હવા સાથે વાત
હવા સાથે વાત
બહાર ખાટલામાં ખોં-ખોં ખાંસી રહેલા પિતાને દુર્ગા લાચારીથી જોઈ રહી હતી. પોતે હમણાં જ એને ગરમ ચા બનાવી પીવડાવી હતી. વાંસે અને છાતીએ ગરમ પાણીનો શેક પણ કરેલો. પણ આ પેધી પડેલી ખાંસી શમતી જ નહોતી. ડોક્ટરે ટી. બી. નું નિદાન કરેલું અને બે વર્ષ માટે દવાનો કોર્સ અને આરામ લેવાનું કહેલું. આમ પણ આટલી બધી નબળાઈમાં એમનાથી કામ... એ પણ પાછું રીક્ષા ચલાવવા જેવું અઘરું કામ તો થાય તેમ જ નહોતું. મા બે-ત્રણ ઘરે વાસણ-કપડાં માટે જતી. એની આવકમાં માંડ-માંડ ખેંચતા હતાં. દુર્ગા હમણાં જ બારમી પાસ થઈ હતી. આમ તો ખૂબ ભણી પાયલટ બની વિમાન ઉડાડવાના એનાં સ્વપ્ન હતાં. નાની હતી ત્યારથી જ પોતે હવા સાથે હરીફાઈ કરતી હોય એવા સ્વપ્ન એને આવતાં. પરિસ્થિતિએ એનાં સ્વપ્નને જાણે બેડીઓમાં જકડી લીધાં હતાં. બધું ભૂલી હવે એ જે મળે એ નોકરી માટે સતત ટ્રાય કરતી હતી. પણ એમાં ને એમાં છ મહીના નીકળી ગયાં હતાં.
મા આવે ત્યાં ખીચડી ચડાવી દઉં વિચારી એ ઓરડીમાં જઈ રહી હતી ત્યાં પિતાએ સાદ પાડ્યો " બેટા દુર્ગા ! આ ચાર દિવસથી સખત નબળાઈને કારણે મારાથી ઊભું જ નથી થવાતું. આ રીક્ષા પણ મારી જેમ પડી પડી ખટારો થઈ જશે. ! તું જઈને થોડીવાર એનું એન્જીન ચાલુ કરી આવ ને ! અને હા ! તારી મા આવે એ પહેલાં પાછી આવી જા નહીં તો મને લડશે કે આવા કામ માટે મારી દીકરીને કેમ મોકલી ! " દુર્ગા ચાવી લઈ ચાલીની બહાર ઊભી રાખેલી રીક્ષા તરફ ગઈ. એ નાની હતી ત્યારથી ઘણીએ વાર પિતા સાથે રીક્ષામાં બેસતી. રોજ રાત્રે એને એક ચક્કર મરાવીને જ પિતા ધંધો બંધ કરતાં. કહેતાં " મારી દીકરીના પગલાં આ રીક્ષામાં પડે છે અને મારા ધંધામાં બરકત આવે છે. " રસ્તા ખાલી હોય તો એને પોતાની આગળ ઊભી રાખી રીક્ષા ચલાવતાં એ શીખવતા. પાયલટ બનવાની ઈચ્છાના મૂળ પણ કદાચ આમાં જ હતાં.
દુર્ગાએ રીક્ષાનું એન્જીન ચાલુ કર્યું. રસ્તો ખાલી હતો એટલે એણે એક રાઉન્ડ મારવાનું વિચારી રીક્ષાને ગતિમાં નાંખી. ઘણાં વખતથી જડ થઈ ગયેલાં એના મનને પણ જાણે ગતિ મળી. ઘણીવારે પાછી ફરી ત્યારે એના મનમાં એક નિર્ણય રોપાઈ ગયો હતો.
રાત્રે જમતાં -જમતાં એણે મા-પિતાજી સામે નિર્ણય જાહેર કર્યો કે પિતાજી સાજા ન થાય ત્યાં સુધી એ પોતે રીક્ષા ચલાવશે જેથી આર્થિક તંગીથી અટકી ગયેલાં એમના જીવનને ગતિ મળે. દીકરીની સુરક્ષા માટે ચિંતિત મા-બાપ દીકરીને ગમે તેવા મુસાફરોનો સામનો કરવો પડે તો ? આ વિચારથી જ ધ્રુજી ગયાં. બીજા સગાસબંધીઓએ પણ આ કામ છોકરીઓનું નથી કહી એમને વાર્યા. આડોશી-પડોશીઓએ પણ આવું કામ કરે તો છોકરીની ઈજ્જત તો પાણીમાં જ મળે કહી ચેતવ્યા. પણ દુર્ગા હવે અડગ હતી.
એણે પોતે ડ્રાઈવીંગ લાઈસન્સ મેળવ્યું.... દોડાદોડી કરી પોલીસ પરમીશન પણ મેળવી કારણ હજી સુધી આ શહેરમાં કોઈ છોકરી રીક્ષા ડ્રાઈવર નહોતી !
આજે જ્યારે એની રીક્ષા મુસાફરોને બેસાડી હવા સાથે હરીફાઈ કરે છે ત્યારે ભલભલા લોકોને એ પ્રેરણા પૂરી પાડે છે. એણે બીજી ઘણીએ છોકરીઓનાં જકડાયેલા આત્મવિશ્વાસને મુક્ત કરી એમને પુરુષોના વર્ચસ્વવાળા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા સાથ આપ્યો. એને વિશ્વાસ છે કે.... સાજા થઈ રહેલાં પપ્પાને આ કામ સોંપી પોતે જરૂર એક દિવસ આકાશમાં હવા સાથે વાત કરશે.. પાયલટ બનીને !