mariyam dhupli

Romance Tragedy Crime

3.2  

mariyam dhupli

Romance Tragedy Crime

સલાહ

સલાહ

6 mins
467


" વ્હાલમ. તું અને હું. બીજું શું ? "

" સાંભળ, આ શું ગણગણે છે ? અને ક્યાં જાય છે ?"

" સુહાનાને મળવા."

" પણ કેમ ? " 

" કેમ એટલે ? આજે વેલેન્ટાઈન્સ ડે છે. એને ભેટ આપવાની કે નહીં ?"

" ભેટ ? પણ એ તારી ભેટ નહીં સ્વીકારે. તું જાણે છે છતાં..."

" એ મને પ્રેમ કરે છે. તો મારી ભેટ કેમ નહીં સ્વીકારે ?"

"તું કોને છેતરે છે ? તું જાણે છે સુહાના તને જરાયે નથી ચાહતી."

" એમ કાંઈ હોય ? મેં એને ફેસબુક પર ફ્રેન્ડરિકવેસ્ટ મોકલી હતી ને એણે ઝટ સ્વીકારી લીધી હતી. "

"તો ? ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી. એને પ્રેમ જોડે શી લેવા દેવા ? એના અકાઉન્ટમાં જો...હજારો લોકોની ફ્રેન્ડ રિકવેસ્ટ એ સ્વીકારી ચૂકી છે. એનો અર્થ એ કે એ બધાને જ પ્રેમ કરે છે ?"

" મારી દરેક પોસ્ટને એ અચૂક લાઈક કરે છે. એનું શું ? "

"હા, તો પોસ્ટ ગમે એટલે તું પણ ગમે ?"

" હાસ્તો વળી. જયારે પણ મારી તરફ જુએ ત્યારે કેવું મીઠું સ્મિત વેરે છે ! તને નથી દેખાતું ?"

" દેખાય છે. બધુજ સ્પષ્ટ દેખાય છે. ફક્ત તારી તરફ જોઈનેજ નહીં એ દરેક પરિચિત વ્યક્તિ તરફ નિહાળે ત્યારે પોતાનું મીઠું સ્મિત વેરે છે. એ એના હૈયામાં સચવાયેલા સંસ્કારોનો સંકેત છે. પ્રેમનો નહીં. સમજ્યો ?"

"તો પછી પેલે દિવસે મેં એને મારી જોડે કોફી પીવા આવવાનું કહ્યું હતું ત્યારે એણે સ્પષ્ટ ના કેમ ન પાડી દીધી ? "

"અરે , યાર. તે કોફી પીવા માટે આમંત્રણ આપ્યું. એને કોફી ગમે છે. એ આવી ગઈ. હવે એને પ્રેમ જોડે શી લેવાદેવા ? ને એમ પણ એ દિવસે સૌરભ અને અંકિત પણ તો ગ્રુપ જોડે આવ્યા હતા. તો શું એ સૌરભ અને અંકિતને પણ..."

" ચૂપ મર. કેવી વાતો કરે છે ? મારી સુહાના ફક્ત મને પ્રેમ કરે છે. એના ચરિત્ર વિશે હું કોઈ પણ લવારો ન સાંભળીશ. "

" મિત્રો જોડે કોફી પીવાને ચરિત્ર જોડે કેવો સંબંધ ? તારું મગજ ઠેકાણે નથી." 

" મારું મગજ સાવ ઠેકાણે છે. એટલેજ તો સુહાના મારી ઉપર વિશ્વાસ કરે છે. પેલે દિવસે એની બસ મિસ થઈ ગઈ હતી ત્યારે મારી બાઈક નિહાળી એની આંખોમાં કેવી ચમક પ્રસરી ગઈ હતી ! મેં લિફ્ટ માટે પૂછ્યું અને એ તરતજ મારી પાછળ ગોઠવાઈ ગઈ હતી. એ દિલધડક રાઈડ હું કઈ રીતે ભૂલી શકું ? "

"લે.પાછી એજ વાત ? એ દિવસે એણે બસ મિસ કરી હતી. રીક્ષાઓની હડતાલ હતી. એક પરિચિત ચહેરો દેખાયો અને મદદ મળી ગઈ. એટલું જ. બીજું શું ? "

"એમ વાત છે ? તો જયારે પણ ફી ભરવાની હોય કે ફોર્મ ભરવાની લાઈનમાં ઊભા રહેવાનું હોય ત્યારે એ મને કેમ યાદ કરે છે ? ધ્રુવ, પ્લીઝ. મારા લેક્ચર મિસ થઇ જશે. ડુ મી એ ફેવર." 

"ઓ ભાઈ , એ એટલા માટે કે એના બીજા મિત્રો લેક્ચર બંક નથી કરતા. ને તું તો કેમ્પસનો સૌથી નવરો યુવક. આખો દિવસ પાર્કિંગમાં પડ્યો હોય. બધાજ જાણે છે...તું અંતિમ વાર લેક્ચર ભરવા ક્યારે ગયો હતો ?"

