કર્મ
કર્મ
*કર્મ*
કર્મ... કર્મનું ફળ તો દરેકે ભોગવવું જ પડે એવું દૃઢપણે માનતી કાવેરી પોતાના જીવનની વિડંબણાઓને સહજતાથી સ્વીકારી લઈ જીવન જીવતી હતી. બાળપણ પિતાની છત્રછાયા વિના વિત્યું. જવાબદારીઓ સામે માતાની બાળકો પ્રત્યેની લાગણી મોટાભાગે હારી જતી, જે સ્વાભાવિક હતું. પોતે પોતાનો ભાર જાતે જ ઉપાડી માતાને સાથ આપવાનો છે... મનથી બધી પરિસ્થિતિઓનો સ્વીકાર જ તેની જિંદગીને સરળ બનાવી દેતો. સમજણ આવી ત્યારથી બાના મોઢે ગીતાના પાઠ સાંભળતી તેથી કર્મબોધ જાણે કાવેરીની ગળથૂથીમાં હતો.
નવરાશની પળોમાં તે ભવિષ્યના સપનાઓ ગૂંથતી. ડાયરીના પાને મનસૂબાઓ ટાંકતી. સખીઓ હતી, પરંતુ આત્મીયતા કોઈ સાથે નહોતી. એકબીજા સાથે વહેંચવા માટે મીઠાશ પણ તો હોવી જોઈએ. કાવેરી પાસે માત્ર જીવનનો તુરો સ્વાદ હતો જે કોઈને પસંદ નહોતો.
લગ્ન પછી પતિ બધી રીતે સાચવતો, રાખતો અને તેની ઇચ્છાઓ પણ પૂરી કરતો. બધાની નજરમાં 'છોડીના ભાયગમાં સુખની સુરજ ઊગ્યાંનો' સંતોષ દેખાતો. પણ સુખના સિક્કાની બીજી બાજુ કાળી હોય છે. કમનસીબીનો ઓછાયો હજી પીછો છોડતો નહોતો. નપુંસક પતિની નબળાઈ સમાજથી છુપાવવા માટે પોતે વાંઝિયણની કાળી ટીલી સ્વીકારી. પરિસ્થિતિનો સહજ સ્વીકાર તેનો સ્વભાવ હતો એટલે તે પોતાના નસીબથી ખુશ હતી. 'હશે, કોઈ ગયા ભવનું ખોટું કર્મ, ભોગવ્યે જ છુટકો! હે, પ્રભુ! આ જન્મે બધું પૂરું કરાવી તારી શરણમાં લેજે.' દરરોજ આ એક પ્રાર્થના તે અચૂક કરી લેતી.
કાવેરી, દુઃખ, સુખ, ખુશી બધું તેની ડાયરીમાં લખી મન હલકું કરી લેતી. તેણે તેની ડાયરીનું પહેલું પાનું કોરું રાખ્યું હતું. જ્યારે પણ તે લખવા બેસે પાંચ મિનિટ સુધી રાખી તે પાનાં પરનું કોઈ *અદૃશ્ય* લખાણ વાંચતી હોય તેમ જોતી બેસી રહે.
રાખીની ડાયરીનું એ પાનું આજે પણ કોરું જ છે.
✍️ *પૂર્વી પટેલ 'pk'*
*આ મારી અપ્રકાશિત અને સ્વ રચિત રચના છે.*
