STORYMIRROR

purvi patel pk

Horror Thriller

4  

purvi patel pk

Horror Thriller

અંધારાનો ઓથાર

અંધારાનો ઓથાર

3 mins
2

*રહસ્ય વાર્તા*

*અંધારાનો ઓથાર*

***************

સાંજનો સૂરજ અસ્તાચળે ઢળી ગયો હતો. ધીમા પણ મક્કમ પગલે કાનજી છાતી કાઢી હસતો હસતો ગામની બહાર આવેલી એક પુરાણી હવેલી તરફ આગળ વધ્યો. મુખ્ય દ્વારની બંને બાજુએ ઘટાદાર આમલીના વૃક્ષ એક અલગ જ શીતળતા ફેલાવતા હતાં. દરવાજાની અંદર જતાં ખુલ્લું આંગણું, આંગણામાં મોટું લીમડાનું ઘટાટોપ વૃક્ષ અને અસ્તવ્યસ્ત પડેલો જૂનો ધૂળથી ભરેલો સામાન. વર્ષોથી કોઈ આવ્યું નહીં હોય તે સાફ ખબર પડતી હતી. કાનજીએ આમ તેમ જોયું. કોઈના હોવાના અણસાર નહોતા. આગળ પગલું ભરતાં જ પગ નીચે સૂકું પાંદડું આવી જવાથી ચરરર... અવાજ થયો. ક્યાંકથી હવાનો ઝપાટો આવ્યો ને કાનજીના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. હવે તે ગભરાયો. છતાં હિંમત ભેગી કરી. તેણે વિચાર્યું લીમડાનું વૃક્ષ લીલુંછમ કેવી રીતે? કોઈ તો હશે જે પાણી પાતું હશે. નક્કી કોઈ અંદર હશે જ. તે આગળ વધ્યો. હવાના ઝોકે બધાં સૂકાં પાંદડાઓ તેના પગ પર ચોંટી ગયા. કાનજીએ પાંદડાઓ ખંખેરવા કૂદાકૂદ કરી મૂકી. સાથે તેના મોઢામાંથી રાડ પણ નીકળી ગઈ. તેના હાથ પગ ઠંડા પડી ગયા. બહાર નીકળી જવા પ્રયત્ન કર્યો પરંતુ કંઈક યાદ આવતાં ફરી મક્કમ પગલે આગળ વધ્યો.

ફર્શ પર ફેલાયેલા સૂકાં પાંદડાઓના ફફડાટથી વાતાવરણ વધુ ભયાનક બની રહ્યું હતું. ખૂણે ખાંચરેથી કંસારી અને તમરાંના તીક્ષ્ણ અવાજો... બંને હાથો વડે કાનજીએ કાન બંધ કરવા છતાં તેના કાનમાં ચીસ પાડી રહ્યાં હતાં. એવામાં હવામાં ઝૂલતી એક ધૂંધળી આકૃતિ પડછાયા રૂપે પ્રકટ થઈ. ધુમ્મસના કારણે ચોખ્ખું દેખાતું નહોતું. પડછાયો હાથ લંબાવી તેને બોલાવી રહ્યો હતો. ઓહોહો, બંને હાથો વડે તેણે ચહેરો ઢાંકી લીધો.

આંગળીઓની વચમાંથી જોયું તો તે પડછાયો ગાયબ.

બે ડગલાં આગળ વધ્યો તો એક ખૂણે ફાનસ દેખાયું. તેલ નહોતું છતાં તેની વાટ બળતી હતી. આ ફાનસ કોણે સળગાવ્યું હશે તે વિચારવાની હવે સૂઝ નહોતી. ફાનસના ઝાંખા અજવાળે અંધારિયા દાદર પર કાનજી આગળ વધ્યો. અચાનક ક્યાંકથી ઠંડા પવનની લ્હેરખી આવી ને કાનજીના હાથમાં રહેલ તૂટેલા ફાનસની જ્યોતને હલાવી ગઈ. ગભરાટના માર્યો કાનજી દાદરનો કઠેરો પકડી નીચે બેસી ગયો. તેણે ખૂબ જ જોરથી આંખો મીચી દીધી. બરાબર તે જ સમયે તેના કાનમાં કોઈએ કા..ન..જી.. નામ ઉચ્ચાર્યું.

