પ્રતિબિંબ
પ્રતિબિંબ
*પ્રતિબિંબ*
રાત્રિના નવના સુમારે કામિની ઘરનું બધું કામ આટોપી પથારીમાં પડી. સુમિત ધંધાર્થે બહારગામ
ગયો હતો. સાસુ, સસરા, નાનકડો મોન્ટુ બધા સૂઈ ગયા. પાંચ વર્ષનો મોન્ટુ મોટાભાગે બા દાદા સાથે જ સૂઈ જતો. આજે કામિનીને ઊંઘ આવતી નહોતી. પડખા ફેરવતાં ફેરવતાં તેની નજર સ્ટેન્ડિંગ મીરરના ખોખા પર પડી. તેને યાદ આવ્યું કે, સુમીતના વિદેશ જવાની તૈયારી કરવામાં નવા ખરીદેલા અરીસા પરથી પેકિંગ પણ કાઢ્યું નહોતું.
કામિની ઊભી થઈ. તેના ખુલ્લા લાંબા વાળને બે હાથે ભેગા કરી અંબોડો વાળ્યો અને તેણે મીરર પરથી પેકિંગ કાઢવાનું શરૂ કર્યું. ઉપરના ખૂણેથી થોડો કાગળ નીકળતાં તેનું પોતાનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. તેણે ખૂબ જ અધીરાઈથી પેકિંગ લગભગ ફાડીને જ કાઢી નાંખ્યું. લંબચોરસ અરીસાની ચારે બાજુએ કરેલી નક્કાશી પર તેણે ખૂબ જ હળવેથી હાથ ફેરવ્યો. તેને એક અલગ જ અનુભૂતિ થઈ આવી. અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જ તે જાણે પોતાના પ્રેમમાં પડી ગઈ. પાસે પડેલા નાના ટેબલને ખેંચીને તે ત્યાં જ અરીસા સામે બેસી ગઈ. તેનો અંબોડો છૂટી ગયો હતો. કામિનીએ તેના લાંબા કાળા સુંદર કેશમાં ફરીથી કાંસકીની મદદથી કલાપ કર્યો. વાળમાં હાથ ફેરવતાં તેની નજર અરીસામાં તેની અણીયાળી આંખો, ગોરો વાન, ગુલાબની પાંખડી જેવા હોઠ અને તેની સુરાહીદાર ગરદન પર પડી.
"શું આ ખરેખર હું જ છું? ના, ના, આ હું કેવી રીતે હોય શકું? જો આ હું છું તો આટલી સુંદરતા આજ સુધી મારી નજરમાં કેમ ન આવી?"
પોતે જ પોતાની સાથે વાતો કરતી તે વિચારોના ઊંડા વમળમાં ગરકાવ થવા લાગી. પોતાના દેખાવ પર ગર્વ કરે તેવામાં અચાનક અરીસામાં દેખાતું પ્રતિબિંબ બદલાવા લાગ્યું. થોડી જ વારમાં તેને પ્રતીત થયું કે, જે અરીસામાં દેખાય છે તે તે પોતે નથી. આ અરીસામાં જે દેખાય છે તે તેના જેવી જ પણ કોઈ બીજી જ કામિની છે.
"તું લાગે છે મારા જેવી પણ તું હું નથી? તું કોણ છે?"
"અરે! તે મને ઓળખી નહીં? યાદ કર. કોલેજના દિવસો... ત્રણ બહેનપણી... કેમિસ્ટ્રીની લેબ... યાદ આવ્યું?" પ્રતિબિંબમાંથી અવાજ આવ્યો.
"તું, તું કોણ છે? તે વાત તને કેવી રીતે ખબર?"
કામિની લગભગ ચિલ્લાઈ ઉઠી.
"કેમ, ભૂલી ગઈ. પછી શું થયેલું? મેઘા... પેલો ઝેરી ગેસ... તેની ચીસો... તે પછીથી તારું નામ આખી કોલેજમાં કામિનીના બદલે કમીની થઈ ગયેલું. યાદ કર એ ચહેરો, એ બળવાની વાસ યાદ કર એ વેદના..."
અરીસામાં દેખાતું પ્રતિબિંબ ધીમે ધીમે બદલાવા લાગ્યું. તે બિહામણું થવા લાગ્યું. તેનો ચહેરો સળગવા લાગ્યો. પ્રતિબિંબ પોતાના મોઢાને બે હાથે ઢાંકી ચીસો પાડવા લાગ્યું. તેની ચીસોથી કામિનીએ બે હાથે પોતાના કાનને દાબીને અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ અરીસામાંથી જોર જોરમાં કમીની... કમીની... અવાજ આવતો રહ્યો. કામિની માથું પકડી જમીન પર ફસડાઈ પડી. નીચે પડતાની સાથે તેને અહેસાસ થયો કે તે પથારીમાંથી નીચે પડી ગઈ છે. આ એક દુઃસ્વપ્ન હતું કે ભૂતકાળની ભૂતાવળ? તે સમજી ન શકી.
તેણે તેના હૃદયને કેટલું ઢંઢોળ્યું, કેટલું મનોમંથન કર્યું. તેના મનમાંથી તે અપરાધભાવ જતો નહોતો.
'તે સમયે તે પોતે પણ તો નાદાન હતી. યુવાનીના જોશમાં કરાયેલી તે એક ભૂલ હતી. મેઘાની પણ તો ભૂલ ઓછી નહોતી. મેં જે કર્યું તેના માટે કારણ પણ તેણે જ આપ્યું હતું. માફી મારે કે તેણે માંગવી? કોણ કોને ક્ષમા કરે!'
વિચારોના વમળોમાંથી બહાર નીકળવાના તેણે વ્યર્થ હવાતિયા માર્યા.
રડતાં રડતાં તે પલંગ પર માથું નાખી ક્યારે સૂઈ ગઈ તેને ખબર ન રહી. સવારે ઊઠીને જોયું તો પેલો અરીસો ખૂણામાં પેકનો પેક જ પડ્યો હતો.
તે ત્યાં જ ઠરી ગઈ. રાત્રે બનેલું બધું તેને બરાબર યાદ હતું પણ અરીસો તો એમનો એમ હતો, કેવી રીતે? તેને સમજાયું નહીં. મગજ બરાબર ચકરાવે ચડ્યું હતું. તે ફરી રજાઈ ઓઢીને પથારીમાં સુઈ ગઈ. થોડી જ વારમાં તેને તાવ પણ ભરાય ગયો. થોડી થોડી વારે તેને કોઈ 'ક..મી...ની...' કરીને બોલાવતું હોય તેવું લાગતું હતું. તે ચીસ પાડી ઊઠી.
તેનો અવાજ સાંભળતા જ સાસુજી દોડી આવ્યા. તેમણે કામિનીના કપાળ પર હાથ મૂક્યો તો તે ગરમ હતું. તેમણે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે દવા સાથે ઘેનનું ઇન્જેક્શન આપ્યું.
બીજા દિવસે સુમીતના આવ્યા બાદ કામિનીએ બધી વાત કરી પોતાની ભૂલ પણ કબૂલ કરી. ત્યાર બાદ સુમિતે તે અરીસો તો દુકાનદારને પરત મોકલી આપ્યો પણ અરીસામાં દેખાયેલ રહસ્ય આજે પણ અકબંધ છે.
✍️ *પૂર્વી પટેલ 'pk'*

