શ્યામ જરા રાધા બનીને જો
શ્યામ જરા રાધા બનીને જો


રાધા-કૃષ્ણ આ બંને નામ એકબીજાના પૂરક છે. મીરાંનો પ્રેમ એટલે પ્લેટોનીક-દીવ્ય... અને રાધાનો પ્રેમ એટલે શૃંગારિક એવી સામાન્ય સમજ છે. પણ સત્ય તો એ છે કે કૃષ્ણનો ગોકુળવાસ તો જીવનનાં શરૂઆતના થોડા વર્ષો જ રહ્યો. ગોકુળ છોડ્યાં પછી એ કદીય ત્યાં પાછા ફર્યા જ નહીં ! રાધાનો સંગ પણ કાયમ માટે ત્યારે જ છૂટી ગયો. પછીનું જીવન તો....
' રાધા શોધે મોરપીંછને,
શ્યામ શોધે ઝાંઝરીયાં '
એમનાં શૃંગાર-મિલનનાં કાવ્યો કે ખ્યાલ કાલ્પનિક જ વધારે છે. આ કલ્પનાને આગળ વધારીએ.... જેમનું જીવનકર્મ પૂરું થવા આવ્યું છે એવા કૃષ્ણ કુરુક્ષૈત્રના યુધ્ધ પછી ફક્ત એકવાર રાધાના દીવ્ય પ્રેમની અનુભૂતિ પામવા ગોકુળ પાછા આવે છે.... તીવ્ર ઉત્કંઠાથી શ્યામ, વિરહમાં ઘેલી બની ભટકતી રાધાને... અહીં જ ક્યાંક ખોવાયેલા બંસીના સૂરને... કુંજગલીઓમાં ખોવાયેલ પોતાના મનની મીરાંતને શોધે છે..... બીજુ કંઇ તો નથી જડતું પણ એક કદંબવૃક્ષ નીચે બેસી યમુનાનાં વહેતાં જળને જડતાથી તાકી રહેલી રાધા મળે છે. રાધાને ઝંઝોડતા કૃષ્ણ કહે છે " સખી.... હું તારો માધવ ! "
ત્યારે શૂન્ય નજરથી એને તાકતી રાધાના યુઞોથી મૌન શબ્દો બોલી ઊઠે છે.....
તમે તો શ્રીકૃષ્ણ છો. મારો માધવ તો મોરપીંછથી સોહતો. તમે તો હીરા-માણેક-મોતાથી જડેલ મુગટધારી...
મારા શ્યામનાં હાથમાં બંસી અને હોઠ પર વહેતાં સ્નેહસૂર... જ્યારે તમે તો સુદર્શન ચક્ર ધારી.
કાન્હા ! કુંજગલી, એની લતાઓ,જમુનાંના જળ, કદંબની ડાળીઓ, એ ગોપીઓ... એમનાં ચીરહરણ એ સર્વે યાદ છે ? કે પછી દ્વોપદીનાં ચીર પૂરવામાં એ સર્વે વીસરાયું !?.......
દ્વારકાધીશ તમે તો દ્વારિકામાં સોળ સોળ હજાર સખીઓ જોડે સાજ છેડી રુપેરી રાજ ભોગવ્યું જ્યારે અમે... એ જ શ્યામલ યમુના અને શ્યામ વિરહની વેદના સંગે જીવ્યા. તેં જો એકવાર પાછળ ફરીને જોયું હોત તો તને ઝંખના અને ઝૂરાપાનાં અર્થ સમજાત !
કુરુક્ષૈત્રમાં અર્જુનને ગીતાની કથા સંભળાવનાર શ્રીકૃષ્ણ ! જીવતરની વ્યથા તને શું સમજાય !
તેં મને હૃદયવગી રાખી એટલે જ વરદાન આપ્યું કે કૃષ્ણની પહેલાં રાધાનું નામ મૂકાશે અને રાધા-કૃષ્ણ સાથે જ પૂજાશે. પણ સખા ! તને શું ખબર કે મારે તારે સંગ પૂજાવું નહોતું પણ આ આયખું જ તારે સંગ જીવવું હતું ! મને તો તું જોઇતો હતો તારું કૃષ્ણત્વ નહીં !
કૃષ્ણ જો તું પાછો અવતાર લે ને તો મને ન મળતો... અને જો મળે તો મારી પ્રીતનાં આવા પારખાં ન લેતો... મારી આ પીડાને પામવા શ્યામ જરા રાધા બનીને તો જો !?