કસ્તુરી
કસ્તુરી
*કસ્તુરી*
"સૂકી ધરતી પર શું ખાક ખેતી થાય? ગમે તેટલી મહેનત કરો કશું ન ઊપજે. હવે પડ્યો પનારો નિભાવ્યે જ છૂટકો."
જમનાબેનના વાકબાણ કસ્તુરીના કાળજાને કોરી ખાતાં.
સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીના નિયમો ઓછાં હોય તેમ લગ્નના ત્રીજા વર્ષે પણ કસ્તુરીની ગોદ સુની રહી એટલે મેણાંટોણાંનો પાર નહીં. સાગર કસ્તુરીને પૂરા મનથી ચાહતો પણ, મમ્મી આગળ લાચાર હતો. તે ફરિયાદ કરતી તો સાગર તેને જ સમજાવતો.
"જો, તું સમજ. મમ્મીએ કેટલાં સંઘર્ષથી મને..."
"બસ, સાગર. તું પણ તારી મમ્મીની જેમ જુનો આલાપ ગાવાનું બંધ કર. મેણાંટોણાં, પાર વિનાના નિતિ નિયમો... હું સુખેથી શ્વાસ પણ નથી લઈ શકતી." કસ્તૂરીએ સાગરને વચમાં જ અટકાવ્યો.
કસ્તુરી હવે ગૂંગળાઈ રહી હતી. એક કાચી ક્ષણે તે ઘરમાંથી નીકળી પડી. 'શું કરવું, ક્યાં જવું' તેને કશું ભાન નહોતું. વિચારોમાં અટવાયેલી ચાલતી રહી. થોડી વારે તેને સમજાયું કે, તે કોઈ અજાણ્યા રસ્તે આવી પહોંચી છે. આસપાસ નજર કરી, નાના મોટા પથ્થરો અને ઝાડવાઓ સિવાય કશું નહોતું. અહીંનો નિતાંત સૂનકાર તેના મનને શાતા આપી રહ્યો. કસ્તુરી પથ્થર પર બેસી ગઈ. વાતાવરણની ઠંડકમાં તેણે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો. એવામાં તેને રડવાનો અવાજ આવ્યો. તે ચોંકી. 'અહીં આવી વેરાન જગ્યાએ કોણ હશે?'
તે અવાજની દિશામાં આગળ વધી. તેણે જોયું કે, દસેક વર્ષની ગભરાયેલી છોકરી રડી રહી હતી.
"ડર નહીં, તું કોણ છે? અહીં કોની સાથે આવી?"
"હું, મારા પપ્પા સાથે, મારા પપ્પા ક્યાં છે?" તે છોકરી વધુ રડવા લાગી.
"ચુપ થઈ જા, દીકરા. હું તને તારા પપ્પા પાસે લઈ જાઉં. બહુ દૂર નહીં ગયાં હોય."
"પણ, પપ્પા તો મને અહીં જ બેસવાનું કહી રાતના જ જતાં રહ્યાં." છોકરી ડૂસકું ભરતાં બોલી.
કસ્તુરીના મનમાં હજારો સવાલ વંટોળિયાની માફક ચકરાવો લેવા લાગ્યાં.
'આના પિતા છોડીને ભાગી ગયા હશે? કદાચ અહીં મૂકીને કોઈ મદદ કે ખાવાનું લેવા ગયા હોય? કશું અઘટિત પણ થયું હોય?'
"આંટી, ચાલોને, મારા પપ્પાને શોધવા."
છોકરીના અવાજથી કસ્તુરીના વિચારો અટક્યાં. "બેટા, તારું નામ શું છે?"
"હરિણી."
"અરે વાહ! તું હરણી જેવી જ પ્યારી છે."
"મારી મમ્મી પણ મને આવું જ કહેતી." કહેતાં તે ફરી રડવા લાગી.
"અરે! રડવાનું નહીં. તારી મમ્મી ક્યાં છે?"
"મમ્મી તો મરી ગઈ."
સાવ નિર્દોષ ભાવે હરિણી બોલી ગઈ.
"ઓહ !" કસ્તુરીએ તેને ગળે લગાડી દીધી.
પોતાની આંખમાં આવેલા આંસુ લૂછી તે હરિણીની આંગળી ઝાલી ત્યાંથી ફરી ઘર તરફ જવા નીકળી.
થોડે આગળ આવતાં પાકો રસ્તો અને એકલ દોકલ વાહનોની અવર જવર દેખાય. કોઈ રીક્ષા મળી જાય તેવા આશયે તે થોડે સુધી આગળ આવી. હરિણી થાકી ગઈ હતી. કસ્તુરી રસ્તાની એક બાજુએ ઊભી રહી રિક્ષાની રાહ જોતી હતી. થોડી વારે તેનું ધ્યાન ગયું કે, હરિણી પાછળ આવેલી નાની દુકાન તરફ જોઈ રહી હતી. તે સમજી ગઈ કે, તેને ભૂખ લાગી હશે. બીજી જ પળે યાદ આવ્યું કે, પોતે ખાલી હાથે ઘરમાંથી નીકળી ગઈ હતી. તેની પાસે તો કશું નહોતું.