કાનજીના તો હાથ પગ ઢીલાં પડી ગયાં. એવામાં ઉપરની તરફથી દરવાજો ખૂલ્યો ચર્રરર.... કાનજીએ હાથની આડશ રાખી જોવાનો પ્રયત્ન કર્યો. સફેદ પોશાકવાળો પેલો પડછાયો તેની તરફ હાથ લંબાવી તેને બોલાવી રહ્યો હતો. પડછાયાને પગ નહોતાં. કાનજી તો પરસેવે રેબઝેબ થવાં લાગ્યો. તેના હાથપગ ઢીલાં પડવા લાગ્યાં. કાનજીની આંખો આસપાસ કોઈ સંગી-સાથી શોધવા લાગી. દૂર દૂર સુધી કોઈનું નામોનિશાન નહોતું. આખી હવેલી ભેંકાર ભાસતી હતી. ફરી એકવાર કા..ન..જી... સંભળાયું. તે અનાયાસ જ ઉપરની તરફ આગળ વધ્યો. નજીક પહોંચતાં જ એક ભીની માદક ખુશ્બુ તેના મસ્તિષ્કને તરબતર કરી ગઈ. એક લાંબો શ્વાસ ભરી તેણે આંખો ખોલી. એવામાં પેલો પડછાયો ગાયબ. તે બાવરી નજરે આમતેમ જોવા લાગ્યો. તેણે તે પડછાયાને લોબીના છેવાડે આવેલા ઓરડામાં જતો જોયો. એક અદૃશ્ય શક્તિ તેને તે તરફ ખેંચી રહી હતી. પવનના સૂસવાટા વધી રહ્યા હતાં. એવામાં ચિબરીના અવાજે તેના પગને વધુ ધ્રુજાવ્યા. હાથમાંથી ફાનસ પડી ગયું. આગળ વધીને તેણે ઓરડામાં નજર કરી તો આગળ થોડે દૂર કંઈક પ્રકાશ જેવું જણાયું. બહાર જવાનો કોઈ રસ્તો જ હશે એમ માની લઈ કાનજીએ હતી એટલી હિંમત ભેગી કરી અને ન આમ જોયું ન તેમ તેણે તે પ્રકાશ તરફ સીધી દોટ મૂકી. તેના પગમાં જાણે અલગ જ સ્ફૂર્તિનો સંચાર થયો. પ્રકાશ તરફ દોડ્યો તો ખરો પણ સ્હેજમાં *અંધારાનો ઓથાર* ઉતરી આવ્યો. કાનજીએ આંખો બંધ કરીને મુઠ્ઠીઓ વાળીને ડોટ મૂકી.

દોડતાં દોડતાં અચાનક તે ધડામ દઈને પડ્યો.

"ઓ મા...રે...." ભોંય પર પડ્યા પડ્યા જ તેણે બંધ આંખોએ જ બચાવો કોઈ મને બચાવોની બૂમરાણ મચાવી.

"કાનજી, ઓ કાનજી, શું થયું? આંખો તો ખોલ."

"બચાવો... બચાવો...."

"અરે કોનાથી બચાવું? કોની વાત કરે છે? અહીં કોઈ નથી. તું આંખો તો ખોલ."

"ના, પડ.....છાયો.... પેલો પડછા...યો..."

તેનો અવાજ તરડાઈ ગયો.

ફરી તેને કોઈએ બંને ખભા પકડી ઢંઢોળ્યો.

તેણે ગભરાતાં ગભરાતાં આંખો ખોલી. જોયું તો આજુબાજુ તેના ત્રણ મિત્રો આશ્ચર્યથી તેને જોતાં હતાં. થોડીવારે કળ વળતાં તેને યાદ આવ્યું.

જગો, ભગો, મગન અને કાનજી ચાર મિત્રોએ મસ્તીમાં ને મસ્તીમાં શરત લગાવી હતી કે ગામની બહારની ભૂતિયા હવેલીમાં એક રાત કોણ રહી શકે. વટ મારવાની ટેવવાળા કાનજીએ ઉડતું તીર પકડી લીધેલું તેનું આ પરિણામ હતું. ખરેખર હવેલીમાં કોઈ ભૂત પ્રેત હતું કે કાનજીના મનનો વ્હેમ હતો તે આજ સુધી જાણી શકાયું નથી.

✍️ *પૂર્વી પટેલ 'pk'*


Rate this content
Log in

Similar gujarati story from Horror