Dina Vachharajani

Classics

4  

Dina Vachharajani

Classics

સ્કેવર ફૂટ

સ્કેવર ફૂટ

4 mins
425


"અરે ! ભાઇ તું ક્યારે આવ્યો ? મેં તો તારું સ્કૂટર ગેટમાં આવતાં ન જોયું ! અરે હા.....હું પેલા સોહન-મોહનની લડાઇ જોવામાં મશગુલ હતો ત્યારે તું ગેટમાં ઘૂસી ગયો હોઇશ. આજે તો એવી જામી હતી ! બંને હાથ લાંબા કરી એકબીજાને ભાંડતા હતા. આજના ઝઘડાનું જે પણ કારણ હોય. સાચું કારણ મને પૂછો ! રોજ સવારે સોહનનો દીકરો અને મોહનની દીકરી, કોલેજ જવા એકલા-એકલા નીકળી પેલું અહીંથી દેખાય છે ને એ આંબાની ઝાડ નીચે એકમેકની રાહ જુએ. અને પછી જ સાથે જાય છે. મજાનાં ઘૂંટર ઘૂં કરતાં...બસ, આ ન ગમતી વાત જાણીને જ બંને એકબીજા પર ગિન્નાય છે. આજકાલનાં છોકરાંઓ તો કંઇ સાંભળે નહીં તે બંને એકબીજાને સંભળાવી ભડાશ કાઢે છે એ હું જાણું છું !"

ઉત્સાહથી મોહનલાલ દીકરાને હજી કેટલીએ કથાઓ સંભળાવે એ પહેલાં પ્રકાશ જરા ચીડાઇને રીતસર તાડૂક્યો જ, " બાપુજી, તમને આ રોજ-રોજ નવી પંચાતમાં શું રસ પડે છે ? તમારે કોઇ કામ-ધંધો નથી, મારે તો છે ને !" પુત્રને ચીડાયેલો જોઇ મોહનલાલ ત્યાર પૂરતાં તો ચૂપ ......

બીજો દિવસ અને પાછી બીજી કહાની મંડાતી "વહુબેટા, આ સામેની વીંગમાં તમારા બહેનપણી રહે છે ને તે એની દીકરીની સગાઇ-બગાઇ નક્કી થવાની લાગે છે.આજે મોટરમાંથી ઉતરી મહેમાનો આવ્યાં હતાં એમનાં ઘરે. એમાં એક સૂટેડ-બૂટેડ જુવાન પણ હતો. વળી પાછાં એ ગયાં, ત્યારે તમારી બહેનપણી ને એનો વર નીચે સુધી મુકવા પણ આવ્યા'તા !"

તો વળી ક્યારેક સામેના તૂટી પડેલાં વૃક્ષની કે કમ્પાઉન્ડમાં વિયાયેલી કૂતરીની કે પછી આકાશમાં ઘેરાતા વાદળો જોઇ વરસાદની એંધાણી જેવી કેટલીયે વણમાગી -વણજોઇતી એંધાણી મોહનલાલ ઘરનાને સંભળાવતા અને એમનાં ઘરમાં વસતાં દીકરો-વહુ અને એમનો હવે જુવાન થયેલ પુત્ર આ બધું સાંભળી ગુસ્સે થતાં પણ બાપુજીની આ બાલ્કનીમાં બાપુજીના શબ્દોમાં 'ઝરુખે બેસવાની' ટેવ ન કાઢી શકતા.

હવે પંચ્યાસી વર્ષના થયેલા અને થાપાનાં હાડકાંની બિમારીને કારણે ચાલવામાં તકલીફ હોવાથી હ્હીલચેર પર આવી ગયેલાં મોહનલાલ સવારે પરવારે કે વ્હિલચેર બાલ્કનીમાં લાવી ત્યાંજ ગોઠવાઇ જાય.

હમણાં વાત આવી હતી કે નગરપાલિકાના નવા નિયમ મુજબ આ બાલ્કનીની ખુલ્લી દીવાલ ચણી એને રુમમાં ભેળવી દેવાની છૂટ મળી છે .સોસાયટીમાં ઘણાંએ બાલ્કનીને રુમમાં ભેળવી રુમ મોટાં કરવા માંડ્યા હતાં. પ્રકાશભાઈના વેપારી દીમાગે ગણતરી માંડી કે આમ કરવાથી રુમ મોટો લાગે એ તો ઠીક, પણ ઘરના સ્કવેર ફૂટમાં તો ખાસ્સો ઉમેરો થઇ જાય. કારણ બાલ્કની ઘણી મોટી હતી. સ્કવેર ફૂટમાં વધારો એટલે સીધી ઘરની કિંમતમાં વધારો. હવે આવી તક તો કેમ જવા દેવાય ? એમણે આર્કીટેક્ટને બોલાવી પ્લાન બનાવવા માંડ્યો. આ વાતની મોહનલાલને ખબર પડી કે એમણે સખત વિરોધ નોંધાવ્યો કે ઘરમાં તોડફોડ ન કરાય. એની શું જરુર છે વગેરે વગેરે. પણ આ ઘર જેમણે લીધેલું એ બુઢ્ઢા -અપંગ એવા મોહનલાલનું હવે શું ઉપજે ? તે આખરે, મોહનલાલના આ ઝરુખાએ , ઘરના સ્કવેરફૂટમાં ખાસ્સો ઉમેરો કરી દીધો.

