પડછાયો
પડછાયો
*પડછાયો*
********
આધુનિકતાની થોડી થોડી ઝલકવાળું સરસપુર ગામ. અહીંના સરપંચ અને તેમના પત્નીના પ્રયત્નોથી ગામ આખું એક પરિવારની જેમ રહે. ગામમાં રહેતાં રતનમાની દીકરી લક્ષ્મીના લગ્ન હતાં. તેઓ વિધવા હતાં. તેમના માયાળુ અને ભલા સ્વભાવના કારણે તેઓ આખા ગામમાં બધાંના પ્રિય. તેમનું નાનામાં નાનું કામ પણ લોકો ઊંચકી લેતાં જ્યારે આ તો દીકરીને પરણાવવાનો પ્રસંગ. લક્ષ્મીના લગ્ન દરેક ઘર માટે પોતાના ઘરનો પ્રસંગ. બધાએ ભેગાં થઈ આખું ગામ શણગાર્યું. સરપંચે આખા ગામના ભેગાં રસોડાની સગવડ કરાવી. બધાંએ પોત પોતાની આર્થિક સ્થિતિ મુજબના કામ સંભાળી લીધાં.
રતનમા કહેતાં,
"મારી લક્ષ્મી કોઈ દેવીનો અવતાર છે. ત્યાં વગર કાંઈ બાપ વગરની ગરીબ દીકરીનો પ્રસંગ આમ રંગે ચંગે ના ઉજવાય!"
"અરે કાકી! લક્ષ્મી અમારા બધાની દીકરી છે. તમે પણ અમારા બધા માટે જીવ કાઢો તેવા છો. આપણે બધા એક પરિવારની જેમ જ તો રહીએ છીએ." ત્રીજા ઘરવાળા રુખીકાકી બોલ્યાં.
"હા, ઓલ્યો જગો ગ્યો પછી તો આપણે રામરાજ.." રુખીકાકીની વહુ બોલી.
"એય કોણે એ કપાતરનું નામ લીધું? ખબરદાર, કોઈના મોઢે એનું નામ તો શું એનો ઓછાયો પણ નહીં. હાલો, છોકરીયું ગરબા લેવ, ને એય વહુઓ તમે મોટેથી ગરબા ઉપાડો. ઢોલ વગાડો... લક્ષ્મીના લગ્નમાં ધમાલ, ખૂબ બધી ધમાલ કરી લેવી છે." સરપંચના પત્ની મોટા અવાજે બોલી ઊઠ્યાં.
રતનમાનું ઘર આંગણું ઢોલ અને તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું.
બીજા દિવસે લક્ષ્મીના લગ્ન ખૂબ સારી રીતે સંપન્ન થયાં. રતનમા ખુશ હતાં. સરપંચના એક મિત્ર જે શહેરમાં રહેતાં હતાં. ખાધે પીધે સુખી ઘર. છોકરો ભણીને પિતાની ફેક્ટરીમાં જ જોડાય ગયેલો. સરપંચના કહેવા મુજબ લક્ષ્મી સુખી રહેશે એ ધરપત સાથે રતનમાએ લક્ષ્મીને ભારે હૈયે વળાવી. જતાં જતાં લક્ષ્મીએ રડતી આંખે માની સામે જોયું. તેની આંખમાં એક સવાલ હતો. રતનમાએ તેની સામે ધીમેથી પલક ઝપકાવી પોતાના આંસુ લૂછ્યાં.
બાજુવાળા જમનાકાકીએ રતનમાના ખભે હાથ મૂક્યો.
"દીકરી છે, ચાલ્યા જવાનું ભાગ્યમાં લખાવીને જ આવી હોય. જાળવી જા રતન. દીકરી સારા ઘરે જાય છે, હસતાં મોઢે વિદાય કર. એ તો ત્યાં સુખી જ રેવાની!' ને, લક્ષ્મી બેટા! માની જરાય ફિકર નહીં કરતી. અમે બધા છીએ જ હોં." જમનાકાકીએ લક્ષ્મીના માથે હાથ મૂકતાં કહ્યું.
"મારી જ દીકરી છે એમ સમજીને જ રાખજે.'
એટલું કહી સરપંચે હાથ જોડી મિત્રને વિદાય થવા પરવાનગી આપી.