" બસ, બસ. હવે બહુ થયું. સુહાના મને પ્રેમ કરે છે અને હું સુહાનાને. મારે આગળ કશું નથી સાંભળવું. "

" કેમ ? સાંભળવું પડશે તારે. એમ આંખો મીંચી તારી કલ્પના સૃષ્ટિમાં ક્યાં સુધી રાચીશ ? હવે સમય થઈ ગયો છે. આંખો ખોલ અને સત્યનો સ્વીકાર કર. "

" સત્ય ? કેવું સત્ય ?"

" એ જ કે સુહાના તને પ્રેમ નથી કરતી. એ લક્ષ્યને...."

" મોં બંધ કરી દે તારું. એકદમ ચૂપ. નહીંતર..."

"નહીંતર...શું કરીશ ? ડરપોક. તું મારો વાળ પણ વાંકો નથી કરી શકતો. "

" જો કહી દઉં છું..મૂંગો મર....એક પણ શબ્દ બોલ્યો છે તો...."

" બોલીશ. એક નહીં...હજાર બોલીશ... સુહાના લક્ષ્યને પ્રેમ કરે છે. તને નહીં."

" શું પુરાવો છે તારી પાસે ?"

" એ દિવસે લક્ષ્ય કોલેજની દાદરો ઉપરથી ગબડી પડ્યો હતો ત્યારે સુહાના એ શું કર્યું હતું ?"

" હા, ઠીક છે ને. એ દોડતી ભાગતી પહોંચી ગઈ હતી. એની આંખોમાં આંસુ હતા અને એનું માથું એણે પોતાના ખોળામાં...તો એમાં શું બહુ મોટી વાત છે ? માનવતા ખાતર...."

" અને જયારે કેન્ટીનમાં તારો હાથ દાઝ્યો હતો ત્યારે ? "

"ત્યારે....ત્યારે...એ મને નિહાળી તો રહી હતી."

" હા, જેમ બીજા બધા તારી ઉપર દયા ખાઈ રહ્યા હતા તદ્દન એજ રીતે. એનાથી વધુ કશું જ નહીં."

"તો પછી એ મારા ઘરે શા માટે આવી હતી ? "

"ઓ..હેલો... તેં ગ્રુપમાં લક્ષ્યને પણ આમંત્રણ આપ્યું હતું એટલે. તું જાણતો હતો કે જો લક્ષ્ય આવશે તો સુહાના પણ ચોક્કસ આવશે. સ્માર્ટ પ્લે ! "

" જો સુહાનાને હજી નથી સમજાઈ રહ્યું કે હું એને કેટલો ચાહું છું, તો મારે એને સમજાવવી પડશે. મારે એની મદદ કરવી પડશે. એ અત્યંત નિર્દોષ છે. એને લાગે છે કે લક્ષ્ય...હા..હા...."

" બસ કર આ ગાંડપણ. હજી કેટલું સમજાવવાનું બાકી છે તારે ? વાત સમજમાં નથી આવતી તને ? તું સ્વીકારી કેમ નથી લેતો ? "

" મારે શું સ્વીકારવાનું છે ? સ્વીકાર તો સુહાના કરશે. મારો, મારા અનન્ય પ્રેમનો. એ દિવસે તું જોજે... તારો ચહેરો જોવા લાયક હશે. હા..હા.."

" શું આમ નકામું હસ્યા કરે છે ? ઇટ્સ રિયલી ઈરરિટેટિંગ. અકળામણ થાય છે યાર.બંધ કર આમ હસવાનું. ગેટ રિયલ. બી લોજિકલ. ભૂલી જા સુહાના ને. તને એનાથી પણ વધુ સારી છોકરી મળી જશે. વિશ્વાસ કર મારો. એ લક્ષ્ય જોડે ખુશ છે તો..."

" એ ફક્ત મારી જોડે ખુશ રહી શકે છે. મારા જેટલું એને કોઈ ચાહી ન શકે. એક વાર એ હા કહી દે બસ..હું આખી દુનિયા એના કદમો તળે લઇ આવીશ. જોજે."

" તું એમ ન માનીશ. તને યાદ અપાવવું જ પડશે."

"શ..શ...શ..નહીં...કઈ ન બોલતો."

