STORYMIRROR

purvi patel pk

Classics

4  

purvi patel pk

Classics

વ્યથાની કથા

વ્યથાની કથા

2 mins
14

*વ્યથાની કથા*
************

"તું એક વાત સમજ. તારા નજીવા શોખ પાછળ જેટલો સમય બગાડે છે તેમાં તને શું મળે? આ શોખ તને બે પૈસાની આવક કરાવી આપતું હોય તોયે હું તને સપોર્ટ કરું. પણ આ તો સાવ સમયનો વેડફાટ જ! થોડું વિચાર..." નમિતાને સમજાવી નીરવ રૂમમાં જતો રહ્યો. 

વેડફાટ? શબ્દ નમિતાના હદયની આરપાર નીકળી ગયો. બે ઘડી તે વિચારમાં પડી ગઈ. મારો શોખ અર્થોપાર્જનનું સાધન નથી, પણ તેને સમયનો વેડફાટ તો ન જ કહી શકાય. ફુરસદના સમયે તે ડાયરીઓના પાનાં પર કંડારાયેલા મરોડદાર અક્ષરો પર વસવસા સાથે હાથ ફેરવી નિ:સાસો નાંખતી. નમિતાની જિંદગી ખુશહાલ હતી પણ, જવાબદારીઓના ભાર નીચે તેની કલમ કચડાય ગઈ તેનું તેને દુઃખ હતું.

એક રવિવારે નમિતા બપોરે બેઠાં બેઠાં જ સોફામાં ઢળી પડી. તેને હોસ્પિટલમાં દાખલ કરી. આમ તો બધું નોર્મલ હતું છતાં ડોક્ટરે કેટલાંક રીપોર્ટસ કઢાવ્યાં. નમિતાને ચોથા સ્ટેજનું કેન્સર આવ્યું. ઘરમાં બધા ભાંગી પડ્યાં. નમિતા પણ અંદરથી તો ભાંગી જ પડી હતી. તેણે ખૂબ જ હિંમત રાખી. અઠવાડિયું બધા સુનમુન રહ્યાં. આખરે નમિતાએ દીકરા-વહુ અને નીરવ ત્રણેયને બોલાવ્યાં.

"જુઓ, આ રોગ હવે મારો જીવ લઈને જ જશે. રડવાથી મને સારું થવાનું નથી. તો મારે મારું બાકીનું જીવન હસીને પસાર કરવું છે." 
"બોલ ને, મમ્મી. હું તારી બધી ઇચ્છાઓ પૂરી કરીશ." સોનુ બોલતાં બોલતાં રડી પડ્યો.
"મમ્મી, હું પણ તમારી સેવા કરવામાં કોઈ કચાશ નહીં રાખું. હું નોકરી છોડી દઈશ. તમને જરાય તકલીફ.." 
"ના, બેટા. નોકરી છોડવાની કોઈ જરૂર નથી. તું તારી કારકિર્દી પર ધ્યાન આપ. મેં તો મારી જિંદગી ખર્ચી નાંખી પણ, તું મનનું કર. ઘરની કોઈ જવાબદારીઓના ઓથા હેઠળ તારી ઇચ્છાઓ મરવી ન જોઈએ." આટલું બોલી હાંફતાં ચહેરે તેણે નીરવ સામે જોયું. 
"તું જરાય ફિકર ન કર. સોનુ અને રોશનીની જિંદગી જેમ છે તેમ જ ચાલશે. મને અફસોસ છે કે, આ બાબતમાં હું તને આજ સુધી સમજી ન શક્યો. મને માફ કરી દે." નીરવ રડી પડ્યો. 

"આજથી હું મારા શોખને ફરી જીવંત કરવા માંગુ છું. જીવનના અંતિમ દિવસોમાં હું મારી પોતાની સાથે જીવવા માંગુ છું. નીરવ, તમે મને સાથ આપશો?"

નિરવે ગમગીન વદને ડોકું ધુણાવી હા પાડી. 
ત્યાર પછી નમિતા લગભગ દોઢ વર્ષ જીવી. મૃત્યુ પામતાં પહેલાં તેણે તેના જીવનનો *અંતિમ અધ્યાય* નવલિકા રૂપે લખ્યો. નામ આપ્યું *વ્યથાની કથા.*


✍️ *પૂર્વી પટેલ 'pk'*


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics