સાત પગલાં
સાત પગલાં
સાત પગલાં
ભાગ ૨
અરમાન
જીગર અને જાનવીના લગ્નને ત્રણ વર્ષ વીતી ગયાં. છતાં પ્રેમ એવો ને એવો જ! આજે પણ બંને જાણે પ્રેમી પંખીડા. એકમેકની ખુશીઓનું સતત ધ્યાન રાખતાં. રખે ને, ક્યારેક કોઈ વાતે બેમાંથી એકનું મન દુભાય તો વાંક કબૂલી તરત પરિસ્થિતિ હળવી કરી લેવામાં બંને પાવરધા. જીવનની રાહ પર ખાડા-ટેકરાં આવવા તો સામાન્ય વાત હતી. પરંતુ, અહીં તો વિધાતાને કંઈ ઓર જ મંજૂર હતું.
કેટલાંક દિવસોથી જાનવીને થાક લાગતો હતો. ભૂખ સાવ ઓછી થઈ ગઈ હતી. દવા લેતી હતી પરંતુ, ખાસ ફરક નહોતો પડતો. જિગરના કહેવા છતાં જાનવી ડોકટરને ત્યાં જવા તૈયાર નહોતી થતી.
'બધું નોર્મલ છે, લાગે હવે કોઈ વાર થાક, આરામ કરી લઈશ એટલે સારું થઈ જશે', કહી તે વાત ટાળી દેતી.
એક સવારે ચક્કર આવતાં તે બેભાન થઈ ગઈ. રમા કાકી અને સુબોધ કાકા જાનવીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાં. જીગરને ફોન કરી જાણ કરતાં તે પણ સીધો હોસ્પિટલ પહોંચ્યો. ખૂબ જ ગભરાયેલા તેણે રમા કાકીને ત્રણ ચાર સવાલો એકસાથે પૂછી નાંખ્યાં. કાકીએ તેને વિગતે બધી વાત કરી શાંત પાડ્યો. જાનવીના કેટલાંક પ્રાથમિક ટેસ્ટ કરાયા. બીજા એક બે એડવાન્સ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લેબમાં મોકલી અપાયું. દવાઓ લઈ બધા ઘરે પરત આવ્યાં. ડોકટરે એક અઠવાડિયા પછીની અપોઈનમેન્ટ આપી હતી.
અઠવાડિયા પછી ફરી બંને ડોકટરને મળ્યાં.
જાનવીને છેલ્લા સ્ટેજનું બ્લડ કેન્સર નિદાન થયું. ડોક્ટરના નિદાન મુજબ જાનવી થોડા સમયની જ કદાચ થોડા દિવસોની જ મહેમાન હતી. આ પ્રેમી પંખીડાઓ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. જીગર ઊંડા આઘાતમાં સરી પડ્યો. સમયસૂચકતા વાપરી જાનવીએ સ્વસ્થતા કેળવી. તેણે જીગરને આશ્વાસન આપતાં કહ્યું,
"જાન, આપણાં લગ્નજીવનના આટલાં વર્ષોમાં આપણે કોઈ પણ પરિસ્થિતિમાં નાસીપાસ નથી થયાં. જે થયું તે, ભગવાનની મરજી સમજી અપનાવી લઈએ તો, જે થોડા દિવસો આપણે હજી સાથે રહી શકીશું, તેને સહજ બનાવી શકીશું."
"જાનું, તું કેટલી સહજતાથી કહી રહી છે. હું તારી જેમ સ્વસ્થ નથી થઈ શકતો."
"થવું પડશે. તારે તારી જાતને સંભાળવી પડશે, મારા માટે..."
આટલું કહેતાં જાનવીએ જીગરને પોતાની બાહોમાં જકડી લીધો. બંને ખૂબ રડ્યાં.
"ચાલ, શું થયું છે, તે ભૂલીને આપણે શું કરી શકીએ તે વિચાર. દિવસ થોડા છે, તારે મને રડાવ્યાં જ કરવી છે?"
જાનવીએ જીગરને સાંત્વના આપી. ખરેખર, આવા સમયે પણ જાનવી ખૂબ જ સ્વસ્થતા કેળવી રહી હતી.
"જાન, તું શું બોલે છે? હું અને તને રડાવું? શક્ય જ નથી. મારે માટે તારું એક એક આંસુ ખૂબ કિંમતી છે."