" કાન પરથી હાથ ઉઠાવ ને સાંભળ, ડરપોક. એ દિવસે પીકનીક ઉપર શું થયું હતું ? કેમ ચૂપ થઈ ગયો ? મોમાં મગ ભરાઈ ગયા ? સાચો મર્દ હોય તો બોલ એ દિવસે શું થયું હતું ? "

" એ દિવસે...એ દિવસે...મેં એને પ્રપોઝ કર્યું હતું. બધાની વચ્ચે. "

" ને પછી ? હું તને પૂછું છું. સાંભળે છે ? સાંપ કેમ સૂંઘી ગયો ? બોલ...પછી શું થયું હતું ? "

" એ હસી પડી હતી. કેટલી સુંદર લાગી રહી હતી એ ! " 

" હા , બહુજ સુંદર લાગી રહી હતી. એના ખભે લક્ષ્યનો હાથ હતો. બધાજ હસી પડ્યા હતા. મેં નરી આંખે જોયું હતું. એ હાસ્યમાં તને એની ના ન સંભળાઈ ? હકીકત તો એજ છે કે તને બધું જ સંભળાયું હતું.બધું જ દેખાયું હતું. તું બધું સમજી ગયો હતો. છતાં ન જાણવાનો ડોળ રચી રહ્યો છે ? હજી પણ સમય છે. સ્વીકારી લે. મારી સલાહ માન. ભૂલી જા સુહાના ને. આ એકતરફી પ્રેમ ભલે તારા મનમાં સંગ્રહી રાખ. ભલે સુહાનાને પ્રેમ કર. એ તારા હૈયાનો હક છે. પરંતુ એને મેળવી લેવાના ચક્કરમાં તું સુહાનાનેજ નહીં ખુદને પણ ખોઈ દેશે. કોઈને સાચો પ્રેમ કરીએ એનો પુરાવો સામેના પાત્રના ઈકરારમાં નહીં એની આંખોમાં આપણી માટે ઝળકતાં સન્માનમાં મળે છે. શક્ય હોય તો એ સન્માન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર."

" તારું ફરી શરૂ થઈ ગયું. સાચેજ યાર. કાન પાકી ગયા મારા."

" સાંભળ ? ક્યાં જાય છે ? ને આ ખિસ્સામાં શું છૂપાવે છે ? કાંઈ તો બોલ."

" જસ્ટ વેઇટ એન્ડ વોચ... સુહાના માટે વેલેન્ટાઈન ભેટ છે. આજે એને એવી સરપ્રાઈઝ આપીશ કે એ હંમેશ માટે મારી થઈ જશે ને હું એનો. અમારી વચ્ચે કોઈ વિઘ્ન ન બચશે. "

" પણ, ધ્રુવ..સાંભળ...થોભ...હું પણ આવ છું તારી જોડે."

**

રસ્તાના ખૂણામાં પાર્ક કરાયેલી વાનમાં મોટે મોટેથી રડવાનો આક્રંદ ગૂંજી રહ્યો હતો. 

" હવે આમ પોક મૂકી રડવાનું બંધ કર. "

" નથી સહેવાતું યાર. બહુ દરદ થાય છે. "

" જાણું છું. દરદ તો થશેજ ને.."

" પ્લીઝ, મદદ કર. મારે હોસ્પિટલ નથી જવું. "

" હોસ્પિટલ તો જવું જ પડશે. છૂટકો જ નથી. અને હોસ્પિટલમાંથી સીધું જ..હા..હા...હા... "

" મને સુહાના પાસે જવું છે. બીજે ક્યાંય નહીં..."

" સુહાના તો જતી રહી. હવે એ તને ક્યારેય ન મળે. "

" પણ હું એના વિના નહીં જીવી શકું.."

" બહુ મોડું થઈ ગયું. હવે કાંઈ ન થાય. તું જીવીશ અને હું પણ તારી જોડે...કાશ કે તેં મારી સલાહ માની હોત..પ્રેમ પ્રાપ્તિમાં નહીં સમર્પણમાં જ પ્રાપ્ય..."

વાનમાંથી ગૂંજી ઉઠેલી રુદન મિશ્રિત ચીખે ભયભીત વાતાવરણને વધુ ડરામણું બનાવી મૂક્યું. 

વાનની નાનકડી સ્લાઈડિંગ વિન્ડોમાંથી કોન્સ્ટેબલની ભયભીત નજર વાનની અંદર તરફથી ત્વરાથી બહાર ખેંચાઈ આવી. થોડા ડગલાં ઉતાવળે ભાગી એણે એક કડક સલામી ભરી. 

" સાહેબ, સાઈકો લાગે છે. એકલો એકલો વાતો કરે છે. "

પુલીસ ઓફીસરની ઝૂકેલી દ્રષ્ટિમાં નફરત અને ઘૃણાનું વાવાઝોડું ઉઠ્યું. 

" સાયકો જ હશે ને સાલો. પ્રેમના નામે એકવીસ વર્ષની યુવતીના ગળે છરો ફેરવી નાખ્યો અને પોતાના હાથની નસ કાપી નાખી. " 

ગુસ્સામાં થરથરી રહેલા પોલીસ ઓફીસરના બુટ પાસે લોહીના ખાબોચિયામાં પડેલી યુવતીના મૃતદેહની આંખો હેબતમાં પહોળી ફાટી હતી. હોસ્પિટલ તરફ ઉપડી રહેલી એમ્બ્યુલન્સ વાનમાંથી ક્યારેક મોટેથી હસવાનો તો ક્યારેક હૈયાફાટ રુદનનો પડઘો સંભળાઈ રહ્યો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance