આકાશી ઘટા
આકાશી ઘટા
*આકાશી ઘટા* ********** *'આકાશના હૃદય પર, ઘટા જેમ તું છવાઈ જા,'* *'દોડી આવ જલ્દી, મારા આશ્લેષમાં સમાઈ જા.'* આકાશે દિલફેંક આશિકની જેમ ઘટા તરફ ઇશારાથી પ્રેમબાણ છોડ્યું. "બસ, કર પાગલ." કહી ઘટા શરમાઈ ગઈ. કોલેજનું ત્રીજું વર્ષ હતું. આકાશ અને ઘટાની પહેલાં વર્ષથી ચાલી આવેલી મિત્રતા હવે પરિપક્વ થઈ પ્રેમનું સ્વરૂપ લઈ ચૂકી હતી. બંને એક બીજાને સાથે જીવવા મારવાના કોલ આપી ચૂક્યા હતાં. બંનેના પરિવાર સુખી અને સમાજમાં સારું સ્થાન ધરાવતા હતાં. બેમાંથી કોઈના ઘરેથી ના થાય તેવું કોઈ કારણ જણાતું નહોતું. ત્રીજા વર્ષની છેલ્લી પરીક્ષાઓ નજીક આવતાં બંનેએ પરિવારમાં વાત કરવાનું નક્કી કર્યું. આકાશે તેના ઘરે વાત જણાવી. આકાશના ઘરેથી લીલી ઝંડી મળી ગઈ. ખુશીના માર્યા તેણે ઘટાને ફોન લગાવ્યો. "હેલો, ઘટા. મારા ઘરેથી તો ગ્રીન સિગ્નલ નળી ગયું હોં! તે વાત કરી કે નહીં?" "અરે! મને એક બે દિવસનો સમય આપ. હું પહેલાં મમ્મીને જણાવું, પછી જોઈએ પપ્પાને કેવી રીતે કહેવું." "અરે, ચિંતા ન કર. ઊલટાનું તારા મમ્મી પપ્પાને તારી પસંદ પર ગર્વ થશે. બંદા હે હી એસા..." કહેતાં આકાશ મોટેથી હસ્યો. "ચાલ હવે, અપને મુંહ મિયાં મીઠ્ઠું." ઘટાએ ફોન મૂક્યો. ઘટાએ હિંમત કરી તેણે તેની મમ્મીને વાત કરી. કિશોરને આજે મોડું થયું હોવાથી તે ઓફિસે જવાની ઉતાવળમાં હતો, આથી સુધાએ આકાશવાળી વાત સાંજે કરવાનું વિચાર્યું. એવામાં ડોરબેલ રણક્યો. "અરે! મોટીબેન. આવો આવો. આજની સવાર સાચે જ શુભ સવાર થઈ હોં." સુધાએ મોટા નણંદને આવકારતાં કહ્યું. મોટીબેનના ચહેરા પર એક અલગ જ ખુશી નીતરી રહી હતી. "શું વાત છે? આજે કોઈ ખુશ ખબર લઈને આવ્યા લાગો છો? મારા ભાણેજનું નક્કી કર્યું કે શું? થોડા વહેલાં આવ્યા હોત તો, તમારા ભાઈ હાલ જ ઓફિસે નીકળી ગયા." "હા, વાત જ એવી છે. તું સાંભળશેને તો તું પણ ખુશીની મારી નાચી ઊઠશે. ને, હા ભઇલા સાથે ફોન પર મારી વાત થઈ ગઈ છે. હવે સાંભળ, મારી નણંદના દીકરા કેવલ સાથે મેં આપણી ઘટાનું માંગુ નાંખેલું. ત્યાંથી હા આવી છે. આપણી ઘટા કોઈને ન ગમે એવું બને? ક્યાં છે મારી ઘટા?" બરાબર એ જ સમયે ઘટા રૂમમાંથી બહાર આવી. તેણે બધું સાંભળ્યું. સુધાના ચહેરા પર બદલાયેલા ભાવ ફોઈના ધ્યાનમાં ન આવ્યા. ફોઈને નારાજ કરવાનું પાલવે તેમ નહોતું. નબળા સમયમાં સ્વમાન ન ઘવાય તેમ કોઈની પણ જાણ બહાર તેમણે કિશોરને સહાય કરેલી. આ વાતથી ઘટા અજાણ હતી. ઘટાના પગ નીચેથી જમીન સરકી રહી હતી. હૃદય પર જાણે *આકાશી ઘનઘોર ઘટા છવાઈ* ગઈ. આંખોએથી અશ્રુની શ્રીકાર વર્ષા... દિલ જાણે ડ્રાઉં ડ્રાઉં કરી બગાવત કરવા તરફ ધકેલી રહ્યું હતું. તો બીજી તરફ લાગણીઓના ફોરાં તેના પર વરસીને તેના મનને શાંત કરી બે ડગલાં