હવે મોટા થયેલાં રુમમાં મોહનલાલને વ્હીલચેર ચલાવવાની મોકળાશ હતી પણ એમની દુનિયા હવે જાણે સાવ સાંકડી થઇ ગઇ હતી. શરુઆતમાં તો થોડા દિવસ એ ટીવી સામે મૂંગા-મૂંગા બેસતા પણ પછી તો એમણે ખાટલો જ પકડી લીધો અને ત્રણ મહીનામાં તો તબિયત એવી તો બગડી કે પરલોક સિધાવ્યા. એમના ગયાં પછી કુટુંબીજનોની જીંદગીની ગાડી દોડતી રહી પાંચ વર્ષમાં પ્રકાશભાઈ રીટાયર્ડ થઇ ઘરે બેસી ગયાં.રોજ સાંજે સોસાયટીના કમ્પાઉન્ડમાં આંટા મારવાનો એમણે નિયમ બનાવી લીધો. એમનો દીકરો ખૂબ સારી પોસ્ટ પર જોબ કરવા લાગેલો અને એના લગ્નનું પણ નક્કી થઇ ગયું હતું. જીંદગી સારી રીતથી જઇ રહી હતી ત્યાં, પ્રકાશભાઈને લકવાનો હુમલો આવ્યો. અઠવાડિયું હોસ્પિટલમાં રહી ઘરે આવી ફીઝીયોથેરાપી ચાલુ કરી તે મહીના પછી એમનાં હાથ તો કામ કરતાં થયાં પણ પગ તો જકડાયેલા જ રહ્યાં. ડોક્ટરના કહેવા પ્રમાણે એમના પગ હવે ક્યારેય કામ નહીં આપી શકે ! ખૂબ દુખ સાથે આ પરિસ્થિતિ સ્વીકારવા સિવાય છૂટકો જ નહોતો !

હવે મોહનલાલની વ્હીલચેર પર પ્રકાશભાઈ આવી ગયાં.બહાર તો રોજ કોણ લઇ જાય ? એટલે સમય પસાર કરવા એ ટીવી સામે બેસી રહેતા પણ નીચે કમ્પાઉન્ડમાંથી સંભળાતો બાળકોનો કલબલાટ, નવરાત્રી -ગણપતિનાં મંડપમાંથી સંભળાતી આરતી-ભજનના સૂરો એમના મન ને ખેંચતા પણ તન વિવશ હતું. એમને હંમેશાથી વૃક્ષો પર વરસતો વરસાદ જોવો ખૂબ ગમતો પણ હવે તો પલંગમાંથી કે વ્હીલચેર પર બેસીને બારીનાં સળીયાઓમાં અટવાયેલો-વહેંચાયેલો વરસાદનો ટુકડો જ મળતો ! એમને અદમ્ય ઇચ્છા થતી આ દીવાલો તોડી બહાર ઝાંકવાની, પણ શતરંજની ચાલમાં અટવાયેલા પ્યાદાઓની જેમ, આ સ્કવેરફૂટીયા ગણતરીમાં ફસાયેલી દીવાલો તો હવે કેમની તુટે ?

હવે એમને સમજાતું હતું મોહનલાલના આ 'ઝરુખા ' પ્રત્યેનું અદમ્ય આકર્ષણ ! આ જ જગ્યા હતી જ્યાંથી એમનો બહારના જગત સાથેનો નાતો જોડાયેલો રહેતો હતો. ત્યાંથી ઝીલાતા જીંદગીના ધબકારા એમને પોતે પણ જીવંત હોવાનો અહેસાસ કરાવતા હતા. કહોને કે એમને જીવંત રાખતાં હતાં. પણ હવે બહુ મોડું થઇ ગયું હતું ! ફાઇનાન્સમાં નિષ્ણાત પુત્ર, ફૂટ તો છોડો -ઇંચની ગણતરી કરે એવો હતો. હવે આ ચણેલી દિવાલો જ પ્રકાશભાઇનું નસીબ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics