ગૌરી ગણેશ
ગૌરી ગણેશ
"જો સુધા, હકીકતને સ્વીકારવી પડે, ભાગ્યમાં જ ના હોય તો..."
સાસુજી સુધાને ઘણીવાર સમજાવતાં પણ, સુધાને તેના ગણેશજી પર પૂરો ભરોસો. તે ટસની મસ ના થઈ. આખરે પરિવારના સ્વજન જેવા જ ડોક્ટર દાદાએ બધાને કહ્યું કે, "તેને તેના હાલ પર છોડી દો. તેને જે કરવું હોય તે કરવા દો. શું ખબર તેની શ્રદ્ધા જીતી જાય ! ઈશ્વરના ચમત્કાર આગળ તો વિજ્ઞાન પણ નત મસ્તક છે."
ડોક્ટરો, જ્યોતિષો, ભૂવા-ભગત.... લગભગ બધાએ ના પાડી દીધી હતી. ભાગ્યમાં સંતાન સુખ નહોતું છતાં સુધા કેટલીયે બધા આખડીઓ રાખતી. કિશોર તેના આ ગાંડપણથી ઘણીવાર કંટાળી જતો. આખરે સુધા બેજીવતી થઈ. ઘરમાં સાસુ, સસરા, દિયર બધાએ તેનો પડ્યો બોલ ઝીલવા માંડ્યો.
લગ્નના સાત વર્ષ પછી સુધાના ખોળે દીકરી જન્મી. જોગાનુજોગ આજે ગણેશ ચતુર્થી હતી. મહોલ્લામાં ઢોલ નગારાં સાથે ગણપતિજીની સ્થાપના થઈ. દીકરીની કિલકારીઓથી ઘર ખીલી ઊઠ્યું. ગણેશજીની મહા કૃપા એટલે દીકરીનું નામ ગૌરી રાખ્યું. સુધા માટે તો ગૌરી ગણેશજીની પ્રસાદી !
આજે ગૌરીની છઠ્ઠી હતી. ઘરમાં પણ બધા ખૂબ ખુશ હતાં. સુધાને ત્યાં છઠ્ઠીની ઉજવણીની તૈયારી થઈ રહી હતી. છઠ્ઠીના દિવસે સાંજે અચાનક ગૌરીને તાવ આવ્યો. ખેંચ આવી ને ગૌરી બેભાન જેવી થઈ ગઈ. આખો પરિવાર શોકાતુર થઈ ગયો. ડોકટર દાદા આવ્યા, એક ઇન્જેક્શન મૂકી કાલે ફરી ચેક અપ કરવા આવવાનું કહી રવાના થયા. ડોકટર પોતે અવઢવમાં હતા કે, બધી રીતે નોર્મલ જન્મેલી બાળકીને આમ અચાનક ખેંચ કેવી રીતે આવી ! થોડી વારે ગૌરી ભાનમાં આવી. તેણે આંખો ખોલી. બધાએ એક હાશકારો અનુભવ્યો. રાત્રે ખાટલા નીચે છઠ્ઠી ભરી. દીવો પ્રગટાવી સૂપડામાં નવું ઝભલું, કંકાવટી, એક કોરો કાગળ અને કિત્તો (કલમ) મૂક્યાં. ગૌરી શાંત હતી. સુધા હંમેશની માફક ગૌરીમય હતી. મળસકે સુધાની ઊંઘ ખુલી, તેણે જોયું તો પડખામાં સુતેલી ગૌરી એકદમ શાંત, સ્થિર સ્થિતિમાં હતી. તે ગૌરીના કપાળ પર ચૂમી ભરવા નમી. ગૌરીમાં કોઈ હલન ચલન નહોતું. શરીર સાવ ઠંડુગાર અને મોઢામાંથી ફીણ નીકળી ગયેલાં.
"ગૌ....રી...." સુધાનો અવાજ ફાટી ગયો. કિશોર સફાળો બેઠો થઈ ગયો. સુધાની ચીસ સાંભળી બધા રૂમમાં દોડી આવ્યાં. ડોક્ટર દાદાને તાત્કાલિક બોલાવ્યાં. રાત્રે ઊંઘમાં જ આવેલી બીજી ખેંચમાં ગૌરીએ પ્રાણ ત્યજી દીધા હતાં. સુધાએ એક મિનિટ માટે પણ ગૌરીને પોતાના હાથમાંથી કોઈને આપી નહોતી. ડોક્ટર દાદાએ તેની ગોદમાં જ ગૌરીને ચેક કરી 'સોરી' કહી દીધું. સુધાએ ગૌરીને છાતીએ વળગાડી મરણ પોક મૂકી.
ડોક્ટરના આ એક જ શબ્દે એક હસતાં રમતાં પરિવારને જાણે સ્મશાન બનાવી દીધો. સુધા જડવત્ બની ગઈ. તે ગૌરીને છાતીએ વળગાડી બેસી રહી. કેટલુંય સમજાવવા છતાં તેણે ગૌરીને કોઈને પણ હાથ લગાવવા ના દીધો. આખો મહોલ્લો ભેગો થઈ ગયો. શું કરવું બધા અવઢવમાં હતાં. આખરે ડોકટર સાહેબે ધીમેથી સુધાને કહ્યું,
"સુધા, બેટા ! આ તો ગૌરી... ગણેશજીની પ્રસાદી છે ને ! તેની મરજી સમજ... આ તો તારા ગૌરી ગણેશ... હે ને ?"
સુધા શૂન્યમનસ્ક સાંભળતી રહી.
"તો બેટા, ગૌરી ગણેશજીની તો આજે વિદાય... ગૌરીનું વિસર્જન તો કરવું પડે ને..." કહેતાં ડોકટર દાદાનો અવાજ પણ ફાટી પડ્યો.
તેમણે ધીમે રહી ગૌરી.. વિદાય.. વિસર્જન... એમ બોલતાં બોલતાં હાથ લંબાવ્યો, કોરી આંખે સુધાએ તેનું કાળજું ડોકટર દાદાના હાથમાં સોંપ્યું. તેમણે સુધાના હાથમાંથી ગૌરીને લઈ કિશોરના હાથમાં આપી બધાને રૂમની બહાર નીકળી જવા કહ્યું. સુધાને ઘેનનું ઇન્જેક્શન આપી સુવાડી દીધી. અંતિમ વિધિ પૂરી કરી બધા ઘરે આવ્યાં. સવારે સુધીમાં સુધા ગાંડાઓની ન્યાતમાં વટલાઈ ગઈ.
