મારી સાસુ.." કહેતાં તેણે મોં મચકોડ્યું. રુચિ સામેના સોફા પર બેઠી.
"રુચિ બેટા, બધું પરવારી ગઈ?"
"હા, મમ્મી."
"બેટા તો હવે થોડો આરામ કરી લે."
"જોયું, ભાભી, મારી મમ્મી તમારું કેટલું ધ્યાન રાખે છે. ને, ત્યાં મારી સાસુ મને ઊભા પગે નચવે છે."
રુચિ પોતાના રૂમમાં જવા ઉભી થઈ.
સવારથી એક પગે ઘરનું બધું કામ કરી થાકેલી રુચિએ રૂમમાં જઈ હજી જરા કમર સીધી જ કરી ત્યાં ફરી...
"રુચિ..."
સાસુજીની બૂમ પાડી.
"હા, મમ્મી આવી." કહેતાં પરાણે રુચિ બહાર ગઈ.
"બોલો મમ્મી, શું કહો છો?"
"અરે વહુ બેટા, હું કહેતાં ભૂલી ગઈ. સાંજના માટે થોડી મગની દાળ પલાળી દે. જિયાને મગની દાળની પકોડી બહુ ભાવે છે."
રુચિ રસોડા તરફ જતી હતી ત્યાં સાસુજી ફરી બોલ્યાં.
"રુચિ બેટા, રસોડામાં જાય છે તો બે કપ ચા મૂકી દે ને! રડી રડીને જીયાનું માથું ચડ્યું છે."
"હા મમ્મી, હમણાં મૂકી દઉં."
ચા ઉકળતી હતી. મા દીકરી વચ્ચેનો સંવાદ રુચિના કાને પડતો રહ્યો.
"મમ્મી તું તો બેટા બેટા કરતાં થાકતી નથી. ને એક મારી સાસુ.."
"ચાલ જવા દે એ બધું. તારે જમાઈને બધું કહી દેવાનું. એ કશું બોલતાં નથી?"
"ના, મમ્મી એ નથી બોલતો એટલે તો, એ પણ સાવ માવડીયો છે."
"જો હવે હું કહું તેમ જ કરજે. બધા સીધા થઈ જશે."
પછી કામિનીબેને ધીમા અવાજે જીયા સાથે વાતો કરી. ચા લઈને બહાર આવેલી રુચિએ જોયું કે, કામિનીબેનની કાન ભંભેરણી પછી જીયાના ચહેરા પણ એક ખુમારી આવી ગઈ હતી.
"લો, બેન ચા પી લો. સારું લાગશે."
"ભાભી, તમારા હાથની પંજાબી સબ્જી ખાવાનું મન છે. પ્લીઝ આજે બનાવો ને! આવતીકાલે તો હું જતી રહીશ."
"હા, બેન. જરૂર બનાવીશ."
રુચિ બેટા, બધી તૈયારી વહેલી કરી લેજે એટલે રસોઈ પણ ઝડપથી થઈ જાય. સાંજે સાગર આવે ત્યારે બધા સાથે બેસી શકીએ. નહીંતર તું રસોડામાં જ બીઝી રહેશે. ને, સાગરને એમ ન થાય કે હું તારી પાસે કામ જ કરાવ્યા કરું છું. પરિવારમાં બધાએ દરરોજ થોડો સમય સાથે જ વિતાવવો જેથી પ્રેમ ભાવ બની રહે."
કહેતાં કામિનીબેન જરા મલક્યાં.
"ઓ મમ્મી, તું કેટલું વિચારે છે. કાશ, મને તારા જેવી સાસુ મળી હોત."
રુચિ ચાના કપ ઉઠાવી ફરી રસોડામાં કામે વળગી ગઈ. આજની બપોર તો ગઈ. સવાર સાંજના કામ તો આમ પણ મોઢું તાકતાં જાણે તેને જ જોતાં હોય. દરરોજ રાત્રે જમ્યા પછી બધા સાથે બેસતાં. એક વણલખ્યો નિયમ જ સમજો. ક્યાંય બહાર જવાનું કે બહાર ખાવાનું મન હોય તો તે માટે ચાર વાર ના થાય પછી કોઈ વાર હા થતી.