પાછળ ખેંચી રહ્યા હતાં. એવામાં બહાર કમોસમી વરસાદ શરૂ થઈ ગયો. જાણે ઘટાના દુઃખમાં સાક્ષી બની રહેવા માંગતો હોય તેમ! ઘટા દોડીને વરંડામાં જઈ બાંકડા પર બેસી બે હાથોમાં મોઢું દબાવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ફોઈ તેના આ વર્તનને સમજી ન શક્યાં. આખરે સુધા પાસેથી હકીકત ખબર પડતાં વરસતા વરસાદની પણ પરવા કર્યા વિના ફોઈ ઘટાની બાજુમાં જઈ બેઠાં. "ઘટા, બેટા શું તું આકાશને એટલો બધો ચાહે છે?" "હા, ફોઈ. હું તો શું એ પણ મારા વિના નહીં રહી શકે. અમે... અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ." ડૂસકાં ભરતાં ભરતાં ઘટાએ ફોઈને સાચું કહી જ દીધું. "અરે, પણ પહેલાં તો રડવાનું બંધ કર. આ વરસાદમાં પલળીને તું તો બીમાર પડશે ને, મને પણ પાડશે. ચાલ, ઊભી થા જોઉં. પહેલાં ઘરમાં ચાલ." થોડી કડકાઈથી ફોઈએ ઘટાને બાવડેથી ઝાલી ઊભી કરતાં કહ્યું. બંને ઘરમાં પ્રવેશ્યા. સુધાએ ઝડપથી બંનેને ટુવાલ આપ્યા. તેણે ઘટાને ટુવાલ સાથે જ બાથમાં લીધી. તે પણ રડી રહી હતી. "ચાલો, હવે ત્રણેય રડવાનું બંધ કરીએ નહીં તો સુનામી આવી જશે." ફોઈએ સ્થિતિને થોડી હળવી કરવાના આશયથી કહ્યું. "સુધા, હવે બધા માટે ચા બનાવ, ઠંડી લાગે છે. ચા તો પીવી જ પડશે. કોઈ રસ્તો પણ કાઢવો પડશે." "ઘટા! ચાલ હવે મને માંડીને વાત કર. કોણ છે આ આકાશ, ક્યારે મળી, તે ક્યાં રહે છે? બધું વિગતે જણાવ." "ફોઈ, હું એના વગર નહીં જીવી શકું. તમે, તમે તેને મારાથી દૂર નહીં કરો ને? મમ્મી પ્લીઝ, તું સમજાવ ને, ફોઈને!" ઘટા હજી આઘાતમાં જ હતી. "ચુપ કર ઘટા. પહેલાં મને બધું જણાવ." ફોઈ ફરી ગુસ્સાથી બોલ્યા. સુધાએ તેને પાણી પીવડાવી શાંત કરી. ગળેથી ડુમો ઉતરતાં તેણે ફોઈને બધું જણાવ્યું. થોડીવાર માટે ફોઈ ચૂપ હતાં. તેમનું મૌન સુધા અને ઘટા માટે સમજવું અઘરું હતું. અચાનક ફોઈએ જવા માટે પગ ઉપાડ્યા. "ફોઈ, પ્લીઝ ફોઈ." સોફા પર બેઠેલી ઘટાએ રડતાં રડતાં ફોઈને કાકલૂદી કરી. "મોટી બેન, મારી પણ વિનંતી છે, એકવાર વિચારી તો જુઓ. શાંતિથી નિર્ણય લઈશું. આજેને આજે ફેસલો કરવો જરૂરી નથી. તમારા ભાઈ સાથે તો એકવાર વાત..." સુધાએ હાથ જોડી આજીજી કરી. ફોઈ બે ડગલાં વધુ આગળ ચાલ્યા. *ફોઈ... પ્લીઝ..." ફોઈએ પાછા વળી એક લુચ્ચા હાસ્ય સાથે જોયું. "બેટા, જ્યાં હું મારા ભાઈ માટે આટલું વિચારતી હોવ તો મારી ભત્રીજી માટે ના વિચારું. બોલાવ મળવા. હું પણ તો જોઉં મારી ઘટાનો આકાશ કેવો છે." કહેતાં ફોઈ હસી પડ્યા. "ઓ ફોઈ, ફોઈ... તમે આ દુનિયાના બેસ્ટ ફોઈ છો." કહેતાં ઘટા ફોઈને વળગી પડી. સુધાએ ફોઈની સામે હાથ જોડી આભારનો ભાવ વ્યક્ત કર્યો. ફોઈ એ આંખો ઝુકાવી તેના ભાવને સ્વીકાર્યો. ત્રણેયની આંખમાં હરખના આંસુ હતાં. ✍️ *પૂર્વી પટેલ 'pk'*

