ફોટો કે મુખવટો
ફોટો કે મુખવટો
*ફોટો કે મુખવટો*
શહેરથી થોડે જ દૂર આવેલા અને હજી ત્રણેક વર્ષ પહેલાં જ શરૂ કરાયેલ સેવક વૃદ્ધાશ્રમ. શાંત, સુઘડ અને સગવડવાળો. આશ્રમના પરિસરમાં બહારના મુખ્ય દરવાજાથી અંદર ફેલાયેલા ત્રણેક રસ્તાઓની કોરે કોરે આસોપાલવના ઊંચા વૃક્ષો અભિવાદન કરતા ઊભા હતા. આમ તો આખું પરિસર હરિયાળું. સીધો રસ્તો કાર્યાલય સુધી જાય. બીજો રસ્તો ડાબી બાજુ બનાવેલા નાનકડા બગીચા તરફ અને ત્રીજો રસ્તો જમણી બાજુ બનાવેલા ભગવાનના મંદિર તરફ જાય. વિશાળ જગ્યામાં બનેલો આ વૃધ્ધાશ્રમ ખરેખર સદભાવથી ભર્યો ભર્યો હતો. અહીંના મેનેજર ઉમાકાંતભાઈ ઘણા મિલનસાર. અન્ય કાર્યકર્તા ભાઈ બહેનો પણ ખૂબ શાંત અને નરમ સ્વભાવના હોવાથી અહીં રહેતા બધા પોતાના દુઃખ ભૂલીને સુખેથી રહેતા હતા. સાઈઠથી વધુની ઉંમરવાળા પાંત્રીસેક સભ્યોનો આ એક સુખી પરિવાર હતો એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.
સવારે બરાબર આઠ વાગ્યે આરતી થાય. વહેલા મોડા બધા આરતીમાં જોડાય. આરતી પૂરી થાય પછી બધા ચા નાસ્તા માટે કેન્ટીન તરફ જવા લાગે. આજે સવારથી કોણ જાણે કેમ, કિશોરકાકાનું મોઢું ઉતરેલું હતું. દરરોજ જેવા તેઓ ખુશ નહોતા લાગતા. આરતી દરમ્યાન તેમનું ધ્યાન વારંવાર મંદિરમાં બે દિવસ પહેલા લગાવેલ અહીંના માલિકના ફોટા પર જતી હતી. આરતીમાં આવેલા કેટલાક તો તેમના ફોટાને પણ પગે લાગતા હતા. આ જોઈ કિશોરકાકા વધુ અકળાયા. તેમના ચહેરા પર ફોટાવાળી વ્યક્તિ પ્રત્યેનો અણગમો સાફ દેખાતો હતો. જગદીશભાઈએ તેમને પૂછ્યું પણ તેમણે જવાબ બીજે વાળી દીધો.
"અરે કશું નથી. ચાલો હવે નહીંતર તમારી ચા ઠરી જશે." વ્યર્થ હસવાનો ડોળ કરતાં કિશોરકાકા જગદીશભાઈનો હાથ ઝાલી કેન્ટીન તરફ ચાલ્યા.
કિશોરકાકા દરરોજ બેવાર ચા પીતા. આજે એકવાર જ વાર અને તે પણ સાવ કમને પીધી. નાસ્તો પણ જાણે કરવા પૂરતો કર્યો. જેમ તેમ બધું પતાવી તેઓ ઝડપથી કાર્યાલય તરફ ગયા. જગદીશભાઈ બધું જોયા કરતા હતા. તેઓ પણ કાકાની પાછળ દોરવાયા.
"ઉમાકાંતભાઈ, મંદિરમાંથી પેલો ફોટો તમે હટાવ્યો નથી? મેં તમને બે ત્રણવાર કહ્યું. તમે સમજતા કેમ નથી?"
કિશોરકાકાએ કાર્યાલયમાં પહોચતા જ ઉમાકાંતભાઈને રીતસરના ખખડાવ્યા.
"જુઓ, કાકા. આ ફોટો અહીંના માલિકનો છે. તે આમ જ ત્યાંથી ખસેડી ન લેવાય. તેમની દાતારીના કારણે અહીં આપ સૌ આટલી બધી સગવડો ભોગવી રહ્યા છો. આપ સૌ માટે તો તેઓ ભગવાન સમાન જ કહેવાય ને!"
"ભગવાન? કેવા ભગવાન?" કહી કિશોરકાકાએ તુચ્છકાર સાથે ગુસ્સાથી મોઢું બગાડ્યું.
"અરે કાકા કેમ આમ બોલો! આશ્રમમાં રહેતા બધા સભ્યોની મરજીથી તેમનો ફોટો મંદિરમાં લગાવ્યો છે. ત્યારે તમે કેમ કશું ન બોલ્યા?"
