સેલિબ્રેશન
સેલિબ્રેશન
"મમ્મી ! મને પણ રિદાનની જેમ જ બર્થ ડે સેલીબ્રેટ કરવો છે. મોલના ગેઈમ ઝોનમાં અમે કેટલી મજા કરી હતી ! અને પછી પિત્ઝાને આઈસક્રીમ ખાધાં હતાં ! મને પણ મારા ફ્રેન્ડસ સાથે ફન કરવું છે." નાનો છ વર્ષનો જીત જિદે ચડ્યો હતો.
આમ તો એના મમ્મી -પપ્પા પણ નવી-નવી રીતે પોતાના દીકરાનો બર્થ ડે સેલિબ્રેટ કરવાનું પસંદ કરતાં. પણ હમણાં લોકડાઉનમાં મોલ -રેસ્ટોરન્ટ -થિયેટર તો બંધ હતાં. આ બાજુ દીકરો ફન સેલિબ્રેશન માટે જિદે ચઢેલો હતો.
અચાનક જીતની મમ્મીને એક આઈડીયા આવ્યો અને એણે બે-ચાર ફોન ઘૂમાવ્યાં પછી જીતને તેડી લેતાં કહ્યું " અરે ! આપણે તો આટલા બધાં નવા ફ્રેન્ડસ સાથે મારા રાજાબેટાનો બર્થડે સેલીબ્રેટ કરીશું ! " નવા ફ્રેન્ડસને મળવાના ખ્યાલથી જીત તો રાજી રાજી થઈ ગયો. જીતની મમ્મીએ જીતના આઠ-દસ ફેન્ડસ અને એમની મમ્મીઓને પણ આમંત્રણ આપી દીધું. આમંત્રણમાં લખેલ એડ્રેસ
ઉપરથી કોઈને કંઈ ખ્યાલજ ન આવ્યો કે આ કઈ જગ્યા છે.
બર્થડે ને દિવસે બધાં ત્યાં પહોંચ્યા તો એક બેઠાઘાટનાં મકાનની સામે આવેલું વિશાળ આંગણ ફુગ્ગા-રીબીન રંગબેરંગી સ્ટાર્સથી સજાવેલું હતું. મસ્ત મ્યૂઝીક વાગી રહ્યું હતું. બધાં આવી ગયા એટલે જીતની મમ્મી પેલા મકાનમાં જઈ પંદરેક જેટલાં બાળકોને લઈ બહાર આવી. આ એક અનાથાશ્રમ હતું અને આ એમાં રહેનારા બાળકો હતાં. થોડીવાર તો બધાં બાળકો એકબીજાને જોતાં જ રહ્યા. પણ પછી જેવી જાતજાતની ગેઈમ રમવાની શરુ થઈ કે અજાણ્યાપણું ગાયબ ! ને બધાં હળી-મળી ધમાલ કરવા માંડ્યા. રમ્યા પછી બધાએ પિત્ઝા-પાસ્તા આઈસ્ક્રીમ પાર્ટી કરી. જીતે પોતાને હાથે બધાને રિટર્ન ગિફ્ટ આપી. આ અનાથ બાળકો, જીત અને એના મિત્રો બધાં માટે આ અનુભવ જુદો જ રહ્યો. પાછાં ફરતી વખતે રિદાન એની મમ્મીને કહી રહ્યો હતો " મમ્મી મને પણ જીતની જેમ જ બર્થ ડે સેલિબ્રેટ કરવો છે ! "