ધૂળની ડમરીમાં લક્ષ્મીની ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી રતનમા ઊભા રહ્યાં. પાણી પીને ગળેથી ડૂમો ઊતર્યો. સ્વસ્થતા કેળવી પાછળના કામ આટોપવામાં બધા લાગી ગયાં.
શહેરની નવી દુનિયામાં કેટલાંય સપનાઓ સાથે લક્ષ્મીએ ગૃહ પ્રવેશ કર્યો. સાસુમા બે વર્ષ પહેલાં જ સ્વર્ગ સિધાવી ગયેલાં. કામ કરવા માટે ઘરમાં શાંતામાસી હતાં. સસરાજીનો માયાળુ અને સમીરનો શાંત સ્વભાવ લક્ષ્મીને ખાસ અઘરું ન લાગ્યું. શાંતા માસીની મદદથી તેણે ઘરમાં બધું સમજી લીધું. ઘરકામમાં કુશળ તો હતી જ એટલે તે બે ચાર દિવસમાં બધુ હાથ પર લઈ લીધું. સમીરે તેને બધું સમજવા માટે સમય આપ્યો. સમીર લક્ષ્મીની કુનેહ અને સમજદારી પર વારી ગયો. ગામની હોવા છતાં તેણે ખૂબ ઝડપથી શહેરની રીતભાત સમજી લીધી. સમીરને લેખા નામ ખૂબ ગમતું હતું. લક્ષ્મી હવે અહીંની લેખા હતી. લક્ષ્મીને નામ બદલવામાં કોઈ સમસ્યા નહોતી. સમીર એટલાં પ્રેમથી તેને લેખા કે લેખું કહેતો કે, તે પોતે પોતાનું સાચું નામ ભૂલી જતી.
એક અઠવાડિયા પછી બંને આબુ અંબાજી ફરવા ગયાં. ત્યાંના ઠંડકભર્યા વાતાવરણમાં લેખા સમીરની મજબૂત બાંહોની ગરમીમાં ધીમે ધીમે પીગળવા લાગી. બંનેએ એકબીજાને ગળાડૂબ પ્રેમ કર્યો. પાંચમાં દિવસે પાછા ફર્યા. બે દિવસ પછી લેખા અને સમીર પગફેરા માટે સરસપુર જવા નીકળ્યાં.
સરસપુરની લક્ષ્મી હવે શહેરની લેખા હતી. તેનામાં એક ગજબનો આત્મવિશ્વાસ હતો. તેણે બધાને કંઈને કંઈ ભેટ પણ આપી. સમીરે બધી સગવડ પહેલાંથી જ કરી દીધી હતી.
રતનમા ખૂબ ખુશ હતાં. તેઓએ મનોમન ઇશ્વરનો અને સરપંચનો આભાર માન્યો.
સમીર અને લેખાએ રતનમાને શહેરમાં તેમની સાથે રહેવા આવવાનો ખૂબ આગ્રહ કર્યો પરંતુ રતનમા ન માન્યાં.
"હું આ ગામડાંનો જીવ. પરણીને આ ઘરમાં આવેલી, હવે જઈશ પણ અહીંથી જ. બસ, તમે સુખી રહો એટલે મારો ભવ પાર."
"પણ, મા, એકવાર મારું ઘર જોવા તો આવ!" લેખાએ આગ્રહ કર્યો.
"સારું, હોળી આવે છે. ત્યારે શુકન કરાવવા આવીશ. બેટા, તું ખુશ રે' ને જમાઈને અને સસરાજીને ઓછું ના આવવા દેતી. બસ, મારા સંસ્કાર ન લાજે તેનું ધ્યાન રાખજે. બાકી ઈશ્વર સૌ સારાવાના કરે."
રતનમાએ દીકરી જમાઈને જમાડીને વિદાય કર્યા.
જતાં જતાં તેમણે દીકરી સાથે ફરી નજર મેળવી. આજે તેની આંખોમાં કોઈ સવાલ નહોતો. માત્ર ખુશી છલકાતી હતી. રતનમાએ એક રાહતનો શ્વાસ લીધો.
"રતન, હવે તો ચિંતા છોડ. લક્ષ્મીનો તો ભવ સુધરી ગયો." જમનાને સમજાતું નહોતું કે રતનને હજી શાની ચિંતા છે.