રમાકાંતે તેમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આજે કિશોરકાકા જાણે અડી ગયા.
"બસ, સો વાતની એક વાત આ ફોટો મંદિરમાં ન જોઈએ. તમારે બીજે જ્યાં લગાડવો હોય ત્યાં.. ટીંગાડો એને જ્યાં મરજી હોય પણ મંદિરમાં નહીં."
કાકા ત્યાંથી એક ઉચાટ સાથે નીકળી ફરી મંદિરના ઓટલે જઈ બેઠા. તેમની પાછળ પાછળ જગદીશભાઈ પણ પહોંચ્યા. કિશોરકાકાનું આશ્રમમાં ઘણું માન. તેમના સેવાભાવી સ્વભાવના કારણે તેઓ બધાના માનીતા.
"કિશોર, ભાઈ તને કોઈ 'દી આમ ગુસ્સામાં જોયો નથી. શું વાત છે? આમ આ એક ફોટાને લઈને તું..." પોતે ઉંમરમાં મોટા હોવાથી જગદીશભાઈ તેને તુંકારે બોલાવતા.
"એક ફોટો? આ માણસનો તો ફોટો પણ મને આંખમાં કણાની જેમ ખુંચે છે. તેમાં પણ ભગવાનની સાથે આની તુલના? આ દેવ નથી દાનવ છે દાનવ."
કાકાએ જગદીશભાઈને વચમાં જ ટોક્યા.
"તું કંઇ ફોડ પાડ. જો આપણા માટે તો આ દેવતા..."
"બસ, બસ કરો. તમે બધા આનું અસલી રૂપ નથી જાણતા. આ બનાવટી ફોટો છે. આ કોઈ દેવતા નથી. આ તો શેતાન છે શેતાન."
કાકા ખૂબ જ અકળાઈને બોલ્યા.
"હેં શું વાત કરે? કિશોર, તું કંઇ સમજાય તેમ બોલ. બાકી જો ખાનદાની, સખાવતી ભાવ તો એમના મોઢા પરથી છલકે છે. અમે તો ફોટો જોઈને જ તેમને ઓળખીએ. શું ફોટો ખોટો હોય?" જગદીશભાઈએ કિશોરના ખભે હાથ મૂકતાં કહ્યું.
"ના. *ફોટો સદા ખોટો* ન હોય પણ આ ફોટો તો સાવ ખોટો છે. તું જે વિચારે છે તેનાથી સાવ વિપરીત. સાંભળ. આ ફોટામાં દેખાતો ખાનદાની માણસ મારો બનેવી ધરમ છે. ફોટામાં તેના ચહેરા પર દેખાતી ખાનદાની એક મુખવટો છે. મારે અને રમા વચ્ચે છ વર્ષનો ફેર. રમા મારાથી ઘણી નાની તેથી હું તેની મારી દીકરીની જેમ કાળજી કરતો. જ્યારે રમાને પરણાવી ત્યારે ધરમની પાસે ખાસ કશું નહોતું. દહેજની લાલચમાં રમા સાથે લગ્ન કરી જાત જાતની માંગણીઓ કરતો હતો. માંગણી પૂરી ન થાય એટલે રમા સાથે મારઝુડ કરતો. આખરે થાકી હારીને રમાએ જાતને સળગાવી લીધી.."
"ઓહ! હે ભગવાન." જગદીશ સડક થઈ ગયો.
"પણ મને સો ટકા ખાતરી છે કે મારી બેન જાતે તો બળી નહીં જ હોય. આ નરાધમે જ... અરે મૃત્યુ પામી ત્યારે તેનો ચહેરો પણ અમને જોવો નશીબ નહોતો થયો. પોટલું વાળી હોસ્પિટલમાંથી આપી હતી. આ શેતાને મારી રમાને દહેજના ખપ્પરમાં હોમી દીધી."
આટલું બોલતા કિશોરકાકા પોસ પોસ આંસુએ રડી પડ્યા.
થોડીવારે કળ વળતા તેમણે આગળ વાત માંડી.
રમાના જવાનો આઘાત મારી માથી સહન ન થયો. તે મૃત્યુ પામી. તેની પાછળ છએક મહિનામાં મારા પિતાજી પણ સ્વર્ગે સિધાવ્યા.
થોડું અટકી કિશોરકાકાએ વાત આગળ ધપાવી.
"કોણ જાણે આ શેતાન ક્યાંથી આટલો ધનવાન થઈ ગયો? નિયતનો તો ખોટો જ હતો. ખોટા રસ્તે જ ધન મેળવ્યું હશે. રમા અને બા બાપુજીના ગયા બાદ મેં લગ્ન જ ના કર્યા. જ્યાં સુધી પોતાનું બધું કરી શક્યો, કર્યું પણ, હવે ઉંમર થતા હું અહીં આવ્યો. આવ્યો ત્યારે જાણ નહોતી કે આ આશ્રમ આનો..."
