STORYMIRROR

purvi patel pk

Tragedy Inspirational

3  

purvi patel pk

Tragedy Inspirational

*રાવણ દહન*

*રાવણ દહન*

3 mins
19

*રાવણ દહન*

**********


ધાર્મિકવૃત્તિની જમનાને એક જ દીકરો. દીકરાનું નામ રામ. દીકરાને આસપાસના દૂષણો ન લાગે તેવા તમામ પ્રયત્નો છતાં સંગ તેવો રંગ. દીકરો મોટો થતાં સુધીમાં રખડેલ અને આવારા બની ગયેલો. જમનાનો પતિ દારુડિયો હતો. તે પતિ અને પુત્ર બંને માટે સતત ચિંતિત રહેતી. તે દીકરાને ઘણી વાર રામ-રાવણના યુદ્ધની વાતો કરી સમજાવવાનો પ્રયત્ન કરતી કે અંતમાં બુરાઈની જ હાર થાય. દીકરો આંખ આડા કાન કરી જતો. દિવસે દિવસે દીકરાના કુકર્મો છાપરે ચડી પોકારી રહ્યાં હતાં. જમના શરમની મારી ચાલીમાં પણ કોઈને મોં દેખાડી શકતી નહોતી.

        

નવરાત્રિના દિવસોમાં જમના ગરબા ગાવા જતી. ચાલીની બીજી સ્ત્રીઓના વાક્બાણ તેના હૈયાને વીંધી જતા. આઠમના દિવસે તેણે પોતાની ઓરડીમાં પાછા જઈ માતાજીની આરાધના કરવાનું ધાર્યું. દાદર ચઢતાં કોઈનો દબાતો, ગૂંગળાતો, ચીસભર્યો અવાજ સંભળાયો. લાઉડસ્પીકરના મોટા અવાજને કારણે તેણે બીજા માળે ઊભા રહી કાન સરવા કર્યા. ખૂણાની ઓરડીમાંથી અવાજ આવતો હોય તેવું તેને લાગ્યું. ઓરડીનો દરવાજો અધખુલ્લો હતો. અંદરનું દૃશ્ય જોતાં જ તે હેબતાઈ ગઈ. તેનો જ દીકરો કોઈની દીકરીની આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યો હતો. જમનાના પગ જાણે ત્યાં જ જમીનમાં ખોડાય ગયા. હજી તે કંઈ સમજે, કરે એ પહેલાં જ જાણે જંગ જીત્યો હોય તેમ તેનો દીકરો ઓરડીમાંથી બહાર નીકળ્યો. જમનાને ઉભેલી જોઈ શરમ અનુભવવાને બદલે તેને ધમકાવતો ગયો. જમનાએ પેલી છોકરીને પાસે પડેલું કપડું ઓઢાડ્યું, તરત તે પોતાની ઓરડીમાં પહોંચી દરવાજો બંધ કરીને જમીન પર ફસડાઈ પડી. દીકરાની કરતૂત તેના આત્મા પર વજ્રઘાત કરી ગઈ. 

        

એ રાત્રે દીકરો ઘેર નહોતો આવ્યો. જમના સુન્ન પડી ગઈ હતી. 'મારા પેટ રાવણ પાક્યો?'... મારા એવા તે ક્યાં કર્મોની આ સજા!... હે મા! તારું ધાર્યું તું જ જાણે...' પોતાના મન સાથે મંથન કરતી જમના ચોધાર આંસુએ રડતાં રડતાં ખાટલાની કોરે જ બેસૂધ થઈ બેસી રહી. દીકરાનો કોઈ પત્તો નહોતો. આજે દશેરા નિમિત્તે રાવણદહનનો કાર્યક્રમ હતો. રાવણદહનના સમયે અચાનક દીકરો પ્રગટ થયો. નામ રામ હોવાથી રાવણને તે બાળવાનો હતો. જમના મનોમન પ્રાર્થી રહી, "હે, મા! આ તે કેવું? એક રાવણ બીજા રાવણનો સંહાર કરશે! તારી નજરો સામે થતાં આવા અન્યાયને કેમ કરતાં ચલાવી રહી છે? હે, મા! હે, જગતજનની, આ નિર્દોષ દીકરીને મારા દોષી દીકરાના કર્મોની સજા ભોગવવી પડે તો, આપણી માતૃશક્તિને ફટ છે." મનમાં પ્રાર્થના કરતાં અચાનક જમના ભીડમાં બરાબર તેના દીકરાની પાછળ આવીને ઉભી રહી. દીકરાએ રાવણ જેવું જ હસી બાણ છોડયું. રાવણની અંદરના ફટાકડા ફૂટવા લાગ્યાં. લોકો આમતેમ થવા લાગ્યા. સહસા દૈવત્વ અનુભવ્યું હોય તેમ પૂતળું ધરાશાયી થવાના આરે જ હતું, ત્યાં ધક્કામુક્કીમાં તકનો લાભ લઇ જમનાએ એક જ ઝાટકે દીકરાને પૂતળા તરફ ધકેલી દીધો. અચાનક લાગેલા ધક્કાથી સંતુલન ન રહેતાં તે જમીન પર પડ્યો. રાવણનું પૂતળું એના પર પડ્યું ને, બંને રાવણ એકસાથે ભડભડ બળવા લાગ્યાં. અફરાતફરીમાં કોઈને કંઈ ખબર ન પડી. જમનાએ ચાલીના બીજા મજલે થાંભલાની આડસે ઊભેલી પેલી દીકરીની સામે જોઈ હાથ જોડયા.

જમનાના મોં પર સંતોષનો ભાવ હતો કે, પોતે દીકરામાં 'રામ' ન જગાડી શકી પણ તેણે રાવણનું દહન કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો.


 ✍️ *પૂર્વી પટેલ 'pk'*



Rate this content
Log in

Similar gujarati story from Tragedy