"તો પછી ચાલ, સ્વસ્થ થઈ જા, જોઉં. ચાલ આજે આપણે મંદિરે જઈને ભગવાનનો આભાર માનીએ."
"જાનું, કેવી વાત કરે છે, તું, તારી આ હાલત માટે ભગવાનનો આભાર માનવાની વાત કરે છે?" જીગર થોડો અકળાયો.
"જો, મારી વાત ધ્યાનથી સાંભળ. દરેક વ્યક્તિનું વહેલું કે મોડું મૃત્યુ નક્કી જ હોય છે. પોતાના મૃત્યુનો સમય કોઈને ખબર નથી હોતી. અચાનક મૃત્યુ થાય ત્યારે જીવનમાં ઘણું બધું રહી જાય, છૂટી જાય. કોઈ સપનું અધૂરું રહી જાય, તો કોઈની ઈચ્છાઓ રહી જાય."
(આંસુભરી આંખે નીચું જોઈ બેઠેલાં જીગરનો હાથ પોતાના હાથમાં લેતાં)
"જાન, તું સાંભળે છે ને મારી વાત? સમજે છે, હું શું કહું છું? જો આપણે કેવા નશીબદાર છીએ, મને મારા મૃત્યુનો સમય ખબર પડી ગઈ. હવે હું મારી ઈચ્છાઓ, સપનાઓ તને જણાવી દઉં, તો તું એ પૂરાં કરી શકે. તો આ માટે મારે ભગવાનનો આભાર માનવો છે. હેં, તું મારી ઈચ્છાઓ પૂરી કરીશ ને? બોલ ને બકા, તું ખુશી ખુશી મને વિદા કરીશ ને! તું જાણે છે ને, મને તારો ઉદાસ ચહેરો જરાય ગમતો નથી. તારી આંખોના આંસુ મારા જીવનના છેલ્લા દિવસોને અઘરા બનાવશે, હું ભારે હૈયે, દુઃખી થઈને જવા નથી માંગતી." કહેતાં જાનવી પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
બંનેએ એકબીજાને બાહોમાં ભરી લઈ જાણે છેલ્લી વાર રડી લીધું. થોડીવારે બંને સ્વસ્થ થયા અને મંદિરે જવા નીકળ્યાં. મંદિરે પહોંચી બંનેએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રસાદ લીધો. ત્યાંથી તેઓ તેમની પ્રિય જગ્યા મરીન ડ્રાઈવની પાળી પર જઈને બેઠાં. જીગરનો હાથ હાથમાં રાખી, તેના ખભા પર માથું ઢાળી જાનવી ક્યાંય સુધી બેસીને દરિયાના મોજાંઓને કિનારે આવી અફળાઈને ચૂર ચૂર થતાં જોઈ રહી. થોડીવાર પછી બંને ઘરે પરત આવ્યાં.
રાત્રે સૂતી વખતે જાનવીએ જીગરને કહ્યું,
"જાન, કાલથી રેડી રહેજે, હું અવનવી ઈચ્છાઓ કરીશ, તારે પૂરી કરવાની છે, હેં ને! તે પણ હસતાં હસતાં...કાલથી કોઈ રડા કુટા નહીં, મારે તને રોતડું રોય નહિ પણ સદાબહાર દેવાનંદ, જીતેન્દ્રના રૂપમાં જોવો છે. કાલથી નવી સવાર, નવો દિવસ અને નવી ઈચ્છા, સમજ્યો."
"હા જાનું. કાલથી જો હું તને જેવો જોવો છે તેવો બનીને બતાવીશ. હું તને વચન આપું છું કે, આજથી હું તારા ચહેરા પરથી ખુશીને ક્ષણભર માટે પણ ગાયબ નહીં થવા દઉં. તારા બધા *અરમાન* પૂરાં કરીશ. ચાલ, હવે વહેલી સૂઈ જા. ઊઠીને મને તારી ઈચ્છા જણાવજે. મારી પણ ઇંતેજારી વધી ગઈ છે." તે રાતે બંનેએ એકબીજાને ખૂબ વ્હાલ કર્યું. જાનવી બધું ભૂલાવીને નાના બાળકની જેમ જીગરને વળગીને સૂઈ ગઈ.
ક્રમશઃ
✍️ *પૂર્વી પટેલ 'pk'*
આવતીકાલે જાનવી શું ઇચ્છા કરશે?
શું જીગર તેની ઇચ્છા પૂરી કરી શકશે? જાણવા માટે જોડાયેલા રહો.

