STORYMIRROR

purvi patel pk

Classics

4  

purvi patel pk

Classics

વરસાદ અને હું

વરસાદ અને હું

3 mins
0

*વરસાદ અને હું*
*************

વરસાદની વાત આવે ત્યારે તુષાર શુક્લની આ ઉક્તિ ટાંક્યા વિના તો આગળ કેમ વધી શકાય!

*જડ હોય તે પલળે અને જીવંત હોય તે ભીંજાય*

વરસાદ, શબ્દ જ પૂરતો છે મને અને મારા મનને ભીંજવવા માટે, મારી લાગણીઓને તરબતર કરવા માટે. હું ઘર બહાર નીકળી વરસાદમાં પલળીને જ આનંદ લઉ છું સાવ એવું નથી. હું ઘરમાં બેસીને પણ ભીંજાય જાઉં છું. વરસાદમાં બાળપણથી જ વરસાદ સાથે એક અલગ જ લગાવ રહ્યો છે. વરસાદની ઝરમરી વાંછટોને મોઢા પર ઝીલવી, વરસાદમાં આખેઆખા પલળવું એટલે મારા સપનાની દુનિયા. હકીકતમાં આમાંનું કશું ખાસ કરી શકાતું નથી એથી હું આને મારા સપનાની દુનિયા કહું છું. વરસાદ સાથે જોડાયેલી કંઈ કેટલીયે વાતો જે મારી ડાયરીઓના પાનાં ભીના કરી ગઈ છે. 

બાળપણની વાત જુદી હતી. ત્યારે જિંદગી ભાર વિનાની અને બિન્દાસ હતી. આજે તો ઘરની જવાબદારીઓ સાથે સાથે પણ હું વરસાદની મજા તો માણી જ લઉં છું. સ્કૂલમાં *લૂચ્ચો વરસાદ* ભણ્યાં હતાં યાદ છે?! ખરેખર આ વરસાદની લુચ્ચાઈ ભારે હોં!  ત્યારે એ શાળાએ જતાં આવતાં આવી પજવતો તો હવે રસોઈ કરવાના સમયે પડે અને મને લલચાવે. હું પણ એને ફાવવા તો નઈ જ દઉં. રસોઈ કરતાં કરતાં પણ બાલ્કનીમાં દોડી જઈ થોડી થોડી ભીંજાય જ આવું. વરસાદને હંફાવવા આમ અંદર બહાર કરવાની પણ એક મજા છે. જાણે કે, એ ક્યારે પણ આવે ને, હું ભીંજાવાથી તો ચૂકીશ જ નઈ. ભાઈ, વરસાદ તારાથી થાય તે કરી લે એમ કહેતી હું આજે પણ સાવ નાના બાળકની જેમ ખુશ થઈ જાઉં છું. 

વરસાદ મારા હૃદયના એ ખૂણાને ભીંજવે છે જ્યાં માત્ર મારી જ હાજરી છે. મારો એ ખૂણો મારી મરજીનો ખૂણો છે. આ ખૂણે હું ધારું ત્યારે ભીંજાઉં. મારી આ *વરસાદી ડાયરી* બે પ્રકારના વરસાદની સાક્ષી છે. ઘરની બહાર વરસતો વરસાદ જે મને આનંદની અનુભૂતિથી ભરી જાય છે. જ્યારે મારા મનની અંદરનો ઉબાર જ્યારે આંસુઓરૂપે વરસે છે ત્યારે હું અંદરથી હળવી થઈ જાઉં છું. મારા જીવનની અનકહી વાતો મારી ડાયરીના પાનાઓ પર આંસુઓની સ્યાહીઓથી અંકિત છે. હા, આ આંસુ દર વખતે દુઃખ કે દર્દના જ નથી હોતા. મારી ખુશીઓના હર્ષાશ્રુઓ પણ ડાયરીના પાને પાને પ્રસરેલા છે. 

ઋતુનો પહેલો વરસાદ અને તે સમયે ધરતીમાંથી ઊઠતી માટીની ભીની ભીની સુગંધ મન મસ્તિષ્કને અજબ આહલાદકતા આપે છે. વરસાદ મને પળવારમાં મારા બાળપણની સહેલ કરવી લાવે છે. કાગળની હોડીઓ તારવવાની મજા કઈ અનેરી જ હતી. એક તરફ ઝરમરી વરસાદ, બાલ્કનીના હિંચકે બેસી હાથમાં ગરમા ગરમ મસાલેદાર ચાનો કપ અને વો કાગઝ કી કશ્તી... આહા! આજે પણ મારી ગૃહિણીની વ્યસ્તતા ભરેલી જિંદગીમાં મોજ કરાવી જાય છે. આવી કંઇ કેટલીયે સાંજની બેસુમાર યાદોથી ભરી છે, મારી આ વરસાદી ડાયરી. વરસાદ વિશેની વાતો લખવા બેસું ત્યારે  વરસાદમાં લસરીએ તેમ મારી કલમ જાણે સર સર સરવા લાગે. અટકવાનું તો નામ જ નહીં. વળી, આ વરસાદ મારા લેખનના શોખને પણ જબરો ઊછાળો આપે. મન થાય કે બસ, આમ વરસાદ વરસતો રહે અને લખતી જ રહું. વરસાદની ઋતુમાં કંઈ કેટલુંય લખ્યું છે, જો વાંચવા બેસું તો આજે ભર ઉનાળે પણ હું વરસાદમાં ભીંજાયાની મજા માણી શકું છું. 



Rate this content
Log in

Similar gujarati story from Classics