"અરે જમના, દીકરીની માને તો ચિંતા ચિતામાં જાય ત્યાં સુધી હોય." રતનમાએ વાત વાળી લેતાં કહ્યું.
સમીર અને લેખા તેમના જીવનમાં ખૂબ ખુશ હતાં.
હોળી પર રતનમા દીકરીના ઘરે આવ્યાં. સમીરના પિતાજી વીસ દિવસ માટે યાત્રાર્થે ગયાં હતાં. રતનમા યથાશક્તિ જેટલું થયું તેટલું લાવ્યાં. દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય તેવા જૂનવાણી વિચારને ખૂબ કુનેહથી વાળી લઈ સમીરે તેમને થોડા દિવસ રોકાઈ જવા મનાવી જ લીધા. બપોરે જમવાનું પૂરું કરી મા-દીકરી આડા પડખે થયાં. ત્યાં જ ટેલિફોન રણક્યો.
"હેલો, લેખા. મારો એક મિત્ર આજે સાંજે ઘરે જમવા આવશે. આજે મસ્ત રસોઈ બનાવજે. અરે! તું તો દરરોજ મસ્ત જ બનાવે છે. જો, કદાચ મને આવતાં જરા આગળ પાછળ થાય તો તું સંભાળી લેજે. ચાલ, અત્યારે જરા કામમાં છું. વહેલાં આવવાનો પ્રયત્ન કરું."
લેખાએ ડિનરની બધી તૈયારીઓ કરી લીધી.
આછા ગુલાબી રંગની સિફોનની સાડી, ભૂરા રંગની સ્લીવલેશ બ્લાઉઝ, નાનકડી મરૂન બિન્દી, કાનમાં ઝુમ્મર અને ખુલ્લા વાળમાં લેખાને જોઈ ખુદ રતનમા પણ દંગ રહી ગયાં.
"મારી દીકરીને કોઈની નજર ન લાગે." કહી તેમણે ઓવારણાં લીધા.
ત્યાં જ ડોરબેલ વાગ્યો.
સમીરના આવવાના અંદેશા સાથે લેખાએ દોડતી જઈ દરવાજો ખોલ્યો.
સામે સૂટ-બુટ અને દાઢીવાળા અપરિચિત વ્યક્તિને જોતાં તે થોડી છોભીલી પડી ગઈ.
"જી, તમે?"
"મારું નામ જગદીશ. સમીરનો મિત્ર."
"ઓહ! આવો આવો. સમીર આવતાં જ હશે."
નીચી નજરે તેણે આગંતુકને આવકાર્યો.
"આ મારા મમ્મી છે. ગામથી આવ્યા..."
"અરે! રતન કાકી તમે? મને ઓળખ્યો? ઓહ! તો આ લક્ષ્મી...?"
મા દીકરી બંને આગંતુકને ઓળખી ન શક્યાં.
"ના, બેટા. કોણ છે તું?"
"અરે! લક્ષ્મી તું પણ મને ભૂલી ગઈ?"
કહેતાં તેણે લક્ષ્મીના બંને હાથ ખભા પરથી દબાવ્યા. તેની આંખોના સાપોલિયા સળવળી ઊઠ્યાં.
લક્ષ્મીના શરીરમાંથી અચાનક એક લખલખું પસાર થઈ ગયું. જગદીશના હાથનો સ્પર્શ જાણે તેના અંગે અંગારા અડી ગયાં.
'ઓ મા... ' કહેતાં તેણે જગદીશને જોરથી ધક્કો માર્યો. ગભરું પારેવાની માફક ફફડતી લેખા રતનમાની પાસે દોડી ગઈ. રતનમા ઘડીના છઠ્ઠા ભાગમાં બધું સમજી ગયાં.
બરાબર તે જ સમયે સમીર આવી પહોંચ્યો. લેખાને આવી હાલતમાં જોઈ તે ગભરાયો.
"શું થયું લેખા? આમ અચાનક? મા, શું થયું? તમે તો કંઈ બોલો."
"અરે, કશું નહીં. એ તો થાકી હશે. જમાઈ જી તમે ચિંતા ન કરો. તમે ને તમારા મિત્ર જમી લેજો. હું લેખને અંદર લઈ જાઉં છું. થોડીવાર સૂઈ જશે તો બધું ઠીક થઈ જશે."
