ધરતીકંપ
ધરતીકંપ
*ધરતીકંપ*
સરૂ, ચાલ ને! જલ્દીથી આગળ આવ. આપણે સાથે બેસીને ચા પીશું."
"હા, સમીર આવું જ છું." રસોડામાંથી સરૂએ જવાબ આપ્યો.
સરૂ હાથમાં ચાના કપ લઈને હજી બહાર આવે ત્યાં તેને બે ઘડી ચક્કર આવી ગયા હોય તેવું લાગ્યું. હજી કશું સમજાય ત્યાં તો અચાનક *ધરા* ધ્રુજી. જોરદાર ધડાકા સાથે સાતમા માળની છત તૂટીને દીવાન ખંડના સોફા પર લાંબા પગ કરીને બેઠેલા સમીરના પગ ઉપર પડી. તે સાથે જ સોફા સહિત સમીર છઠ્ઠા માળના દિવાન ખંડમાં પડ્યો. પડ્યો શું લગભગ લટક્યો. તેના પગ સળિયાની અંદર ખૂબ જ ખરાબ રીતે ભેરવાયા હતા અને સોફો નીચેના માળના એક કબાટ સાથે ટેકવાય ગયો હતો. સમીર લગભગ ઊંધા માથે જ હતો. ચારે તરફ ધૂળના ગોટા અને લોકોની સંભળાતી ચીસો અને બૂમાબૂમ વચ્ચે સમીર બેહોશ થઈ ગયો. સરૂના હાથમાંથી ચાના કપ છટકીને તેના પર જ પડ્યા. ધૂળના ગોટા વચ્ચે તે કશું જોઈ ના શકી.
સમીર... ચીસ પાડવા જતાં તેના ગળામાં અને શ્વાસમાં ધૂળના ગોટા ભરાય ગયા. તેના માથામાં કશું વાગતાં તે અર્ધ બેહોશ જેવી થઈ પડી ગઈ.
પળવારમાં મેઘ ટાવરના બે માળના સ્લેબ તૂટી પડ્યા. લોકોમાં દોડાદોડ થઈ ગઈ. કોઈકે ફાયર બ્રિગેડમાં ફોન કરી જાણ કરી. ત્યાં સુધીમાં આસપાસના લોકોએ બનતી મદદ કરવા માંડી. બધાએ એકબીજાના સહારે એપાર્ટમેન્ટમાંથી નીચે ઊતરવા માંડ્યું.
પાંચમાં અને છઠ્ઠા માળના ફલેટમાંથી લોકોને સાચવીને બહાર કાઢવામાં ફાયર બ્રિગેડના લોકોએ મદદ કરવા માંડી. સરૂને ઝખ્મી હાલતમાં જ્યારે મૃત્યુ પામેલા સમીરને બહાર કાઢી એક જ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ રવાના કરાયા. અન્ય ઇજાગ્રસ્ત લોકોને પણ બચાવી લઈ હોસ્પિટલ મોકલવામાં આવ્યા.
સાવ જર્જરિત થઈ ગયેલા મેઘ ટાવરને ખાલી કરવા માટે બે વાર સરકારી નોટિસ આવી ચૂકી હતી પરંતુ, પ્રમુખે તેને અવગણી હતી. પ્રમુખની લાપરવાહીના કારણે આજે એપાર્ટમેન્ટમાં લોકોને સહન કરવાનું થયું. સમીરના મૃત્યુના સમાચાર સાંભળતાં જ હોસ્પિટલના ખાટલે પડેલી સરૂના પગ નીચેની ધરા વગર ધરતીકંપે ફરી એકવાર ધ્રૂજવાની હતી.
✍️ *પૂર્વી પટેલ 'pk'*