તેણે દુકાનવાળા ભાઈને બધી વાત જણાવી. તેમણે માનવતા દર્શાવી એક બિસ્કિટનું પેકેટ આપ્યું.
દુકાનવાળાના ફોનથી કસ્તુરીએ સાગરને હકીકત જણાવી પોલીસ સ્ટેશન આવવા કહ્યું. પોતે પણ રીક્ષામાં નીકળી. તેના ચહેરા પર પણ ભૂખ અને થાક સ્પષ્ટ વર્તાતા હતાં.
સાગર પહેલાં જ પહોંચી ગયો હતો. તેણે રિક્ષાવાળાને ભાડું ચૂકવ્યું. પોલીસે કેસ નોંધી રાત થઈ ગઈ હોવાથી હાલ પૂરતું હરિણીને તેમની સાથે જ લઈ જવા કહ્યું.
'એક બે દિવસમાં તેના પિતાની ભાળ મળે એટલે તમને ફોન કરશું. નાની બાળકી છે, આમ જ કોઈને સોંપી ન દેવાય.' હાલ બીજો કોઈ વિકલ્પ નહોતો.
સાગરે ઔપચારિકતા પૂરી કરી. ત્યાં સુધીમાં બાંકડા પર બેઠેલી હરિણી થાકીને કસ્તુરીના ખોળામાં માથું નાંખી સૂઈ ગઈ.
"હવે શું? આને ઘરે કેવી રીતે લઈ જઈશું? હું બપોરથી ઘરે નહોતી, ને આને જોઈને તો મમ્મી તો મારો જીવ લઈ લેશે." કસ્તુરીએ હરિણીને ઊંચકી લઈ તેનું માથું ખભે મૂકી તેની પીઠ પર હાથ પસવાર્યો.
"તું આ રીતે ઘરેથી નીકળી ગઈ તેથી મમ્મી ખૂબ ગભરાઈ ગઈ છે. 'લોકો શું કહેશે? સમાજમાં ઘરનું નામ ખરાબ થશે..' આવા વિચારોથી તે સહેમી ગઈ છે."
"એક બે દિવસમાં તો પોલીસ આના પિતાને શોધી જ લેશે. ત્યાં સુધી તું મને સાથ આપજે."
કસ્તુરી જાણતી હતી કે, તેણે જ હિંમત રાખવી પડશે. સાગરની વાત પરથી હવે સાસુજી સાથે કેવી રીતે રહેવું તેને સમજાય ગયું. તેણે સાગરને કશું સમજાવી દીધું.
ઘરે પહોંચ્યા, જમનાબેન દરવાજે તાકીને જ બેઠાં હતાં. કશું બોલે તે પહેલાં જ કસ્તુરીએ તેના રૂમ તરફ ચાલવા માંડ્યું.
સાગરે કસ્તુરીના સમજાવ્યા મુજબ જમનાબેનને હકીકત જણાવી. સાથે સાથે તેમના મનમાં એ વાત પણ નાંખી દીધી કે, 'હમણાં કશું બોલીશ નહીં. તે પાછી ક્યાંક ચાલી ગઈ તો?'
સાગર રૂમમાં ગયો.
ગુલાબી રંગની રજાઈ ઓઢીને સુતેલી હરિણી ઢીંગલી જેવી લાગતી હતી. અત્યાર સુધીમાં સાગરે પહેલીવાર તેને આટલાં ધ્યાનથી જોઈ હશે. પરાણે વ્હાલ ઊભરાય આવે તેવી દીકરીને આમ છોડી દેવા પાછળ તેના પિતાની શું મજબૂરી હશે?
"કેટલી પ્યારી છે. તેના પિતાની ભાળ મળી જાય તો સારું." સાગર ધીમા અવાજે બોલ્યો.
"ન મળ્યાં તો?" કસ્તુરીએ હરિણીના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં શંકા જતાવી.
"અરે! બિચારી અનાથ થઈ જશે."
"ના, ના, અનાથ કેમ? જો એના પિતા ન મળે તો... સાગર, શું હું આ હરિણીના જીવનની કસ્તુરી ન બની શકું? *અજાણ્યા રસ્તેથી આ વ્હાલનો દરિયો મારા ઘર સુધી આવ્યો છે.* શી ખબર આ ઈશ્વરનો જ કોઈ સંકેત હોય? કદાચ આની મા બનવાનું મારા ભાગ્યમાં લખાયેલું હશે તેથી આજ સુધી મને કોઈ સંતાન..."
કસ્તુરી ડૂસકું ગળી ગઈ.
સજળ આંખે સાગરે કસ્તુરીને બે હાથ ફેલાવી પોતાની બાંહોમાં ભરી લીધી. કંઈ ન બોલીને તેણે આજે પહેલીવાર કસ્તુરીને સાથ આપ્યો.
✍️ *પૂર્વી પટેલ 'pk'*