અછડતી પણ કરડાકી ભરી નજરે જગદીશની સામે જોતાં રતનમા લેખાને લઈને અંદર રૂમમાં જતાં રહ્યા.
તરત જ જગદીશ કોઈ આકસ્મિક કામ આવી ગયાનું કહી ત્યાંથી નીકળી ગયો. લેખા બેભાન જેવી થઈ ગઈ. ડોક્ટરને ઘરે બોલાવી દવા આપી તેને ઘેનનું ઇન્જેક્શન આપી સુવાડી દીધી.
રતનમાના ચહેરા પરની કરચલીઓ કશું અઘટિત બન્યું હોવાની ચાડી ખાતી હતી. સમીરે પૂછ્યું.
"મા, જે હોય તે સાચું કહેજો. આમ અચાનક શું બન્યું. લેખા મને મારા જીવથી પણ વ્હાલી છે. તેની આવી હાલત હું જોઈ નથી શકતો."
"શું કહું? કહું કે ન કહું?..." ગડમથલ દૂર કરી તેમણે વાત માંડી.
"બેટા, જો હવે હું જે કહીશ તે ધ્યાનથી સાંભળજે, વિચારજે પછી તારો જે પણ નિર્ણય હશે તે મને મંજૂર હશે. હું એક પણ હરફ નહીં ઉચ્ચારું"
"અરે! મા. મારું મન હવે ગભરાય રહ્યું છે, જે હોય તે કહી દો. પછી જે હશે તે જોયું જશે."
"તો સાંભળ, તારો આ મિત્ર જગદીશ એટલે અમારા ગામના ઉતાર જેવો જગો છે. ચાર ગામ સુધી માથાફરેલ તરીકે પંકાયેલો જગો અચાનક ક્યાંક જતો રહેલો. રાતોરાત આમ જગો ગયો ક્યાં? કોઈને ખબર નહોતી. એક રીતે સૌને હાશકારો જ થયેલો કે, 'ચાલો હવે, છોકરાઓ ગભરાયા વિના રમી શકશે, વહુ દીકરીઓ ગભરાટ કે વિના સંકોચ ઘર બહાર નીકળી શકશે. ને, બધાને રોજની માથાકૂટમાંથી મુક્તિ મળી.' બધાને તો ટાઢા પાણીએ ખસ ગઈ. મહાદેવને પ્રસાદ ધર્યો કે જગો કોઈ દી' પાછો નૈ આવે. તે વાતને ત્રણ વર્ષ વીતી ગયાં. બધાં તેને ભૂલી ગયેલાં."
"હા, પણ હવે તે એક મોટો વેપારી છે. તમારે હવે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. શું લેખા તેનાથી ડરીને બેભાન થઈ ગઈ? એટલું તો શું બીવાનું હતું?" સમીરે હાશકારો લેતાં કહ્યું.
"મારી વાત પૂરી નથી થઈ બેટા. ખરી વાત હવે જણાવું. આ જગાએ એકવાર નવરાત્રિમાં એક રાત્રે લેખાનું શિયળ..." રતનમા આગળ બોલી ન શક્યાં. તેઓ રડી પડ્યાં.
સમીરના પગ નીચેથી અચાનક ધરતી ખસી ગઈ હોય તેમ તે ખુરશી પણ ફસડાઈ પડ્યો. શું બોલવું તેને બે ઘડી કશું સમજાયું નહીં.
"જો બેટા, આમાં મારી લક્ષ્મીનો કોઈ વાંક નહોતો. તેણે મને લગ્ન પહેલાં તમને જણાવવાનું કહ્યું હતું, પણ મેં ના પાડી હતી. ભૂલ મારી હતી. મારું માનું મન હાથ ન રહ્યું. તમારી સાથે મને મારી દીકરીનું સારું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું."
બે હાથ જોડી રતનમાએ સમીર સામે જોયું. દિગ્મૂઢ થઈ ગયેલા સમીર પાસે હવે જવાબની કોઈ આશા રાખવી ખોટી હતી.