'બેટા, બહુ બહારનું ખાવાનું નહીં. તબિયત બગડે. સમાજમાં આપણું ઘર સંસ્કારી ઘર કહેવાય, મોડી રાતે બહાર હોવું સારું ન કહેવાય, બહુ ઉજાગરા પણ કરવાના નહીં, આપણને તો બપોરે આરામ મળે પણ મારા સાગરને તો આખા દિવસની નોકરી બિચારો થાકી ગયો હોય ને!' આવા કેટલાંય કારણો રુચિની ઇચ્છાઓને ખૂબ કોમળતાથી ડાબી દેવા માટે પૂરતાં હતાં.
તેમાં વળી સાગર ખુશ થઇને કહેતો, "જોયું મમ્મી પપ્પા આપણી કેટલી કાળજી રાખે છે. એમનાથી વિશેષ આપણું ભલું તો કોણ ઈચ્છે."
રુચિ મન વાળી લેતી. પિયર બીજા શહેરમાં હતું એટલે મન હલકું કરવા ત્યાં પણ ન જવાય.
બીજા દિવસે કામિનીબેન અને દશરથભાઈ મંદિરે દર્શન કરવા ગયાં. સાગર ઓફિસે જવા નીકળી ગયો. જીયાને બે વાર ચા પીવાની ટેવ હતી. રુચિએ ફરી થોડી ચા મૂકી.
"બેન, તમે કાલના આવ્યા છો પણ, આપણને બેસવાનો સમય જ ન મળ્યો."
રુચિ પોતે પણ નહોતી જાણતી કે તે જીયાની પરિસ્થિતિ પર કશું કહેશે કે પોતાની સ્થિતિ વિશે કશું કહેશે.
"હા, ભાભી. સાચી વાત. જુઓ ને તમે સાંભળ્યું ને, મારા સાસુની વાત. હું તો ત્યાં એડજેસ્ટ જ નથી થઈ શકતી. તમને તો કેવું મારી મમ્મી બેટા બેટા કરે ને કેવું સાચવે."
"બેન, એક વાત કહું. તમે ગઈકાલથી આજ સુધી જોયું. મેં ક્યારે ને કેટલો આરામ કર્યો? મેં તમારા ભાઈ સાથે કેટલી વાતો કરી? હું શાંતિથી પગવાળીને કેટલીવાર બેસી શકી? "
જીયા વિચારમાં પડી.
"બેન, સાસરું તો સાસરું જ હોય. આપણે ત્યાંની રીતે ઢળાવું પડે. બાકી..."
"ના, ભાભી. મારા સાસરે તો... છોડો એ વાત પણ અહીં તમેને તો મમ્મી તમને હાથમાં રાખે. બેટા બેટા કરે."
"બેન, ફરિયાદ નથી કરતી પણ એક વાત સમજો. કેટલાંક લોકોનો સ્વભાવ ઉંદર જેવો હોય. ફૂંક મારીને કરડે. કાળજી રાખવાની આડમાં ઘરમાં જ જાણે નજરકેદ. દીકરો માતાના એટલા કહ્યામાં કે, પત્નીની ઇચ્છાઓ વાત હંમેશા બીજા પાટલે જ હોય. આ વાત જો તમને સમજાય તો... બાકી *કાગડા તો બધે જ કાળા હોય!* હા, આ એવા *સફેદ કાગડા* કહેવાય કે, જેમની કાળાશ તેમની અંદર હોય બહાર કોઈને દેખાય નહીં. જે દેખીતું હોય તેનો તો વિરોધ કરી શકાય પણ, આ પરદા પાછળના નગ્ન સત્યનો વિરોધ કેમ કરીને કરવો! જીભ ઉપર સાકર મૂકીને કરાતાં આચરણનો પ્રત્યાઘાત હૃદયમાં ઊંડે સુધી અનુભવાય છે."
રુચિ ચાના કપ લઈ રસોડામાં કામે વળગી. જીયા વિચારતી થઈ ગઈ.
✍️ *પૂર્વી પટેલ 'pk'*