ગળે ભરાયેલ ડૂમો ઊતરતા તેમણે જગદીશભાઈની સામે જોઈ પૂછ્યું.
"હવે તું બોલ, આ શેતાનને ભગવાનની સાથે રખાય? અરે આનો ફોટો તો શું પડછાયો પણ ક્યાંય પડવો ન જોઈએ."
જગદીશભાઈ પણ આઘાતમાં હતા. તેઓ કશું બોલે તે પહેલાં જ ઉમાકાંતભાઈનો બોલવાનો અવાજ આવ્યો. તેઓ ક્યારે અહીં આવી ઊભા રહ્યા ખબર ન પડી. તેમણે બધી વાત સાંભળી. તેમની આંખો પણ ભીની હતી.
"કાકા, તમારી વાત સાંભળ્યા બાદ હવે મને તમારી અકળામણ સમજાય છે. હું આજે જ આ ફોટો અહીંથી હટાવી કાર્યાલયમાં મુકાવી દઈશ. ગમે તેમ તો માલિક છે, પણ, કાકા, તમારા માટે તેમના વિશે એક વાત જાણવી જરૂરી છે."
"આ નપાવટ વિશે હજી કશું જાણવાની જરૂર છે?" કિશોરકાકાએ નિ:સાસો નાંખ્યો.
"હા. મને ભૂતકાળ ખબર નહોતો પણ હું તેમનો વર્તમાન જાણું છું. આ અહીંના માલિક ધરમસિંહ. તેમની હાલની સ્થિતિ ખૂબ જ વેદના ભરી છે, કદાચ ભવિષ્ય પણ. તમારી વાત પરથી હવે મને સમજાય છે કે, ઈશ્વરે તેમને તેમના ગુનાની સજા આ જન્મમાં જ આપી દીધી. અઢળક સંપત્તિના માલિક પણ હાલ પોતે રક્તપિત્ત જેવા અસાધ્ય રોગથી પીડાય છે. રૂપિયો પૈસો કશું કામ લાગે તેમ નથી. પસ્તાવાના ભાર હેઠળ તેઓ પોતાની સંપત્તિને હવે આ રીતે ધર્મ અને સદાવ્રતો જેવા કામમાં વાપરી રહ્યા છે. આપણા આશ્રમનો વહીવટ તેમના આપેલા રૂપિયામાંથી જ થાય છે."
"હું જાણતો હોત તો અહીં આવવાનો વિચાર પણ ન કરત... આને તો મળે તેટલી સજા ઓછી છે. મારી પારેવડી જેવી બેનને.." કાકા બે હાથ વચ્ચે માથું પકડી ફરી રડી પડ્યા.
"કાકા, આપણે શું કોઈને દંડ આપીએ. જુઓ ઇશ્વરે જ તેને બરાબરનો દંડ આપ્યો છે. ઇશ્વરની ન્યાયની લાકડી ક્યારેક મોડી પડે પણ પડે ખરી. મોડેથી તો મોડેથી પણ રમાને ન્યાય મળી ગયો. હવે તમે પણ તેને માફ કરી પોતાને એ ભારમાંથી મુક્ત કરી લો. બીજે ક્યાંય જશો તો પણ આ ભાર તમારી સાથે જ રહેશે. તે તમને સુખેથી જીવવા નહી દે. માફી એ પણ એક પ્રકારનું પુણ્ય છે. આશ્રમને તમારી જરૂર છે અને તમને આશ્રમની. બાકી તમે સમજદાર છો."
થોડીવારમાં જ ઉમાકાંતભાઈએ ધરમસિંહના ફોટાને મંદિરમાંથી હટાવી લીધો. રમાની યાદ તેમને ફરી ફરીને વિહવળ કરી દેતી હતી. ઉમાકાંતભાઈ અને જગદીશભાઈ લગભગ તેમની આસપાસ જ રહી તેમને સહારો આપતા રહ્યા. તેમને સ્વસ્થતા કેળવતા થોડા દિવસો લાગ્યા. પોતે પાછા ભક્તિભાવવાળા ખરા! ભગવદ્ ગીતાનું રોજ વાંચન કરવાનો નિયમ પણ. આખરે કેટલાય મનોમંથન પછી 'દરેકના કર્મ દરેકની સાથે, માફ કરી પોતે તેની સાથેના સંબંધથી છૂટા થઈ જવું જોઈએ,' એમ માની કિશોરકાકાએ ધરમસિંહને માફ કરી બાકીનું જીવન ત્યાં વૃધ્ધાશ્રમમાં જ બધાની સાથે વિતાવવાનું નક્કી કર્યું.
✍️ *પૂર્વી પટેલ 'pk'*