"તમારો નિર્ણય મને મંજૂર છે. તમારે કશું કહેવાની જરૂર નથી. અમે મા દીકરી સવારે અહીંથી નીકળી જઈશું."
રતનમા અંદર લેખા પાસે ગયાં. સમીર આખી રાત પડખાં ફેરવતો રહ્યો. લેખા સાથેની હર એક પળ તે ફરી જીવી ગયો.
મોડી રાત્રે આંખ લાગી જતાં તે આગળના રૂમમાં જ સુઈ ગયેલો. કંઈક અવાજ થતાં તેની ઊંઘ ઊડી. તેણે જોયું તો લેખા રસોડામાં કામ કરતી હતી. રતનમા ખુરસી પર મ્લાન વદને બેઠા હતાં. થોડે દુર એક સુટકેસ અને એક મોટો થેલો મૂક્યો હતો. સમીર સમજી તો ગયો કે, જવા માટે આ સામાન તૈયાર રાખ્યો છે. સજળ નેત્રે, નીચી નજરે તેણે સમીર માટે ચાનો કપ ટેબલ પર મૂક્યો. લેખાએ સમીર સામે હાથ જોડ્યાં. તે તેની સાથે નજર મિલાવી ન શકી.
"બેટા, જમાઈ કહેવાનો તો કદાચ હવે હક નથી, પરંતુ બની શકે તો અમને બંનેને માફ કરી દેજો. તમારા માટે બપોરની રસોઈ કરી રાખી છે. અમે અત્યારે દસની બસમાં નીકળી જઈશું."
સમીરે તેની સુજેલી ઉજાગરાવાળી આંખો ચોળી. તેનું માથું ભારે થઈ ગયું હતું. લેખા ખૂબ જ સહેમી ગઈ હતી. તેનામાં સમીરને કશું કહેવાની કે તેની સામે જોવાની પણ હિંમત નહોતી. સમીર શૂન્યમનસ્ક બેઠો હતો. શું કરવું તેને પણ સમજાતું નહોતું.
હવે ત્યાં વધુ રોકાવું અઘરું બનતાં રતનમાએ સમીરના માથે હાથ મૂક્યો.
"ચાલો, જય શ્રીકૃષ્ણ."
લેખા પરાણે પરાણે આગળ વધી. તેની આંખોએથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો.
દરવાજા સુધી માંડ પહોંચી ત્યાં જ...
"લેખા, મને સાંજે કોણ જમાડશે? તું આમ છોડીને ચાલી જશે તો મારું ધ્યાન કોણ રાખશે? મારી તો આખી દુનિયા જ તું છે."
લેખા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. સમીરે તેની પાસે જઈ તેને હાથ પકડી પાછી લાવી સોફા પર બેસાડી.
"મારે તારા ભૂતકાળ સાથે કોઈ લેવાદેવા નથી. હું તને જાણું છું. તેં ક્યારેય મને કોઈપણ બાબતે ફરિયાદનો મોકો આપ્યો નથી. તું મારી છે બસ મારી જ. ને, પેલા જગદીશનું શું કરવું એ હું જોઈ લઈશ. આ જગા નામનો *ડંખ* સુદ્ધાં તું મનમાંથી કાઢી નાંખ. હવે પછી હું તેનો પડછાયો પણ તારા પર પડવા નહીં દઉં."
સમીરે રતનમાના ચરણ સ્પર્શ કર્યા.
"મા, થોડા દિવસ રોકાઈ જાવ. હું કામ પર જાઉં ત્યારે લેખા એકલી હોય. આ પરિસ્થિતિમાં તમારી એને જરૂર છે."
"જીવતાં 'રો દીકરા. તમારા પર ઇશ્વરના ખૂબ ખૂબ આશીર્વાદ રહે." રતનમાએ સમીરને ગળે લગાડી દીધો.
થોડા દિવસોમાં માની કાળજી અને સમીરના પ્રેમે લેખાને સ્વસ્થ કરી દીધી. આ દરમ્યાન સમીરે વધુ તપાસ હાથ ધરતાં જગદીશ ઉર્ફે જગાનો બીજી પણ ઘણો કાળો કારભાર ખબર પડ્યો. સમીરે પોલીસમાં જાણ કરી તેને જેલ ભેગો કર્યો.
✍️ *પૂર્વી પટેલ 'pk'*

